લંડન
લંડનના હિથ્રો એરપોર્ટના કાર્ગો ડિવિઝનમાંથી પાકિસ્તાનથી મોકલાયેલું યુરેનિયમ ધરાવતું પાર્સલ મળી આવતાં સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. આ યુરેનિયમનો ઉપયોગ ડર્ટી બોમ્બ બનાવવામાં થઇ શક્તો હતો. યુરેનિયમ ધરાવતું આ પાર્સલ ઓમાનના પેસેન્જર વિમાન દ્વારા મસ્કતથી બ્રિટન આવ્યું હતું. જોકે આ પાર્સલ મૂળ પાકિસ્તાનથી મોકલાયું હતું અને બ્રિટનમાં વસતા કેટલાક ઇરાની નાગરિકોને પહોંચાડવાનું હતી. હિથ્રો એરપોર્ટ ખાતે ફરજ બજાવતા બોર્ડર ફોર્સે રૂટિન ચેક અપમાં આ પાર્સલ શોધીકાઢ્યું હતું. ઓમાન એરપોર્ટના સત્તાવાળાઓ આ પાર્સલને શોધવામાં નિષ્ફળ રહ્યાં હતાં. બ્રિટનની એન્ટી ટેરરિસ્ટ એજન્સીઓ દ્વારા હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બીજીતરફ પાકિસ્તાને હિથ્રો એરપોર્ટ પરથી મળી આવેલું યુરેનિયમ ધરાવતું પાર્સલ પાકિસ્તાનના કરાચીથી મોકલાયું હોવાના આરોપોનો ઇનકાર કર્યો હતો. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝારાએ જણાવ્યું હતું કે, અખબારી અહેવાલોમાં કોઇ વાસ્તવિકતા નથી. બ્રિટનના સત્તાવાળાઓએ પાકિસ્તાનને આ પ્રકારની કોઇ માહિતી આપી નથી.
બીજીતરફ પોલીસે આતંકવાદી કૃત્યની શંકાથી 60 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે ચેશાયર ખાતેથી આ વ્યક્તિની આતંકવાદ ધારાની કલમ 9 અંતર્ગત ધરપકડ કરી હતી. જોકે આ વ્યક્તિને એપ્રિલ સુધી જામીન પર મુક્ત કરાયો હતો. આતંકવાદ વિભાગના વડા રિચર્ડ સ્મિથે જણાવ્યું ગતું કે, આ ઘટના જાહેરજનતાને સીધી અસર કરે તેવી લાગતી નથી. અમારા અધિકારીઓ આ મામલામાં વધુ તપાસ કરી રહ્યાં છે.


