લંડનઃ બ્રિટનમાં હાઉસિંગ કટોકટીની સમસ્યા હલ કરવા સરકાર ચાન્સેલરના ઓટમ સ્ટેટમેન્ટમાં ‘બાય એઝ યુ ગો’ નીતિ જાહેર કરે તેવી અટકળો છે. મિલકત ધારણ કરવાના આ પ્રકારમાં ૨૫ વર્ષ ભાડું ચુકવ્યા પછી તેમના ઘર ખરીદવાની તક મેળવી શકે છે. આ વ્યવસ્થામાં નવા ખરીદારોએ ડિપોઝીટ ભરવાની નહિ રહે કે મોર્ગેજ પણ લેવો પડશે નહિ પરંતુ, સમયાંતરે તેમના ઘર માટે ઈક્વિટી એકત્ર કરશે. જોકે, સરકારી પ્રવક્તાએ આ મુદ્દે કોઈ ટીપ્પણી કરવાનો ઈનકાર કર્યો છે.
નેશનલ હાઉસિંગ ફેડરેશને સરકારને જણાવ્યું છે કે હાઉસિંગ એસોસિયેશનો આગામી ચાર વર્ષમાં ૩૩૫,૦૦૦ ઘર બાંધી શકશે, જેમાંનો નોંધપાત્ર હિસ્સો ‘બાય એઝ યુ ગો’ મુદતનો હશે. આ યોજનામાં લોકો દ્વારા ચુકવાતું ભાડું સ્થાનિક વિસ્તારમાં બજારભાવના ૯૦ ટકા જેટલું હશે, જે સમય જતાં ભાડૂત તેમના મકાનની માલિકી મેળવે ત્યાં સુધી ભાડાં અને ઈક્વિટી પેમેન્ટમાં વિભાજિત થશે.
ખાનગી ભાડૂતો સામાન્ય રીતે તેમના ઘેર લઈ જવાતા પગારની ૪૭ ટકા રકમ મકાનમાલિકને ચૂકવે છે. આથી, ઓછું વેતન ધરાવનારા લોકો ડિપોઝિટ માટે બચત કરી શકતા નથી. ભાડે અપાતી પ્રોપર્ટીની અછતના કારણે ભાડાંની રકમ પણ ઊંચે ગઈ છે. આગામી પાંચ વર્ષમાં લંડનના ભાડૂતોને ૨૫ ટકાનો અને દેશમાં અન્યત્ર ૧૯ ટકાનો ભાડાવધારો સહન કરવાનો આવી શકે છે.


