હાઉસ ઓફ કોમન્સમાં અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીવાળીની ભવ્ય ઉજવણી કરાઇ

સ્પીકર સર લિન્ડસે હોયલે સહિત તમામ પાર્ટીના સાંસદો, ભારતીય સમુદાયના અગ્રણીઓ હાજર રહ્યાં

Wednesday 19th October 2022 04:41 EDT
 
 

લંડન

હાઉસ ઓફ કોમન્સમાં સ્પીકર હાઉસના સ્ટેટ રૂમ્સ ખાતે 17મી ઓક્ટોબર સોમવારના રોજ તમામ પાર્ટીઓના સાંસદોની હાજરીમાં દીવાળીની ઉજવણી કરવામાં આવી હતી. સાંસદ નવેન્દુ મિશ્રા, સાંસદ અને સ્ટેટ ફોર નોર્ધન આયર્લેન્ડના પૂર્વ સેક્રેટરી શૈલેશ વારા, સાંસદ વિરેન્દ્ર શર્મા અને ઓનરેબલ લોર્ડ ધોળકિયા દ્વારા આયોજિત આ ઉજવણીમાં મોટી સંખ્યામાં સાંસદો, રાજદ્વારી અને બિઝનેસ લીડર્સ સહિત હિન્દુ, જૈન, શિખ સમુદાયના પ્રતિનિધિઓ સમગ્ર દેશમાંથી હાજર રહ્યાં હતાં.

ઇસ્કોનની ટીમ દ્વારા વિશ્વ શાંતિ માટે પ્રાર્થના અને દીપ પ્રગટાવીને આ ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા સાંસદ અને સ્પીકર સર લિન્ડસે હોયલેએ જણાવ્યું હતું કે, તમારો આવકાર કરતાં આનંદ અનુભવું છું. તમને બધાને દીવાળીની શુભેચ્છાઓ. સમગ્ર વિશ્વમાં શાંતિ અને આનંદથી દીવાળીની ઉજવણી કરી રહેલા તમામ સમુદાયોને મારી શુભેચ્છા. પ્રકાશનું આ પર્વ તમારા જીવનોમાં આનંદ અને ખુશીઓ લાવે. હું તમને બધાને ભારતની આઝાદીના 75 વર્ષ માટે પણ અભિનંદન આપું છું.

ઇવેન્ટમાં શૈલેશ વારાએ જણાવ્યું હતું કે, દીવાળી આસૂરી શક્તિઓ પર દૈવી શક્તિનો, અંધારા પર અજવાળાના વિજયનો સંદેશ છે જે સમગ્ર વિશ્વ માટે અત્યંત મહત્વનો છે. વિશ્વના દરેક ખૂણામાં ભારતીયો વસે છે તેથી સમગ્ર વિશ્વમાં દીવાળીની ઉજવણી કરાય છે. આપણા ખંડમાં યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે આવો આપણે આશા રાખીએ કે દીવાળી આનંદનો પ્રકાશ રેલાવશે અને વિજય તરફ દિશા ચીંધશે.

લોર્ડ ધોળકિયાએ જણાવ્યું હતું કે, ગયા સપ્તાહમાં હું ભારતમાં હતો અને મેં લાખો લોકોને ગરબે ઘૂમતા જોયાં હતાં. ધર્મમાં તેમનો આનંદ, મઝા અને માન્યતા નોંધપાત્ર હતાં. તમામ પ્રકારની ઉજવણીઓ આપણને એકજૂથ કરે છે.

વિરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે, તમને બધાને દીવાળીની શુભેચ્છા. હાઉસ ઓફ કોમન્સના કેલેન્ડરમાં દીવાળી મહત્વનો હિસ્સો છે. દીવાળી આપણા વડવાઓ તરફથી વારસામાં મળેલા મૂલ્યો અને સંદેશ પાઠવવાનો પ્રસંગ છે. રામાયણ આપણને શાંતિ, સમૃદ્ધિ, એકતા અને સમાનતાનો સંદેશ આપે છે. આ સંદેશ સમગ્ર વિશ્વમાં પ્રસરાવવો જોઇએ.

નવેન્દુ મિશ્રાએ જણાવ્યું હતું કે, આ ઉજવણીમાં તમામ પાર્ટીના સાંસદો હાજર છે. બ્રિટિશ ઇન્ડિયન કોમ્યુનિટી મહત્વનો હિસ્સો છે અને દેશમાં હકારાત્મક યોગદાન આપી રહી છે. બ્રિટનની વસતીમાં ફક્ત બે ટકા બ્રિટિશ ઇન્ડિયન છે તેમ છતાં જીડીપીમાં તેમનું યોગદાન 8 ટકા છે. આ પ્રભાવક આંકડા સાથે બધા સહમત હશે. દીવાળી અંધકાર પર પ્રકાશના વિજયનો તહેવાર છે.

લેબર પાર્ટીના વડા કીર સ્ટાર્મેરે જણાવ્યું હતું કે બ્રિટન, ભારત અને સમગ્ર વિશ્વમાં દીવાળી ઉજવી રહેલા તમામને મારી શુભેચ્છા.

આ પ્રસંગે બ્રિટન ખાતેના ભારતના ડેપ્યુટી હાઇકમિશ્નર સુજિત ઘોષ, ફર્સ્ટ સેક્રેટરી સારવજીત સૂદાન, યુગાન્ડાના હાઇ કમિશ્નર નિમિષા માધવાણી અને નેપાળના રાજદૂત જ્ઞાન ચંદ્ર આચાર્ય પણ હાજર રહ્યાં હતાં. તે ઉપરાંત લોર્ડ જિતેશ ગઢિયા, સાંસદ બોબ બ્લેકમેન, કૃપેશ હિરાણી એએમ, કાઉન્સિલર વિમલ ચોક્સી, ઇન્ડિયા કોર્પોરેશન ગ્રુપના સીઇઓ અને ચેરમેન પ્રો. મનોજ લાડવા, ભક્તિવેદાંતા મેનોર ઇસ્કોન મંદિરના પ્રમુખ વિસાખા દાસી, વોરન્ટ ઓફિસર આર્મી અશોક કુમાર ચૌહાણ એમબીઇ, આરએએફના સાર્જન્ટ શિવ ચંદ, એસબીઆઇના સીઇઓ સુધિર શર્મા, એસબીઆઇના રિજિયોનલ હેડ શરદ ચંડકે પણ આ પ્રસંગે દીવાળીની શુભેચ્છા પાઠવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter