લંડનઃ હાઉસ ઓફ લોર્ડ્સમાં હાજરી નહીં આપતા અને કાર્યવાહીમાં સક્રિય ભુમિકા નહીં ભજવતા લોર્ડ્સને રાજીનામુ આપવાની ફરજ પાડવા સરકાર વિચારણા કરી રહી છે. સરકાર હાઉસ ઓફ લોર્ડ્સના સભ્યો ચર્ચા, મતદાન અને સમિતિઓમાં કેવા પ્રકારની ભુમિકા ભજવે છે તેનું મોનિટરિંગ કરવા યોજના બનાવી રહી છે.
હાઉસમાં પોતાની ફરજો નહીં નિભાવતા સભ્યોને રાજીનામુ આપી દેવાની ફરજ પડાશે. હાલ હાઉસ ઓફ લોર્ડ્સમાં 830 સભ્ય છે. ચીનમાં નેશનલ પીપલ્સ કોંગ્રેસ બાદની આ સૌથી મોટી ધારાસભા ગણાય છે. સરકાર હાઉસ ઓફ લોર્ડ્સમાં સંખ્યાબળમાં 20 ટકાનો ઘટાડો કરવા ઇચ્છે છે. જે અંતર્ગત વારસાગત સભ્યપદની જોગવાઇ હટાવવા અને નિવૃત્તિની વય 80 વર્ષ કરવા જેવા પગલાં સામેલ છે.
સરકારનું માનવું છે કે આ પ્રકારે હાઉસ ઓફ લોર્ડ્સને સંતુલિત કરી શકાશે. હાલ હાઉસમાં ટોરી લોર્ડ્સની સંખ્યા 285 જ્યારે લેબર લોર્ડ્સની સંખ્યા 209 છે. આ મુદ્દે સર્વસંમતિ સાધવા સર્વપક્ષીય સમિતિની રચના કરાઇ છે.
બેરોનેસ સ્મિથ ઓફ બાસિલડને જણાવ્યું હતું કે, મોટાભાગના સભ્યો સહમત છે કે હાલનું સંખ્યાબળ વધુ પડતું છે. તેમાં પણ હાઉસમાં ભાગ્યે જ હાજરી આપતા સભ્યોની સંખ્યા ઘણી છે.