કાળા માથાનો માનવી કેટલી શોધ કરશે એની કોઇ જ સીમા નથી. આ હકિકત એટલા માટે સાચી જણાઇ રહી છે કેમ કે ધ લેન્સેટમાં પ્રસિધ્ધ થયેલા એક સંશોધનમાં જણાવાયું છે કે તમે જ્યારે કોઇની સાથે હાથ મીલાવો ત્યારે હાથના પંજાની પક્કડ દર્શાવે છે કે તમને ભવિષ્યમાં હ્રદય રોગ કે પક્ષઘાત એટલે કે સ્ટ્રોકની બીમારી થશે કે નહિં. જે લોકોના હાથની પક્કડ મજબૂત હોય છે તે લોકોને હાર્ટએટેક કે સ્ટ્રોકની બીમારીથી આવતા મોતથી બચી શકે છે. વિશ્વના ૧૭ દેશોના ૧૪૦,૦૦૦ લોકોનો આ માટે સર્વે કરાયો હતો અને તેમાં આ તથ્ય સામે આવ્યું છે.
હાથના સ્નાયુઅોની ઢીલાશ વહેલા મૃત્યુ, અપંગતા અને બીમારી સાથે સંકળાયેલી છે. પણ જરા આડ વાત કરી લઇએ તો આ સમાચાર વાંચ્યા પછી મિત્રો સાથે હાથ મિલાવો ત્યારે 'પ્લીઝ' તેમના હાથનો ખુરદો ન બોલાવતા. કારણ કે અમુક લોકો તાકાત બતાવવા કે પછી પોતે કેટલા મજબૂત છે તે દર્શાવવા માટે બીજાના હાથ જોરથી દબાવતા હોય છે.