લંડનઃ ઈન્કમ ટેક્સ અને નેશનલ ઈન્સ્યોરન્સ ચુકવવા ના પડે તે માટે ખોટી આવક દર્શાવનારા NHSના એવોર્ડવિજેતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ પ્રોફેસર રાદ મોહિયાદ્દીનને ૨૮ દિવસમાં £૨૦૦,૦૦૦નો દંડ ચુકવવા અથવા અઢી વર્ષ જેલમાં વીતાવવા બ્લેકફ્રાયર્સ ક્રાઉન કોર્ટ દ્વારા આદેશ કરાયો છે. તેમની કારકીર્દિ અને પ્રતિષ્ઠા દાવ પર લાગી છે તેમ જ યુકેમાં મેડિસીનની પ્રેક્ટિસ કરવાનો અધિકાર છીનવાઈ જવાની પણ શક્યતા છે.
પ્રોફેસર રાદ મોહિયાદ્દીન રોયલ બ્રોમ્પ્ટન હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ રેડિયોલોજિસ્ટ અને ઈમ્પિરીયલ કોલેજ લંડન ખાતે નેશનલ હાર્ટ એન્ડ લંગ ઈન્સ્ટિટ્યુટમાં કાર્ડિયોવાસ્ક્યુલર ઈમેજિંગના પ્રોફેસરની ફરજ બજાવે છે. તેમણે અંદાજે £૪૧૦,૦૦૦નો ટેક્સ ચુકવવો ન પડે તે માટે એપ્રિલ ૨૦૦૩થી એપ્રિલ ૨૦૧૧ના આઠ વર્ષના ગાળા સુધી ખાનગી પ્રેક્ટિસની આવક છુપાવી હતી. જોકે, પાછળથી તેમણે ટેક્સ ચુકવ્યો હતો.
જોકે, HMRCના ફ્રોડ ઈન્વેસ્ટિગેશન સર્વિસના આસિસ્ટન્ટ ડિરેક્ટર એન્થની સ્વારબ્રિકે જણાવ્યું હતું કે વિભાગીય તપાસકારો દ્વારા ઝડપાયા પહેલા મોહિયાદ્દીન તેમનો ટેક્સ ચુકવવા આગળ આવ્યા ન હતા કે ૨૦૧૦માં મેડિકલ પ્રોફેશનલ્સ માટે અમારા સ્વૈચ્છિક જાહેરાત અભિયાન છતાં તેમની ટેક્સ બાબતો વ્યવસ્થિત કરવા માટે કોઈ જ પ્રયાસ કર્યો ન હતો. તેમણે ખાનગી પ્રેક્ટિસની આવક છુપાવી £૪૦૯,૬૧૧ની ટેક્સચોરી કરી હતી. તેમને બે વર્ષ માટે સસ્પેન્ડ રખાયેલી ૧૫ મહિનાના કારાવાસની સજા અને ૨૮ દિવસમાં £૨૦૦,૦૦૦નો દંડ ચુકવવા તાકીદ કરાઈ છે.


