લંડન
લેબર પાર્ટીએ મે મહિનામાં યોજાનારી સ્થાનિક ચૂંટણીમાં લેસ્ટરના 18 વર્તમાન કાઉન્સિલરને ટિકિટ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. લેબર પાર્ટીએ આગામી ચૂંટણીમાં ઉમેદવારી માટે લેસ્ટરના તમામ 6 હિન્દુ કાઉન્સિલરની બાદબાકી કરી નાખી છે. લેસ્ટરમાં ભારતીય મૂળના 7 લેબર કાઉન્સિલર છે જેમાંથી 6 હિન્દુ અને એક ખ્રિસ્તી છે. આગામી ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે લેબર નેશનલ એક્ઝિક્યુટિવ સમિતિના સભ્યોએ લેસ્ટરની મુલાકાત લીધા પછી આ નિર્ણય લેવાયો હતો.
લેબર પાર્ટીના આ નિર્ણયને કારણે ઘણા લેબર ઉમેદવારો અને પાર્ટીની શાખાઓમાં રોષનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. ગયા વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં લેસ્ટરમાં હિન્દુ અને મુસ્લિમ વચ્ચે સર્જાયેલા તણાવ બાદ તમામ હિન્દુ કાઉન્સિલરને ટિકિટ નહીં આપવાના નિર્ણયને કારણે ઘણાનાં ભવાં ખેંચાયાં છે. લેસ્ટરમાં 4 મેના રોજ મેયર અને કાઉન્સિલરની ચૂંટણી યોજાવાની છે. ભારતીય મૂળના 7 કાઉન્સિલર ઉપરાંત કેટલાક શ્વેત કાઉન્સિલર અને કેટલાક પાકિસ્તાની અને બાંગ્લાદેશી મૂળના કાઉન્સિલરને ટિકિટ નહીં આપવાનો લેબર પાર્ટીએ નિર્ણય કર્યો છે.
2015થી લેસ્ટરમાં લેબર કાઉન્સિલર રહેલા હેમંત રાય ભાટિયાને પણ આ વખતે ટિકિટ નહીં આપવાનો નિર્ણય લેવાયો છે. તેમણે જણાવ્યું હતું કે, પાર્ટીના સ્થાપિત મંતવ્યો સાથે સહમત નહીં થનારા જે કાઉન્સિલર ચૂંટાઇ આવવાની સંભાવના નથી તેમની ટિકિટ કાપવાનો પાર્ટી દ્વારા નિર્ણય લેવાયો છે. લેસ્ટરમાં કોર્બિન અને કિથ વાઝના સમર્થકોની બાદબાકી પર પાર્ટી દ્વારા ધ્યાન કેન્દ્રિત કરાયું છે. લેબર પાર્ટીએ જે રીતે ઉમેદવારોની પસંદગીમાં શાખાઓના લોકતાંત્રિક અધિકારની અવગણના કરી છે તે કિર સ્ટાર્મેરના મંતવ્ય સાથે મેળ ખાતી નથી. સ્ટાર્મેરે ઉમેદવારોની પસંદગીમા શાખાઓના લોકતાંત્રિક અધિકારો પર ભાર મૂક્યો હતો.
મૂળ દીવના લૂઇસ ફોન્સેકાની ટિકિટ છીનવી લેવાઇ છે. જ્યારે ભાટિયા અને રશ્મિકાંત જોશી કન્ઝર્વેટિવ પાર્ટીમાં જોડાઇ ગયા છે. લેસ્ટરના બેલગ્રેવ વોર્ડનું પ્રતિનિધિત્વ કરતા પદ્મિની ચામુંડ, નીતા સોલંકી અને મહેન્દ્ર વાળંદની ટિકિટ કાપી નાખવામાં આવી છે. રીટા પટેલને પણ ટિકિટ નહીં આપવાનો નિર્ણય લેવાયો છે. આ બધા હવે અપક્ષ ઉમેદવારી નોંધાવવાની તૈયારી કરી રહ્યાં છે.
અત્યાર સુધી લેસ્ટર કાઉન્સિલ પર લેબર પાર્ટીનું પ્રભુત્વ રહ્યું છે પરંતુ ભાટિયા કહે છે કે આ વખતે શહેરના મેયર પ્રત્યે પ્રવર્તતા અસંતોષના કારણે કન્ઝર્વેટિવ પાર્ટી ક્લીન સ્વીપ કરશે. હિન્દુ અને મુસ્લિમને હવે સોલ્સબી પર કોઇ ભરોસો રહ્યો નથી. હિન્દુ-મુસ્લિમ તણાવ અંગે સોલ્સબી દ્વારા કરાયેલી કાર્યવાહીને પડકારનાર તમામની ટિકિટ કાપી નાખવામાં આવી છે. સોલ્સબી કાઉન્સિલને યસ મેનથી ભરી દેવા માગે છે.
કયા ભારતીય મૂળના કાઉન્સિલરની ટિકિટ કપાઇ
લૂઇસ ફોન્સેકા – હેમંત ભાટિયા – રશ્મિકાંત જોશી – પહ્મીની ચામુંડ – નીતા સોલંકી – મહેન્દ્ર વાળંદ- રીટા પટેલ

