હિથ્રોના ત્રીજા રનવે પ્રોજેક્ટમાં નવા પ્રાણ પૂરવા સુરિન્દર અરોરા ગ્રુપની ઝુંબેશ

એરપોર્ટ પર ટૂંકા ત્રીજા રનવેની સુધારેલી યોજનાને અગ્રણી એરલાઇન્સ કંપનીઓનું મજબૂત સમર્થન

Tuesday 19th May 2026 12:24 EDT
 
 

લંડન: બ્રિટિશ-ભારતીય અબજોપતિ સુરિન્દર અરોરાની આગેવાની હેઠળના હોટેલ જૂથ 'અરોરા' દ્વારા આ વિવાદાસ્પદ પ્રોજેક્ટમાં નવો પ્રાણ ફૂંકવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. અરોરા જૂથનો પ્રસ્તાવ એરપોર્ટના વર્તમાન બિઝનેસ મોડલને ધરમૂળથી બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. તેઓ સરકાર પાસે હીથ્રોના વર્તમાન માલિકોની સ્પર્ધામાં પોતાનો નવો રનવે અને ટર્મિનલ બનાવવાની તેમજ તેના સંચાલનની મંજૂરી માંગી રહ્યા છે.સિવિલ એવિએશન ઓથોરિટી (CAA) એ પણ આ યોજનાને સૈદ્ધાંતિક રીતે સક્ષમ ગણાવી લીલી ઝંડી આપી છે, જેના કારણે 'હીથ્રો વેસ્ટ' તરીકે ઓળખાતા આ પ્રસ્તાવને વધુ વેગ મળ્યો છે.

હીથ્રો એરપોર્ટ પર વધુ ટૂંકા ત્રીજા રનવેના નિર્માણ માટેની સુધારેલી યોજનાઓને અગ્રણી એરલાઇન્સ તરફથી વ્યાપક સમર્થન મળી રહ્યું છે. આ રનવે માત્ર ટૂંકા અંતરની (શોર્ટ-હોલ) ફ્લાઇટ્સના સંચાલન માટે જ સક્ષમ હોવા છતાં, ઉડ્ડયન ક્ષેત્રના મોટા ગજાના ખેલાડીઓ તેના પક્ષમાં આવ્યા છે.

અરોરા જૂથે શરૂઆતમાં 2.8 કિલોમીટર લાંબા રનવેની દરખાસ્ત કરી હતી, જેને હવે વધુ સુધારીને પ્રથમ તબક્કા માટે 2.4 કિલોમીટર કરવામાં આવી છે. આ યોજના હીથ્રો એરપોર્ટની મૂળ 3.5 કિલોમીટર લાંબા રનવેની યોજના કરતાં નોંધપાત્ર રીતે સસ્તી છે અને તેનો અંદાજિત ખર્ચ 49 બિલિયન પાઉન્ડ છે.

અરોરા જૂથના જણાવ્યા અનુસાર 2.4 કિમીનો આ રનવે વર્ષ 2035 સુધીમાં કાર્યરત થઈ શકે છે. જ્યારે હીથ્રોનો 'ઓલ ઓર નથીંગ' પ્રોજેક્ટ 2040 સુધી પણ પૂરો થાય તેવા એંધાણ નથી.

બ્રિટિશ એરવેઝની માલિકી ધરાવતા આઇએજી (IAG) ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ લુઈસ ગેલેગો અને ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA)ના ડાયરેક્ટર જનરલ અને IAGના ભૂતપૂર્વ વડા વિલી વોલ્શે પણ આ દરખાસ્તને મજબૂત ટેકો આપ્યો છે. તેમણે જણાવ્યું કે, એવિએશન ઉદ્યોગ હંમેશાથી હીથ્રોના સસ્તા અને વ્યવહારુ વિસ્તરણની માંગ કરતો આવ્યો છે, અને અરોરા એકમાત્ર એવો પક્ષ છે જેણે આ મર્યાદાઓને ગંભીરતાથી ધ્યાનમાં લીધી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter