લંડનઃ પેન્શન રિસ્કમાં નાણાં રોકવાને બદલે જે લોકો હાઉસિંગમાં રોકાણ કરે છે તેમને નિવૃત્તિનું જીવન ગાળવા માટે પૂરતાં નાણાં રહે નહીં તેવું બની શકે તેમ બેંક ઓફ ઈંગ્લેન્ડના ડેપ્યુટી ગવર્નર એન્ડ્રયુ બેઈલીએ જણાવ્યું છે. કેન્દ્રીય બેંક જોખમી લોન્સને લીધે ભવિષ્યમાં હાઉસિંગ માર્કેટમાં કડાકો બોલાઈ જાય તેવા ભયને લીધે પ્રોપર્ટી ખરીદીને ભાડે આપનારા મકાનમાલિકો પર વધુ કડક બની છે.
બેઈલીએ કહ્યું કે ભવિષ્યમાં હાઉસિંગ બજારને તૂટી પડતું અટકાવવા નવા કડક નિયમો જરૂરી છે. મકાનોના ભાવ તૂટી જાય તો નિવૃત્તિ બાદનું જીવન ગાળવા માટે પ્રોપર્ટી રોકાણ પર આધાર રાખતા હોય તેવા પેન્શનરો માટે જોખમ ઉભું થઈ શકે.
નેશનલ સેવિંગ્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટે જાહેરાત કરી હતી કે જૂનથી તેમના લાખો ખાતેદારોને મળતા વ્યાજમાં ભારે ઘટાડો થશે. બેંકે એવી પણ ચેતવણી આપી કે યુરોપિયન યુનિયન છોડી દેવાની તરફેણમાં મતદાન થશે તો મકાન અને વેપાર માટેની લોન મોંઘી બનશે.


