લંડનઃ ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના તાજા આંકડા અનુસાર સપ્ટેમ્બર ૨૦૧૫ સુધીના વર્ષમાં હિંસક અપરાધોમાં ૨૭ ટકા અને સમગ્રતયા ગુનાખોરીમાં છ ટકાનો ઉછાળો આવ્યો છે. આ સમયગાળામાં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં પોલીસ દ્વારા નોંધાયેલી હિંસક ઘટનાઓમાં ૧૮૫,૬૬૬ના વધારા સાથે કુલ નોંધાયેલા ગુના ૮૮૫,૦૦૦થી પણ ઊંચે ગયાં હતાં.
હત્યા અને માનવવધથી મૃત્યુ ૧૪ ટકા વધી વાર્ષિક ૫૭૪ અથવા તો સપ્તાહમાં ૧૧ મોતનો દર થયો હતો. આવો ઉછાળો લંડન અને સાઉથ ઈસ્ટમાં કેન્દ્રિત રહ્યો છે. બીજી તરફ, સેક્સ ક્રાઈમ્સમાં અગાઉના વર્ષની સરખામણીએ ૩૬ ટકા અથવા ૨૬,૬૦૬ ગુનાનો વધારો નોંધાયો હતો. રાજધાનીમાં ડિટેક્ટિવ્ઝની ભારે અછત પણ ગુનાખોરીના વધારામાં કારણભૂત મનાય છે. સ્કોટલેન્ડ યાર્ડમાં ડિટેક્ટિવ્ઝની ૮૦૦ જગ્યા ખાલી પડી છે. ગેન્ગ્સ હત્યાઓ અંગે કાર્યરત સ્પેશિયાલિસ્ટ ટ્રાઈડન્ટ સ્કવોડને પણ વિખેરી નખાઈ છે.

