લંડનઃ યુકેની મુલાકાતે પહોંચેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે લંડનમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, હિન્દુ સાંસ્કૃતિક ઓળખ વૈવિધ્યતા અને એકતા એકસાથે અસ્તિત્વ ધરાવી શકે તેવી માન્યતા પર આધારિત છે. લોકો વચ્ચે પ્રવર્તતા મતભેદોને એકતાના વિવિધ સ્વરૂપ તરીકે જોવા જોઇએ. વિવિધતા એ અસ્તિત્વનો એક કુદરતી હિસ્સો છે અને આપણે બધા એક છીએ એ વાત આપણે ક્યારેય ભૂલવી જોઇએ નહીં.
ભાગવતે જણાવ્યું હતું કે, વિવિધતામાં એકતા એ હિન્દુ વિચારસરણીનું મૂળ છે. વિવિધ સ્વરૂપોમાં દેખાતું અસ્તિત્વ આખરે તો એક જ છે એ હિન્દુ સંસ્કૃતિની સમજણ છે. વિવિધતા સ્વાભાવિક છે અને તેમાં રહેલા તફાવતો જ મૂળભૂત એકતાની વિવિધ અભિવ્યક્તિ અથવા શણગાર છે.
ભાગવતે જણાવ્યું હતું કે, જ્યારે લોકો અન્યોને પોતાના દુશ્મન તરીકે જોવાનું બંધ કરશે ત્યારે સંઘર્ષોનો ઉકેલ વધુ અસરકારક રીતે લાવી શકાશે. અન્યોને પરાજિત કરવા અથવા તેમના પર પ્રભુત્વ મેળવવાના પ્રયાસોને બદલે સમાજે સાથે મળીને સામૂહિક લક્ષ્યો પ્રાપ્ત કરવાના માર્ગ શોધવા ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.
સંઘ વડાએ જણાવ્યું હતું કે, આપણે શત્રુતાના સંદર્ભમાં વિચારવાનું બંધ કરીએ છે ત્યારે સંઘર્ષને સંભાળવો સરળ બની જાય છે. અન્યને મર્યાદિત કરવા અથવા જીતવાના પ્રયાસ કરવાને બદલે આપણે જાણી લેવું જોઇએ કે આપણે સમાન બાબત ઇચ્છીએ છીએ. અન્યને પરાજિત કરવાને બદલે આપણે સાથે મળીને તે હાંસલ કરવું જોઇએ.
હિન્દુ શબ્દની સમજ સ્પષ્ટ કરતા ભાગવતે જણાવ્યું હતું કે, હિન્દુ શબ્દને માત્ર ધર્મ કે ભૂગોળના દ્રષ્ટિકોણથી જોવો જોઇએ નહીં. હિન્દુ એક વ્યાપક સાંસ્કૃતિક ઓળખ છે જેમાં જીવન અને વિશ્વ સાથે માનવતાના સંબંધોની વિશિષ્ટ સમજ સામેલ છે. હિન્દુને માત્ર એક ધર્મ તરીકે સમજી શકાય નહીં અથવા તેને કોઇ ભૌગોલિક સરહદમાં બાંધી શકાય નહીં. હિન્દુ મૂળભૂત રીતે એક સાંસ્કૃતિક ઓળખ અને જીવન, અસ્તિત્વ તથા વિશ્વ સાથેના આપણા સંબંધો સમજવાની રીત છે.
તેમણે એ વિચારને પણ ફગાવી દીધો કે એકતા માટે સમાનતા જરૂરી છે. તેમણે કહ્યું કે હિન્દુ સાંસ્કૃતિક અભિગમ વિવિધ પરંપરાઓ અને માર્ગોને સમાવે છે. સૌને એકસરખા બનાવવા માટે આપણી પાસે કોઈ વ્યવસ્થા નથી, કારણ કે એકતા માટે સમાનતા આવશ્યક નથી. આપણી સાંસ્કૃતિક સમજ વિવિધતામાં એકતા છે, આપણે વિવિધતાનો સ્વીકાર કરીએ છીએ. વિવિધતાનો આ સ્વીકાર હિન્દુ સ્વભાવમાં જ વણાયેલો છે.
ભાગવતે વધુમાં જણાવ્યું હતું કે હિન્દુ વિચારસરણી કોઈ એક ધાર્મિક માર્ગ પર ભાર મૂકતી નથી કે અન્યોનું ધર્માંતરણ કરવાનો પ્રયાસ કરતી નથી, અને સહઅસ્તિત્વને મુખ્ય સિદ્ધાંત તરીકે રેખાંકિત કરે છે. જ્યારે આપણે હિન્દુ કહીએ છીએ ત્યારે આપણે સંકુચિત અર્થમાં ધર્મનો સંદર્ભ આપતા નથી. ઘણા હિન્દુ ધર્મો અને પરંપરાઓ છે પરંતુ મૂળભૂત હિન્દુ વિચાર તમામ માર્ગોનો સ્વીકાર કરે છે. આપણે એવું નથી માનતા કે માત્ર એક જ માર્ગ સાચો છે અથવા દરેક જણે એક જ માર્ગ અનુસરવો જોઈએ. આપણને બીજાઓનું ધર્માંતરણ કરવાની જરૂર નથી. એક જ સત્ય સુધી પહોંચવાના ઘણા માર્ગો હોઈ શકે છે અને તે બધા એકસાથે અસ્તિત્વમાં રહી શકે છે તેવો વિશ્વાસ મૂળભૂત રીતે હિન્દુ છે.
ઓશવાલ સેન્ટર ખાતે 326થી વધુ સંગઠનોના 600થી વધુ પ્રતિનિધિ અને કોમ્યુનિટી લીડર્સ હાજર રહ્યાં
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે યુકેના હર્ટફોર્ડશાયરમાં આયોજિત એક સામુદાયિક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, સંઘનો મૂળ આધાર શુદ્ધ સાત્વિક પ્રેમ અને પોતીકાપણું છે, નહીં કે કોઈના પ્રત્યેનો દ્વેષ. પોટર્સ બાર સ્થિત ઓશવાલ સેન્ટર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં બ્રિટિશ ડાયસ્પોરાના 326થી વધુ સંગઠનોના 600થી વધુ પ્રતિનિધિઓ અને કોમ્યુનિટી લીડર્સે હાજરી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે, સમયની કસોટીમાંથી પાર ઉતરેલો સંઘનો એકમાત્ર સિદ્ધાંત 'અપનાપન' છે. સેવા અને સમર્પણ જ સંઘકાર્યનો પાયો છે. પશ્ચિમમાં હિન્દુત્વ અંગે પ્રવર્તતી ગેરસમજો દૂર કરતા તેમણે જણાવ્યું હતું કે, હિન્દુ એ કોઈ વ્યક્તિગત બાબત નથી પરંતુ સમાજ, સંસ્કૃતિ અને માનવતાનો સમન્વય છે. તે તમામ વિવિધતાઓનો સ્વીકાર અને આદર કરવાની ક્ષમતા ધરાવે છે. હિન્દુ રાષ્ટ્રનો અર્થ કોઈ સરમુખત્યારશાહી નથી પરંતુ એવું સુમેળભર્યું વાતાવરણ છે જે સમગ્ર વિશ્વને શાંતિ, સમૃદ્ધિ અને બંધુત્વનો માર્ગ બતાવે છે.
ભારતીય સમુદાય સાથે બંધ બારણે બેઠકો
મોહન ભાગવત ગયા બુધવારે લંડન પહોંચ્યા હતા અને ગુરુવારે બંધ બારણે ગોળમેજી બેઠકો સાથે તેમના કાર્યક્રમોની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે વ્યાપાર અને રાજકારણ સાથે જોડાયેલા ભારતીય સમુદાયના અગ્રણી સભ્યોની એક સભાને સંબોધિત કરી હતી. ભાગવતે ઉપસ્થિત લોકો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબો આપ્યા હતા. આ સભામાં ભારતીય મૂળના બ્રિટિશ નાગરિકો, યુકેના નેતાઓ, સંસદસભ્યો, વેપારીઓ અને FTSE 100 કંપનીઓ અને અન્ય કોર્પોરેશનોના પ્રતિનિધિઓ સામેલ હતા. ચર્ચા મુક્તપણે થઈ શકે તે માટે બેઠક ગુપ્ત રાખવામાં આવી હોવાનું કહીને સંસ્થાએ ઉપસ્થિત લોકોની વિગતો જાહેર કરી નહોતી.
બ્રિટિશ હિન્દુઓની વફાદારી તેમની કર્મભૂમિ યુકે પ્રત્યે હોવી જોઇએઃ ભાગવત
મોહન ભાગવતે બ્રિટિશ હિન્દુઓને સંબોધતા જણાવ્યું હતું કે તેમની વફાદારી તેમની કર્મભૂમિ એટલે કે યુનાઇટેડ કિંગડમ પ્રત્યે જ હોવી જોઈએ. હિન્દુત્વ દરેક વ્યક્તિને તેની કર્મભૂમિ પ્રત્યે વફાદાર રહેવાનું શીખવે છે, જે બ્રિટિશ હિન્દુઓ માટે યુકે છે. જેઓ સાચા અને નિષ્ઠાવાન હિન્દુ છે, તેમના માટે બ્રિટિશ અને ભારતીય હિતો વચ્ચે કોઈ સંઘર્ષ હોઈ શકે નહીં.
જેન-ઝી વધુ પ્રમાણિક, વિશ્વને સુંદર બનાવવા પ્રતિબદ્ધઃ ભાગવત
યુવા પેઢી પ્રત્યે પોતાનો સકારાત્મક દ્રષ્ટિકોણ વ્યક્ત કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે તેમને ભાવિ પેઢી પર વધુ વિશ્વાસ છે. આજનો યુવાવર્ગ વધુ પ્રામાણિક છે અને વિશ્વને વધુ સુંદર બનાવવા માટે નાના-મોટા મતભેદો છોડવા તૈયાર રહે છે. જૂની પેઢીઓ પોતાના અનુભવોના કારણે વધુ પડતી સાવચેત રહે છે, તેઓ મુક્તપણે બોલતા નથી અને પરિણામો અંગે ચિંતિત રહે છે. જોકે, નવી પેઢી આનાથી અલગ છે. જો તેમને કશું સાચું જણાય તો તેઓ ખચકાયા વિના આગળ વધી જાય છે. તેઓ યુવાન હોવાથી પરિણામોની પરવા કરતા નથી. જો વડીલો માત્ર લક્ષ્ય નક્કી કરી આપે તો યુવાનો તેને ચોક્કસપણે હાંસલ કરી લેશે. તેમના પર પદ્ધતિઓ લાદ્યા વિના માત્ર જરૂરી માહિતી પૂરી પાડો. તેમને પોતાનો માર્ગ જાતે શોધવા દો. લક્ષ્ય નક્કી કરો, રીત નહીં.
ભાગવતના વિચારો અને દ્રષ્ટિકોણ જાણી આનંદ થયોઃ બોબ બ્લેકમેન
બ્રિટનના કન્ઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેને મોહન ભાગવતના વિચારોનું સ્વાગત કર્યું હતું. સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરતા તેમણે જણાવ્યું હતું કે, આરએસએસના ભવિષ્ય અંગે સંઘચાલક ડૉ. મોહન ભાગવતના વિચારો અને દ્રષ્ટિકોણ સાંભળીને આનંદ થયો.


