લંડનઃ હોટેલ ઉદ્યોગના બિલિયોનર ઉદ્યોગ સાહસિક સુરિન્દર અરોરએ હિથ્રો એરપોર્ટના વિસ્તરણ માટે ઝંપલાવવાનો નિર્ણય કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર તેઓ ત્રીજા ભાગની કિંમતે એરપોર્ટનું વિસ્તરણ કરી આપશે. ગયા સપ્તાહમાં એવિએશન મિનિસ્ટર માઇક કેને જણાવ્યું હતું કે, હિથ્રો ખાતે ત્રીજા રનવેના નિર્માણ માટે સરકાર વૈકલ્પિક નિવિદાઓ સ્વીકારવા તૈયાર છે. ત્યારબાદ અરોરા આ પ્રોજેક્ટની યોજના તૈયાર કરી રહ્યાં છે. આ માટે અરોરાએ અમેરિકાની એન્જિનિયરિંગ જાયન્ટ બીચટેલ સાથે હાથ મિલાવ્યા છે.
અરોરાએ કેનના નિવેદનને આવકાર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, અમે આની જ માગ કરી રહ્યાં હતાં. અમે અગાઉ પણ જણાવી ચૂક્યાં છીએ કે અમે હિથ્રોનું વિસ્તરણ 32થી 34 ટકા ઓછી કિંમતમાં કરી આપીશું. જોકે સમય ઘણો થયો છે તેમ છતાં અમે આટલી કિંમતમાં કામ કરવાનો પ્રયાસ કરીશું.
અરોરાએ જણાવ્યું હતું કે, અમે કોઇ શંકા વિના આ પ્રોજેક્ટ પાર પાડીશું. અમે હિથ્રો એરપોર્ટ લિમિટેડ કરતાં પણ સસ્તી કિંમતે આ કામ કરી આપીશું. તેનાથી એરલાઇન્સો અને પ્રવાસીઓને પણ પસંદગીની તક મળી રહેશે. આ માટે મેં સેંકડો કન્સલ્ટન્ટ્સને કામ સોંપી દીધું છે.