હિન્દુ, શિખ અને જૈન સમુદાયનું તમામ સેક્ટરમાં અસરકારક યોગદાનઃ સ્ટાર્મર

સર સ્ટાર્મર સાથે દીવાળીની ઉજવણી કરીને ભારતીય સમુદાય ખુશ થયોઃ લોર્ડ જિતેશ ગઢિયા

Tuesday 07th November 2023 12:56 EST
 
 

લંડનઃ યુકેમાં વસતા હિન્દુ, શિખ અને જૈન સમુદાય પ્રત્યે આભાર વ્યક્ત કરતાં વિપક્ષ લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મર યુકે સ્થિત ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામી સહિત બ્રિટિશ ભારતીય સમુદાયના અગ્રણીઓ સાથે દીવાળીની ઉજવણીમાં સામેલ થયા હતા. 2007માં કિંગ ચાર્લ્સ દ્વારા સ્થાપિત ચેરિટી બ્રિટિશ ઇન્ડિયન ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સર સ્ટાર્મરે દીપક પ્રગટાવીને ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું.

સ્ટાર્મરે જણાવ્યું હતું કે, આજના અંધકારભર્યા સમયમાં આપણે તમામ સમુદાય અને ધર્મના લોકો સાથે મળીને સકારાત્મક ભવિષ્ય પર ધ્યાન રાખીને કામ કરીએ તે મહત્વનું છે. આ રીતે જ આપણે દરેક વ્યક્તિ માટે શાંતિપુર્ણ, સુખી જીવનની તકો સુનિશ્ચિત કરી શકીશું. હું આપણા મહાન દેશ માટે હિન્દુ, શિખ અને જૈન સમુદાયે આપેલા યોગદાન માટે આભાર વ્યક્ત કરું છું. તેમની સકારાત્મક અસરો તમામ સેક્ટરમાં વર્તાઇ રહી છે. તમારી આધ્યાત્મિકતા તમારા યોગદાન તરફ દોરી જાય છે અને તે જ દીવાળીનો સંદેશ છે.

આ પ્રસંગે બ્રિટિશ એશિયન ટ્રસ્ટના ચેરમેન લોર્ડ જિતેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, સર સ્ટાર્મર સાથે દીવાળીની ઉજવણી કરીને ભારતીય સમુદાય ઘણો ખુશ છે. અમને આશા છે કે તેનાથી અમને સમગ્ર સાઉથ એશિયામાં અમારા મહત્વના કાર્યો પર પ્રકાશ પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter