લંડનઃ સરકારે હાઉસિંગ બેનિફિટ મર્યાદામાં છૂટછાટો જાહેર કરી છે. વર્ક એન્ડ પેન્શન્સ સેક્રેટરી ડેમિયન ગ્રીને કહ્યું છે કે ચેરિટી સંસ્થાઓ અને લેબર પાર્ટીના તીવ્ર વિરોધના પગલે લોકલ હાઉસિંગ એલાવન્સ મર્યાદા ૨૦૧૯-૨૦ સુધી મુલતવી રખાઈ છે. હોસ્ટેલ્સ અને સપોર્ટેડ હાઉસિંગમાં રહેતાં લોકોને સૂચિત હાઉસિંગ બેનિફિટ ચુકવણી મર્યાદામાંથી મુક્તિ અપાશે.
ઘરવિહોણાં અને માનસિક બીમારીઓ ધરાવતાં લોકો સાથે કાર્યરત જૂથોએ ચેતવણી આપી હતી કે લોકલ હાઉસિંગ એલાવન્સ (LHA) મર્યાદાથી હોસ્ટેલ્સ અને આશ્રયગૃહો વ્યાપક રીતે બંધ થઈ જશે અને હજારો લોકોને સેરીઓમાં આવી જવાની ફરજ પડશે. ગયા વર્ષે ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને સોશિયલ હાઉસિંગ રેન્ટમાં એક ટકાના સૂચિત ઘટાડા સાથે હાઉસિંગ બેનિફિટ ચુકવણીમાં મર્યાદાઓની જાહેરાત કરી હતી. સાંસદોની ઈન્ક્વાયરી સમક્ષ સેન્ટ મુન્ગોસ ચેરિટીએ જણાવ્યું હતું કે આ પગલાંથી તેના મોટા ભાગના શેલ્ટર્સ અને સપોર્ટેડ હાઉસિંગ નાણાકીય રીતે અક્ષમ બની જશે.
વર્ક એન્ડ પેન્શન્સ સેક્રેટરી ડેમિયન ગ્રીને પાર્લામેન્ટ સમક્ષ કહ્યું હતું કે ૨૦૧૯-૨૦ સુધી LHA મર્યાદા મુલતવી રખાશે અને તે પછી નવી સિસ્ટમમાં વર્તમાન દરે ભંડોળ ચાલુ રહેશે. આ યોજના મજબૂત હોવાં છતાં ટુંકા ગાળામાં હોસ્ટેલ્સ અને આશ્રયગૃહો સહિતના એકોમોડેશન્સ માટે પડકાર સર્જાઈ શકે તે ગ્રીને સ્વીકાર્યું હતું.
આ મર્યાદાનો વિરોધ કરનારી ચેરિટી સંસ્થાઓ અને લેબર સાંસદોએ યોજના મુલતવી રાખવાના નિર્ણયને આવકાર્યો હતો. જોકે, સોશિયલ હાઉસિંગ રેન્ટમાં સૂચિત એક ટકાના ઘટાડામાં આગળ વધવા સામે ચિંતા દર્શાવી હતી. લેબર પાર્ટીએ જણાવ્યું હતું કે મર્યાદા વિશે નિર્ણયમાં વિલંબથી ખોટી ચિંતા ફેલાઈ હતી. મેન્કેપ ચેરિટીએ જણાવ્યું હતું કે સૂચિત મર્યાદાના કારણે મવા સપોર્ટેડ હાઉસિંગની ૮૦ ટકા યોજના અટકાવી દેવાઈ હતી અને ૪૦ ટકા વર્તમાન યોજના બંધ કરવાના સંજોગો ઉભાં થયાં હતાં.


