કાળા માથાનો માનવી કેટલી શોધ કરશે એની કોઇ જ સીમા નથી. આ હકિકત એટલા માટે સાચી જણાઇ રહી છે કેમ કે ધ લેન્સેટમાં પ્રસિધ્ધ થયેલા એક સંશોધનમાં જણાવાયું છે કે તમે જ્યારે કોઇની સાથે હાથ મીલાવો ત્યારે હાથના પંજાની પક્કડ દર્શાવે છે કે તમને ભવિષ્યમાં હ્રદય રોગ કે પક્ષઘાત એટલે કે સ્ટ્રોકની બીમારી થશે કે નહિં. જે લોકોના હાથની પક્કડ મજબૂત હોય છે તે લોકોને હાર્ટએટેક કે સ્ટ્રોકની બીમારીથી આવતા મોતથી બચી શકે છે. વિશ્વના ૧૭ દેશોના ૧૪૦,૦૦૦ લોકોનો આ માટે સર્વે કરાયો હતો અને તેમાં આ તથ્ય સામે આવ્યું છે.
હાથના સ્નાયુઅોની ઢીલાશ વહેલા મૃત્યુ, અપંગતા અને બીમારી સાથે સંકળાયેલી છે. પણ જરા આડ વાત કરી લઇએ તો આ સમાચાર વાંચ્યા પછી મિત્રો સાથે હાથ મિલાવો ત્યારે 'પ્લીઝ' તેમના હાથનો ખુરદો ન બોલાવતા. કારણ કે અમુક લોકો તાકાત બતાવવા કે પછી પોતે કેટલા મજબૂત છે તે દર્શાવવા માટે બીજાના હાથ જોરથી દબાવતા હોય છે.
૦૦૦૦૦
આટલો બધો વાઇન પીવો છો!
આલ્કોહોલ રીસર્ચ યુકે દ્વારા કરાયેલા અભ્યાસમાં જણાવાયું છે કે યુકેમાં ધાર્યા કરતા વધારે એટલે કે ૧૨ મિલિયન બોટલ જેટલો વાઇન પ્રતિ સપ્તાહ વધારે પીવાય છે. લગ્ન, જન્મદિવસ અને બેન્ક હોલીડે દરમિયાન વધુ પડતો વાઇન પીવાય છે એમ જણાયું છે. નવા અંકડાઅો મુજબ ૨૫થી ૩૪ વર્ષની વયજુથના લોકો તેમની નશાની લતને નજરઅંદાજ કરે છે અને આ વયજુથના લોકોનો વાઇનનો સરેરાશ વપરાશ ૧૮ યુનિટ કરતા પણ વધારે હોય છે.
૦૦૦૦૦૦૦
વણજોઇતી દવા આપતા ડોક્ટરો
આપણને બધાને આપણા જીપી સામે ઘણી ફરિયાદો હોય છે કે જીપી દવા નથી આપતા કે એક્સ રે અને સોનોગ્રાફી કે સ્કેન નથી કરી આપતા. પરંતુ તાજેતરમાં ડોક્ટરોના સર્વેમાં જણાયું હતું કે ડોક્ટરો ઘણી વખત વણજોઇતી દવાઅો લખી આપે છે.
દર પાંચમાંથી ચાર ડોક્ટરોએ કબુલાત કરી હતી કે તેઅો અર્થ વગરની સારવાર લખી આપે છે અને તેની પાછળનો હેતુ દબાણ કરતા દર્દીઅોને પાછા ધકેલવાનો જ હોય છે.
તેમણે જણાવ્યું હતું કે તેઅો દબાણ કરતા દર્દીઅોને વગર કામની દવાઅો, સ્કેન, સોનોગ્રાફી અને એક્સ રે જેવા ટેસ્ટ લખી આપે છે જેની ખરેખર જે તે દર્દીને જરા પણ જરૂર હોતી નથી. અભ્યાસમાં તો એમ પણ જણાયું હતું કે ઘણી બધી ખર્ચાળ અને જોખમી સારવાર દર્દી માટે જરૂરી પણ હોતી નથી.
૦૦૦૦૦૦૦૦૦
કુદરત અજબ છે તારી લીલા: ૧૮,૦૦૦ જંતુઅો શોધાયા
કુદરતની લીલા પણ અજબ છે. હું અને તમે કદાચ દસ બાર પક્ષીઅો, જાનવરો કે માછલીઅોને જાણતા હોઇશું. પરંતુ આપણે જેને હજુ સુધી પૂરી અોળખી શક્યા નથી તે કુદરતની લીલા ખરેખર અજબ છે. આ વર્ષે શોધાયેલી ટોચની જે દસ નવી જાતી મળી છે તેમાં કાર્ટવ્હીલીંગ સ્પાઇડર છે. આ કરોળીયો બળદગાડાનું પૈડુ ફરે એમ પોતાના શરીરનું પૈડુ બનાવી દઇ દોડે છે અને તેની દોડવાની ઝડપ માણસ જેટલી હોઇ શકે છે. આજ રીતે પક્ષી જેવા પીંછા ધરાવતા ડાયનાસોરના અવશેષો પણ મળ્યા છે. એક એવી માછલી શોધાઇ છે જે દરિયાના તળીયે કુંડાળુ ધરાવતી ડિઝાઇનનો માળો બનાવે છે.
આ જંતુ-જાનવરોની શોધ સ્ટેટ યુનિવર્સીટી અોફ ન્યુ યોર્ક કોલેજ અોફ એન્વાયર્નમેન્ટલ સાયન્સ એન્ડ ફોરેસ્ટ્રી દ્વારા કરાઇ છે. આ યુનિવર્સીટી તેની જીજ્ઞાસા વૃતી ધરાવતી આદતો અને અને અનોખો દેખાવ ધરાવતા જીવજંતુઅોની શોધ કરવા માટે જાણીતી છે. શોધાયેલી દસ જેટલી જાતોમાં એક નવ ઇંચ લાંબુ ફેલમ નામનું 'દાદાજીની લાકડી' જેવું નવ ઇંચ જેટલું જંતુ અવર્ણનીય છે. ગયા વર્ષે એક બે હજાર નહિં પણ પુરા ૧૮,૦૦૦ જીવજંતુઅોને નામ અપાયા હતા જે આપણા સૌ માટે અત્યાર સુધી અજાણ્યા જ હતા.
૦૦૦૦૦૦૦
કુતરો ૪૦,૦૦૦ વર્ષથી માનવીનો મિત્ર છે
સાયબેરીયાના ટેમીર પેનીનસુલામાંથી એક પ્રવાસ દરમિયાન મળી આવેલા નાનકડા હાડકાની તપાસ કરતા સંશોધકોને જણાઇ આવ્યું છે કે તે કુતરાનું હાડકું હતું અને આશરે ૪૦,૦૦૦ વર્ષ પહેલાનું મનાય છે. આ સંશોધનોમાં જણાયું હતું કે તે કુતરો મનુષ્યનો મિત્ર હતો. અત્યાર સુધી એમ મનાતું હતું કે છેલ્લો હીમ યુગ આવ્યો તે ૧૬,૦૦૦ વર્ષ પહેલા કુતરો વરૂમાંથી અસ્તીત્વમાં આવ્યો હશે. હવે થયેલા સંશોધનો મુજબ કુતરા અને માનવીની દોસ્તી ૨૭,૦૦૦થી ૪૦,૦૦૦ વર્ષ જુની હોવાનું મનાય છે.
૦૦૦૦૦૦૦
ગળપણ પર વેરો: લે કર વાત...
આ સમાચાર વાંચીને કદાચ તમને અંધેર નગરી ને ગંડુ રાજા' વાળી વાર્તા યાદ આવી જાય. પરંતુ હકીકત એમ છે કે ગળપણ વાળા વ્યંજનો, ચોકલેટ વાનગીઅો વગેરે ખાવાના કારણે લોકો દેશમાં સ્થુળકાય થઇ રહ્યા છે. આ મેદસ્વી લોકોનું પ્રમાણ એટલું બધુ વધી ગયું છે કે સરકારને તેમને પાતળા કરવાનો ખર્ચો હવે પોસાતો નથી. સરકારે આનો આસાન રસ્તો શોધી કાઢ્યો છે કે જે વસ્તુ ગળી હોય તેના પર ટેક્સ નાંખી દો અને આ ટેક્સની રકમ તેમને પાતળા કરવા વાપરો.
લાઇફ સાયન્સ મિનિસ્ટર ફ્રી મેને જણાવ્યું છે કે જો ખોરાક બનાવતી કંપનીઅોએ જાણી લેવું જોઇએ કે જો તેઅો મનુષ્યને જાડા બનાવતો ખોરાક બનાવ્યા કરશે તો તેમની પર ટેક્સ લાદી દંડ કરવામાં આવશે.
૦૦૦૦૦૦૦
વિલન બનતા સ્ટીલ્થ કેમેરા
મોટર વે પર મૂકવામાં આવેલા સ્ટીલ્થ કેમેરાના નામે જાણીતા ડીજીટલ કેમેરાને કારણે મોટર વે પર નિયત કરતા વધુ ઝડપે કાર દોડાવતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. ૨૦૧૩માં ૧૨૭,૦૦૦ લોકો વધુ ઝડપે કાર દોડાવતા પકડાયા હતા. જેની સામે ૨૦૧૪માં સ્ટીલ્થ કેમેરા નંખાયા બાદ ૧૫૯,૦૦૦ લોકો વધુ ઝડપે કાર દોડાવતા પકડાયા હતા એમ સ્ટેટેસ્ટીક્સ ફોર ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ દ્વારા જણાવાયું હતું. એએના પ્રમુખ એડમંડ કિંગે આ પાછળનું કારણ ૨૦૧૪માં નવા મૂકાયેલા ગ્રે રંગના ડીજીટલ કેમેરા જવાબદાર હોવાનું જણાવ્યું હતું. પ્રમાણમાં નાના અને ગ્રે કલરના હોવાના કારણે લોકો કેમેરાને નજરઅંદાજ કરતા હતા અને ઝડપાઇ જાય છે. સામાન્ય રીતે એવી છાપ છે કે સ્પીડકેમેરા હળવા પીળા રંગના અને બોક્સમાં જ હોય છે.
૦૦૦૦૦૦
લંડનના ક્યુ ગાર્ડનમાં BAPS દ્વારા રંગોલી
લંડનના ક્યુ ગાર્ડનમાં રંગોલી સહિતનો અદ્ભૂત નઝારો આગામી તા. ૨૩ રવિવારથી તા. ૬ સપ્ટેમ્બર સુધી જોવા મળશે. BAPS સ્વામિનારાયણ મંદિરની બહેનો દ્વારા આ રંગોલી બનાવાઇ છે
૦૦૦૦૦૦