હિથ્રો પર વંશીય ટિપ્પણી સામે સતીશ શાહનો ગૌરવપૂર્ણ જવાબ

Wednesday 11th January 2023 07:05 EST
 
 

જાણીતા એક્ટર સતીશ શાહ હાલમાં જ લંડનના હિથ્રો એરપોર્ટ પર વંશીય ટિપ્પણીનો ભોગ બન્યા હતા. જોકે, સતીશ શાહે આ ક્ષણે જે પ્રકારે ગૌરવપૂર્ણ, પરંતુ જડબાતોડ જવાબ આપ્યો તેનાથી ચાહકો ઘણાં જ ખુશ થયા છે. સતીશ શાહે સોશિયલ મીડિયામાં પોતાનો આ જવાબ શેર કર્યો છે. સતીશ શાહે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે કેવી રીતે હિથ્રો એરપોર્ટનો એક કર્મચારી આશ્ચર્યના ભાવ સાથે પોતાના સાથી કર્મચારીને સવાલ કરે છે કે ‘આખરે આ લોકોને ફર્સ્ટ ક્લાસ પરવડે છે કેવી રીતે?’ સતીશ શાહે તેમનો આ દ્વેષપૂર્ણ વાર્તાલાપ સાંભળીને સામે જવાબ પણ આપ્યો હતો. સતીશ શાહ લખે છેઃ મેં તેમને ગર્વભર્યા હાસ્ય સાથે જવાબ આપતા કહ્યું હતું કે ‘...કારણ કે અમે ભારતીય છીએ.’ સોશિયલ મીડિયામાં સતીશ શાહની આ પોસ્ટ ઘણી જ વાઇરલ થઈ છે.
અનેક યૂઝર્સે આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં ‘જય હિંદ’ લખ્યું હતું. તો ઘણા યૂઝર્સે સતીશ શાહને સલાહ પણ આપી હતી. એક યૂઝરે કહ્યું હતું કે ‘નેકસ્ટ ટાઇમ જવાબમાં એક લાઇન એડ કરી દેજો અને કહેજો કે આજે તેઓ જે કંઇ પણ એફોર્ડ કરી શકે છે તે ભારતના પૈસાને કારણે છે. તમારા પૂર્વજો ભારતમાંથી ઘણું બધું લૂંટીને લઈ ગયા છે.’ અન્ય એકે કહ્યું હતું કે ‘તેમને કહેજો કે એક વખત અમારું દિલ્હી અને હૈદરાબાદનું એરપોર્ટ જુએ તો તેમને ખ્યાલ આવશે કે હિથ્રો ક્યાં છે?!’
ઉલ્લેખનીય છે કે, સતીશ શાહે 1970માં ફિલ્મ ‘ભગવાન પરશુરામ’થી કરિયરની શરૂઆત કરી હતી. સતીશ 1984માં આવેલી સિરિયલ ‘યે જો હૈ જિંદગી’થી ઘરે-ઘરે લોકપ્રિય થઇ ગયા હતા. આ સિરિયલને કુંદન શાહ તથા મંજુલ સિંહાએ ડિરેક્ટ કરી હતી. આ સિરિયલમાં સતીશ શાહે જુદા જુદા એપિસોડમાં અલગ-અલગ 55 રોલ પ્લે કર્યા હતા. 1995માં આવેલી સિરિયલ ‘ફિલ્મી ચક્કર’માં તેમણે 50 રોલ પ્લે કર્યા હતા. આ ઉપરાંત ‘જાનેં ભી દો યારોં’ સહિતની અનેક ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter