લંડન
વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું છે કે હિન્દુ આસ્થા મને ધૈર્ય અને શક્તિ આપે છે. હું મારી દીકરીઓ સાથે મળીને પૂજા કરું છું. આમાં કોઇ મોટી વાત નથી. લોકો મારા વિશે જાણવાનો પ્રયાસ કરે છે પરંતુ વાસ્તવમાં તેઓ અમારા દેશની અદ્દભૂત બાબતો જાણવા માગે છે. પોતાની ડેસ્ક પર ગણપતિની પ્રતિમા રાખનારા સુનાક કહે છે કે બે કારણોસર ધર્મ મારા માટે મહત્વનો છે. ધર્મ જીવનને અર્થપૂર્ણ બનાવે છે અને જીવન જીવવાનો હેતૂ પ્રદાન કરે છે. સાથે સાથે ધર્મ તમને ધૈર્ય અને શક્તિ પણ આપે છે. મારો ધર્મ મને આ બાબતો આપે છે.
સુનાકે જણાવ્યું હતું કે, મારી દીકરીઓ સૂવા જાય તે પહેલાં તેમની સાથે પ્રાર્થના કરું છું. હિન્દુ એક ધર્મ હોવાની સાથે સાથે જીવન જીવવાનો માર્ગ પણ છે. વડીલોનું સન્માન અને શિક્ષણને મહત્વ જેવા હિન્દુ ધર્મના મૂલ્યોને વર્ણવતા સુનાક કહે છે કે આ આંશિક ધાર્મિક અને આંશિક સાંસ્કૃતિક મૂલ્યો છે. હિન્દુ ધર્મમાં મજબૂત પરિવાર, સેવા અને ફરજ મહત્વના પાસા છે.
સુનાકે જણાવ્યું હતું કે, હિન્દુ આસ્થાની સાથે હું ક્રિશ્ચિયન પરંપરાઓ સાથે પણ સંકળાયેલો છું. ક્રિસમસના તહેવારમાં હું કેનેડિયન સિંગર માઇકલ બબલનું ક્રિસમસ આલ્બમ સાંભળવાનું પસંદ કરું છું. 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ક્રિસમસની ઉજવણીની તૈયારીનું હું અંગત રીતે ધ્યાન રાખી રહ્યો છું. કેરોલ સર્વિસની વ્યવસ્થામાં મદદ કરી રહ્યો છું. 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં ક્રિસમસના 12 દિવસ ભવ્ય ઉજવણી કરાશે.
જનતાને ગૌરવસભર જીવન આપવા સરકાર પ્રતિબદ્ધ - વડાપ્રધાન
વર્ષ 2023 માટે વડાપ્રધાન રિશી સુનાક ઘણા આશાવાદી છે. વર્ષ 2022માં બ્રિટનની જનતાને આર્થિક અને રાજકીય પડકારોનો સામનો કરવો પડ્યો છે પરંતુ હવે રિશી સુનાક બ્રિટનનું ગૌરવ સ્થાપિત કરવાની સાથે જનતાને શાંતિની અનુભૂતિ કરાવવા માગે છે. એક અખબારી મુલાકાતમાં વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, હું લોકોના મનોને શાંતિ આપવા માગુ છું. બ્રિટનની જનતાને મનની શાંતિની જરૂર છે. અમે અર્થતંત્રની મરામત કરવા માગીએ છીએ. અમે જનતાને એનર્જી બિલમાં રાહત આપવા માટે સહાય કરવા અને મોંઘવારીમાં ઘટાડો કરવાની સાથે સાથે સારું વેતન ધરાવતા રોજગારનું સર્જન કરવા માગીએ છીએ.
સુનાકે જણાવ્યું હતું કે, સરકાર એનએચએસ જેવી જાહેર સેવાઓનું સ્તર સુધારીને જનતાને મનની શાંતિ આપવા માગે છે. હું ઇચ્છું છું કે આપણા સંતાનો અને તેમના સંતાનો માટે સારા ભવિષ્યનું નિર્માણ કરી શકીએ. મારા માટે શિક્ષણ અત્યંત મહત્વનું સેક્ટર છે. હું એવા સમાજનું નિર્માણ કરવા માગું છું જેમાં દરેક યુવાન તેની મહત્વાકાંક્ષા અને સ્વપ્ન સાકાર કરી શકે. તેઓ આ દેશમાં ગૌરવપૂર્ણ જીવન ગુજારી શકે.
સુનાકે જણાવ્યું હતું કે હવે અર્થતંત્રની ગાડી પાટા પર આવી રહી છે. સ્થિરતા અને આત્મવિશ્વાસના પાયા પર જ મજબૂત અર્થતંત્રનું નિર્માણ કરી શકાય છે.
દેશમાં હાલ વિવિધ સેક્ટરોમાં ચાલી રહેલી હડતાળો પર રિશી સુનાકે જણાવ્યું હતું કે, સરકાર તેની જવાબદારી પૂરી કરવા તમામ પ્રયાસ કરી રહી છે અને જનતાને મદદ કરવા તમામ પ્રકારના પગલાં લેવાઇ રહ્યાં છે. રિશી સુનાકે યુનિયનોને હડતાળો પાછી ખેંચી લેવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે, તેનાથી જાહેર જીવન ખોરવાઇ રહ્યું છે અને જનતાના જીવન અને આરોગ્ય પર અસર પડી રહી છે.


