લંડનઃ હાઈવે કોડમાં ફેરફાર કરાઈ રહ્યો છે જે મુજબ સાઈકલિસ્ટોને મોટરચાલકોની સરખામણીએ વધુ અધિકારો મળશે. માર્ગના વપરાશકર્તાઓની બાબતે જે વાહનથી વધુ નુકસાન થાય તેમના પર વધુ જવાબદારી લદાશે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સ દ્વારા નવી સાઈકલિંગ અને વોકિંગ સ્ટ્રેટેજી જાહેર કરવામાં આવી છે. દેશભરમાં સાઈકલિંગ અને ચાલવાને ઉત્તેજન આપવા ટ્રાન્સપોર્ટ સેક્રેટરીએ ૩૩૮ મિલિયન પાઉન્ડના પેકેજની પણ જાહેરાત કરી છે.
હાઈવે કોડમાં ફેરફાર કરાઈ રહ્યો છે જે મુજબ જંક્શનો પર સીધે પ્રવાસ કરતી વેળાએ સાઈકલિસ્ટોને મોટરચાલકોની સરખામણીએ વધુ પ્રાથમિકતા મળશે. બાઈક-સાઈકલ ચલાવી રહેલા લોકો સલામત રહે તે તે માટે કાર ડ્રાઈવર્સને ચોક્કસ ડ્યૂટી સોંપાઈ છે. આ જ રીતે સાઈકલિસ્ટોએ રાહદારીઓની સલામતીનું ધ્યાન રાખવાનું રહેશે. રાહદારીઓ પેવમેન્ટ પર ઉભા હોય, રોડ ક્રોસ કરી રહ્યા હોય અથવા ક્રોસ કરવાની રાહ જોતા હોય તેમના માટે પ્રાથમિકતાને વધુ મજબૂત બનાવાશે.
સલામત રીતે પસાર થવાના અને સ્પીડના મુદ્દે તેમજ જંક્શન્સ પર સીધા આગળ જવાનું હોય ત્યારે સાયલિસ્ટોને પ્રાથમિકતા આપવાની ચોકસાઈ રાખવી પડશે તેમ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું.
ગયા વર્ષે સાઈઆકલોના વપરાશમાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો હતો જે ગત ૨૦ સંયુક્ત વર્ષની સરખામણીએ ઘણો ઊંચો હતો. મુખ્યત્વે કોવિડ-૧૯ મહામારીના કારણે બ્રિટિશ માર્ગો પર સાઈકલ ચલાવાયાના કુલ માઈલ્સ ૪૭.૫ ટકા આસમાને પહોંચી પાંચ બિલિયન માઈલ્સ થયા હતા. શાપ્સે જણાવ્યું હતું કે ગયા વર્ષમાં લાખો લોકોએ તંદુરસ્ત રહેવા માટે સાઈકલિંગ અને વોકિંગ શ્રેષ્ઠ હોવાનો અનુભવ કર્યો હતો. તેનાથી માર્ગો પર ગીચતા ઘટી હતી અને પર્યાવરણને પણ લાભ થયો હતો.