હિથ્રો વિસ્તરણઃ સુરિન્દર અરોરાની 25 બિલિયન પાઉન્ડની યોજના

હિથ્રોને સિંગાપોરના ચાંગી એરપોર્ટ જેવું બનાવવાનું અરોરાનું લક્ષ્ય

Tuesday 02nd September 2025 12:42 EDT
 
 

લંડનઃ બ્રિટનના ધનાઢ્યો પૈકીના એક સુરિન્દર અરોરાએ હિથ્રો એરપોર્ટના વિસ્તરણ માટે 25 બિલિયન પાઉન્ડની વૈકલ્પિક યોજના રજૂ કરી છે જે અંતર્ગત હિથ્રો ખાતે ત્રીજો રન-વે તૈયાર કરાશે અને એરપોર્ટને સિંગાપોરના એરપોર્ટની જેમ રિડેવલપ કરાશે.

હોટેલ અને પ્રોપર્ટી ટાયકૂન સુરિન્દર અરોરાએ લંડનની પશ્ચિમમાં હિથ્રો એરપોર્ટને રિડેવલપ કરવા હિથ્રો વેસ્ટ પ્રપોઝલ રજૂ કરી દીધી છે. હિથ્રોના માલિકો દ્વારા રજૂ કરાયેલી યોજના કરતાં આ યોજના અલગ છે. અરોરાએ અમેરિકી કન્સ્ટ્રક્શન કંપની બેકટેલ સાથે મળીને આ યોજના તૈયાર કરી છે જેમાં લંડનના ઓર્બિટલ મોટરવે એમ25ને કોઇપણ પ્રકારનું નુકસાન નહીં થાય.

અરોરાની યોજના અનુસાર તેઓ હાલના બે રન-વેની ઉત્તરમાં 2800 મીટરનો નવો રન-વે તૈયાર કરી આપશે જે 2035માં કાર્યરત થઇ જશે. તે ઉપરાંત તેમણે નવું ટર્મિનલ બનાવવાની પણ દરખાસ્ત આપી છે જે 2036થી 2040 વચ્ચે તબક્કાવાર શરૂ કરી શકાશે.

હિથ્રોના માલિકો દ્વારા રજૂ કરાયેલી યોજનાની સરખામણીમાં અરોરાની યોજનામાં જમીનનું સંપાદન ઓછું કરાશે જેથી સ્થાનિક રહેવાસીઓ અને બિઝનેસોને નુકસાન ઘટશે. હિથ્રોના માલિકો દ્વારા રજૂ કરાયેલી યોજના અનુસાર 3500 મીટરનો રન-વે તૈયાર કરાશે પરંતુ તેના કારણે એમ25ને મોટી અસર થઇ શકે છે.

અરોરાએ જણાવ્યું હતું કે, હિથ્રો વેસ્ટ યુકેના આર્થિક વિકાસનો પ્રાથમિક વિકલ્પ છે. હું સિંગાપોરના ચાંગી એરપોર્ટ સાથે મળીને કામ કરી રહ્યો છું. અરોરાના હિથ્રો વેસ્ટ પ્રોજેક્ટના સીઇઓ કાર્લટન બ્રાઉને જણાવ્યું હતું કે, યુકેનું કેન્દ્રસમાન એરપોર્ટ યુરોપ ઉપરાંત દુબઇ, સિંગાપોર અને અન્ય એરપોર્ટ સાથે સ્પર્ધા ન કરી શકે તેવું કોઇ કારણ નથી.

1 બિલિયન પાઉન્ડના ખર્ચને પહોંચી વળવા હિથ્રો પેસેન્જર ચાર્જમાં વધારો કરશે

હિથ્રો એરપોર્ટ ખાતે ત્રીજા રન-વેના નિર્માણનો ખર્ચ 1 બિલિયન પાઉન્ડ સુધી પહોંચી શકે છે. એક અંદાજ પ્રમાણે હાલ 800 મિલિયન પાઉન્ડ કરતાં વધુનો ખર્ચ થાય તેવી સંભાવના છે. તેથી હિથ્રો એરપોર્ટે પેસેન્ડર ચાર્જમાં વધારો કરીને ખર્ચને પહોંચી વળવાની માગ કરી છે. એરપોર્ટ સત્તાવાળા આ વર્ષે 320 મિલિયન પાઉન્ડનો ખર્ચ રિકવર કરવાની પરવાનગી રેગ્યુલેટર્સ પાસે માગી રહ્યાં છે. અત્યાર સુધીમાં હિથ્રો એરપોર્ટે એરલાઇન્સ કંપનીઓ પાસેથી 500 મિલિયન પાઉન્ડ વસૂલી લીધાં છે. તેથી હવે પછીનો બોજો પ્રવાસીઓ પર લદાય તેવી સંભાવના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter