લંડનઃ ન્યૂ યર્સ ઓનર્સ લિસ્ટ ૨૦૧૬માં આર્મી રીઝર્વ ફોર્સને સેવા આપવા બદલ વોરન્ટ ઓફિસર કલાસ-ટુ હિતેશ ઓઝાને MBE એવોર્ડની જાહેરાત કરાઈ હતી. આ ઉપરાંત, મૂળ કચ્છી યુવતી જાઝ રાબડિયાને પણ સેક્ટરમાં નોંધપાત્ર સેવા આપવા બદલ MBE એવોર્ડની જાહેરાત કરાઈ છે.
હિતેશ ઓઝા ૧૯૮૬માં આર્મી રીઝર્વ રેજિમેન્ટ રોયલ યોમનરીમાં જોડાયા હતા અને બઢતી મળવા સાથે વોરન્ટ ઓફિસર કલાસ-ટુ રેન્ક સુધી પહોંચ્યા છે. તેમણે ઈરાકમાં લશ્કરી સેવા આપી છે. હિતેશ ઓઝાએ કહ્યું હતું કે મારી પત્ની યુગલના ટેકા વિના હું આ સન્માન મેળવી શક્યો ન હોત. બે સંતાનોના પિતા હિતેશ રેવન્યુ અને કસ્ટ્મ્સમાં ફરજ બજાવે છે. તેઓ અનેક ચેરિટીઝ માટે ફાળો એકત્ર કરવા સાથે સંકળાયેલા છે. તેઓ લંડનના હેરિન્જ બરોમાં મેટ્રોપોલીટન પોલીસમાં સ્પેશિયલ કોન્સ્ટેબલ તરીકે જવાબદારી પણ ધરાવે છે.
મૂળ કચ્છના બળદિયાના વતની અને લંડનના સ્ટેનમોરના રહેવાસી જાઝ (જશવંતીબહેન) રાબડિયાને STEM (સાયન્સ, ટેકનોલોજી,એન્જિનીઅરીંગ એન્ડ મેથેમેટિક્સ) સેક્ટરમાં પ્રેરણાદાયી કાર્ય કરવા બદલ MBE એવોર્ડની જાહેરાત કરાઈ છે. તેમણે લોકો અને ખાસ કરીને યુવા વર્ગને STEM સેક્ટરમાં કેરિયર બનાવવા પ્રોત્સાહિત કરવા સાથે માર્ગદર્શન આપ્યું છે.


