હાઉસ ઓફ લોર્ડ્સમાંથી વારસાગત લોર્ડની સિસ્ટમ નાબૂદ કરતો ખરડો રજૂ

ઉપલા ગૃહના 92 સભ્યો લોર્ડ તરીકેનો દરજ્જો ગુમાવશે

Tuesday 10th September 2024 11:47 EDT
 
 

લંડનઃ સ્ટાર્મર સરકારે હાઉસ ઓફ લોર્ડ્સમાં વારસાગત સ્થાન પ્રાપ્ત કરનારા તમામ લોર્ડનો દરજ્જો છીનવી લેવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. છેલ્લા 25 વર્ષમાં આ સૌથી મોટો સંસદીય સુધારો બની રહેશે. યુકેના હાઉસ ઓફ લોર્ડ્સમાં 92 સભ્ય એવા છે જેમને આ દરજ્જો તેમના માતા-પિતા લોર્ડ હોવાના કારણે મળ્યો છે. સરકાર દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવ અનુસાર તેઓ સંસદના ઉપલા ગૃહમાં બેસવા અને મતદાન કરવાનો અધિકાર ગુમાવી દેશે.

1999માં ટોની બ્લેરની સરકારે 700 વર્ષ જૂના આ અધિકારને રદ કરવાની પહેલ કરી હતી. તેમાંથી ફક્ત 92 લોર્ડને જ એગ્રિમેન્ટ ન થઇ જાય ત્યાં સુધી આ દરજ્જો ભોગવવાની પરવાનગી અપાઇ હતી. આ તમામ 92 વારસાગત લોર્ડ શ્વેત બ્રિટિશર છે અને તેમની ઊંમર 70 કરતાં ઓછી છે.

એક્ટિવિસ્ટ દ્વારા લાંબાસમયથી આ સિસ્ટમ નાબૂદ કરવાની માગ થઇ રહી હતી. લેબર પાર્ટીએ પણ તેના ચૂંટણી ઢંઢેરામાં આ સિસ્ટમ નાબૂદ કરવાનું વચન આપ્યું હતું. સરકાર દ્વારા રજૂ કરાયેલા ખરડાના પગલે હવે સંસદના ઉપલા ગૃહમાં કોઇ વારસાગત લોર્ડ સ્થાન મેળવશે નહીં. અર્લ માર્શલ અને લોર્ડ ગ્રેટ ચેમ્બરલીનને પણ તેમની બેઠકો ગુમાવવી પડશે. આ ખરડો આગામી વર્ષે કાયદો બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter