લંડન
10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે આયોજિત વિશેષ ચનુકાહ સમારોહમાં વડાપ્રધાન રિશી સુનાકે હિન્દુ અને યહૂદી સમુદાયો વચ્ચેના સંબંધ પર ભાર મૂક્યો હતો. તેમણે સેમેટિક સમુદાયો પ્રત્યેના ધિક્કારનો અંત લાવવાની અપીલ કરી હતી.
રિશી સુનાકે જણાવ્યું હતું કે, મને હિન્દુ હોવાનું ગૌરવ છે. મને ચનુકાહ અને દીવાળી વચ્ચે ઘણી સામ્યતા જણાય છે. યહૂદીઓ લેટકેસ બનાવે છે તો અમારે ત્યાં લાડુ બને છે. યહૂદીઓ ડ્રેઇડેલ્સ પ્રગટાવે છે તો અમારે ત્યાં દીવા પ્રગટાવવામાં આવે છે. 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે આયોજિત સમારોહમાં રિશી સુનાકે ચીફ રાબ્બી સાથે મળીને મેનોરાહ પ્રગટાવ્યો હતો અને યહૂદી સમુદાયના સભ્યોનો આવકાર કર્યો હતો. વડાપ્રધાને પ્રથમ મીણબત્તી સળગાવી હતી ત્યારબાદ ચીફ રાબ્બીએ ચાર મીણબત્તી સળગાવી હતી અને મહેમાનોએ ચનુકાહના સ્તોત્ર ગાયાં હતાં.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, બ્રિટનની વૈવિધ્યતા પર ભાર મૂકતાં યહૂદી સમુદાયના બ્રિટિશ રાષ્ટ્રીય જીવનમાં યોગદાનને બિરદાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હું કદાચને બ્રિટનનો પહેલો વડાપ્રધાન બન્યો છું પરંતુ 150 વર્ષ પહેલાં બ્રિટનને પહેલા યહૂદી વડાપ્રધાન મળ્યાં હતાં. આ એ બ્રિટન છે જેને હું પ્રેમ કરું છું. બ્રિટન તમામને આવકારે છે અને દરેક વ્યક્તિ કોઇપણ ભય વિના તેના ધર્મને અનુસરી શકે છે.


