લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સની જેલોના હિંદુ કેદીઓેને પહેલી જૂનથી અમલી બનનારી માર્ગદર્શિકા મુજબ મહાશિવરાત્રિ, રક્ષાબંધન, કૃષ્ણ જન્માષ્ટમી, ગણેશપૂજા, વિજયાદશમી અને દિવાળીના તહેવારોએ કામ કરવામાંથી મુક્તિ મળશે.
યુકે સરકારની મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસ હેઠળની નેશનલ ઓફેન્ડર મેનેજમેન્ટ સર્વિસે કેદીઓની આસ્થા અને ધાર્મિક જરૂરિયાતોને પહોંચી વળવા પ્રિઝન સર્વિસ ઈન્સ્ટ્રક્શન બહાર પાડી હતી. તેમાં હિંદુ કેદીઓને ૧૦૮ મણકાની માળા, ભગવાનની મૂર્તિ/તસવીર, અગરબત્તી અને સ્ટેન્ડ, નાની ઘંટડી અને ધર્મગ્રંથ ‘ગીતા’ સાથે રાખવા કે પૂરી પાડવા પરવાનગી અપાઈ છે. હિંદુ તરીકે નોંધાયેલા કેદીઓ માટે પ્રિઝન ફેસિલિટી લિસ્ટ મારફતે ધૂપની સામગ્રી ઉપલબ્ધ કરાશે. હિંદુ પરંપરામાં સામૂહિક પૂજામાં પ્રસાદનું મહત્ત્વ હોઈ કેદીની કોટડીમાં ફળ અને સૂકામેવાનો પ્રસાદ પહોંચાડાશે.
હિંદુ રાજનેતા અને યુનિવર્સલ સોસાયટી ઓફ હિંદુઈઝમના પ્રમુખ રાજન ઝેડે આ પગલાને આવકારતા હોળી, રામનવમી, હનુમાન જયંતી, મકરસક્રાંતિ અને ઉગાદી જેવા વધુ પાંચ હિંદુ તહેવારોએ હિંદુ કેદીઓને કામમાંથી મુક્તિ આપવા વિનંતી કરી છે. તેમણે હિંદુ કેદીઓને ‘ગીતા’ ઉપરાંત રામાયણ, વેદો, ઉપનિષદો, મહાભારત અને પુરાણો સહિત અન્ય ધાર્મિક ગ્રંથ આપવા ઉપરાંત, ઓમનું પ્રતીક, કંકુની ડબ્બી, પાણી માટે લોટી, ચમચી તથા પૂજાની થાળી જેવી વસ્તુઓ પૂરી પાડવા પણ વિનંતી કરી હતી.

