હિન્દુ કોમ્યુનિટીની ચિંતા ગંભીર છતાં £૫ની નવી ‘ચરબીયુક્ત’ નોટ પાછી નહિ ખેંચાય

Wednesday 22nd February 2017 05:28 EST
 
 

લંડનઃ બેન્ક ઓફ ઈંગ્લેન્ડે દ્વારા તાજેતરમાં ઈસ્યુ કરાયેલી નવી પાંચ પાઉન્ડની ચલણી નોટમાં પ્રાણીજન્ય ચરબીનો ઉપયોગ થવાથી શાકાહારી તેમજ હિન્દુ સમાજે તેનો વિરોધ કરીને તેને ચલણમાંથી પાછી લેવાની માગણી કરી હતી પરંતુ બેન્ક ઓફ ઈંગ્લેન્ડે આ નોટો ચલણમાંથી પાછી નહિ ખેંચવાનો નિર્ણય કર્યો છે. જોકે, ત્રણ વર્ષ પછી જારી થનારી નવી પોલીમર નોટ્સમાં આવો ચરબીયુક્ત પદાર્થ નહિ હોય તેમ બેન્કે જણાવ્યું હતું. હિન્દુ કાઉસિલ યુકેના પ્રતિનિધિઓએ બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ચીફ કેશિયર વિક્ટોરિયા ક્લીલેન્ડની રુબરુ મુલાકાત લઈ સમુદાયની ચિંતાથી તેમને માહિતગાર કર્યા હતા.

બેંક ઓફ ઈંગ્લેન્ડે જણાવ્યું હતું કે નવી નોટમાં પ્રાણીજ ચરબી હોવાની જાણ થઈ ત્યારે જ બેંકે વિરોધની શક્યતાની ગંભીરતાથી નોંધ લીધી હતી. બેંકે આ નોટ ઉત્પાદક પોલીમર સપ્લાયરને બીજો વિકલ્પ શોધવા જણાવ્યું હતું અને ૨૦૨૦માં બહાર પડનારી નવી ૨૦ અને ૧૦ પાઉન્ડની નોટમાં વૈકલ્પિક પદાર્થ હશે. બેંકે જણાવ્યું હતું કે તમામ વિચારણા પછી બેંકે આ નોટ પાછી નહિ ખેંચવા નિર્ણય લીધો છે.

હિન્દુ કાઉસિલ યુકેના પ્રતિનિધિઓની રજૂઆત

હિન્દુ કાઉસિલ યુકેના પ્રતિનિધિઓ-ચેરમેન ઉમેશ સી શર્મા, JP ડિરેક્ટર ઓફ ઈન્ટરફેઈથ રીલેશન્સ, અનિલ ભનોટ OBE અને ડિરેક્ટર ઓફ હિન્દુ ટેમ્પલ એન્ગેજમેન્ટ અરુણ ઠાકુરને બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ચીફ કેશિયર વિક્ટોરિયા ક્લીલેન્ડ સાથે રુબરુ મુલાકાત માટે આઠ ફેબ્રુઆરીએ આમંત્રિત કરાયા હતા. તેમની ચર્ચાનો મુદ્દો પ્રાણીજ ચરબીના અંશ ધરાવતી નવી પાંચ પાઉન્ડની પોલીમર નોટનો હતો. બેન્ક ઓફ ઈંગ્લેન્ડ હિન્દુ કોમ્યુનિટીની આ બાબતે ચિંતા તેમજ હિન્દુ કાઉસિલ યુકેના વિચારો સમજવા ઈચ્છુક હતી પરંતુ, નવી નોટમાં પ્રાણીજ ચરબીના ઉપયોગના સંભવિત વિકલ્પો (અને નવી ૧૦ અને ૨૦ પાઉન્ડની પોલીમર બેન્કનોટ્સ જારી કરવા) વિશે ચોક્કસ અપડેટ આપવાની સ્થિતિમાં ન હતી.

હિન્દુ કોમ્યુનિટીમાં અહિંસાનું મૂલ્ય

હિન્દુ કાઉસિલ યુકેના પ્રતિનિધિઓએ વિક્ટોરિયા ક્લીલેન્ડ સાથે નિખાલસ ચર્ચામાં હિન્દુઓ માટે અહિંસાના મૂલ્યની રજૂઆત કરી હતી. મોટા ભાગના પ્રાણીઓ હિન્દુ દેવોના વાહન છે ત્યારે તેમની હત્યા કે ઈજા કરવાના વિચારો પણ ટાળે છે. યુકેના વિવિધ મંદિરોમાં દાન અને દેવમૂર્તિઓના ચરણે ધરાવાતી રકમ તરીકે નવી પાંચ પાઉન્ડની નોટ્સ પર પ્રતિબંધ લગાવ્યાની માહિતી પણ પ્રતિનિધિઓએ આપી હતી. હિન્દુઓ માટે ગાય અતિ પવિત્ર છે અને ધરતીમાતાનું પ્રતીક ગણાય છે. મંદિરોમાં નવી પાંચ પાઉન્ડની નોટ્સ સ્વીકારાતી ન હોવાથી સંચાલન-વહીવટ માટે દાન પર જ આધારિત મંદિરના અર્થતંત્રમાં આવકનો ભારે ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે નેશનલ કાઉન્સિલ ઓફ હિન્દુ ટેમ્પલ્સે ગયા વર્ષે જણાવ્યું હતું કે આ નોટ વિનિમયના સાધનને બદલે દુઃખ આપનારી બની છે, તેને સ્પર્શવા કોઈ ઈચ્છતું નથી. બ્રિટનના હિંદુ ફોરમે પણ એક લાખ લોકોની સહી સાથે અરજી કરીને આ નોટો પાછી ખેંચવા માગણી કરી હતી.

નવી ૨૦ પાઉન્ડની નોટ્સ અટકાવાશે

હિન્દુ કાઉસિલ યુકે અને બેન્ક ઓફ ઈંગ્લેન્ડ વચ્ચે બેઠકના ફલસ્વરુપ વિક્ટોરિયા ક્લીલેન્ડ દ્વારા બે સ્ટેટમેન્ટ જારી કરાયાં હતાં. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે આપણી ચિંતા સાંભળી અને સંપૂર્ણ કન્સલ્ટેશન વિના નવી ૨૦ પાઉન્ડની પોલીમર નોટ્સ ઈસ્યુ નહિ કરાય તેવી ખાતરીથી હિન્દુ કાઉસિલ યુકેને આનંદ થાય છે. આ ઉપરાંત, બેન્ક ઓફ ઈંગ્લેન્ડે ભવિષ્યમાં વનસ્પતિજન્ય સહિતના વિકલ્પો ચકાસવા પોલીમર સપ્લાયર્સ સાથે વાતચીતો ચાલતી હોવાની ખાતરી પણ આપી હતી.

હિન્દુ કોમ્યુનિટીની ચિંતા ગંભીરઃ ક્લીલેન્ડ

બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ચીફ કેશિયર વિક્ટોરિયા ક્લીલેન્ડે પણ નિવેદનમાં જણાવ્યું હતું કે બેન્ક નોટ્સ જારી કરવા અને કોન્ટ્રાક્ટ પર સહી કરવા સમયે તેમાં પ્રાણીજ ચરબીના અંશ હોવાની અમને જાણકારી ન હતી. નોટ્સમાં અતિ અલ્પ પ્રમાણમાં ચરબીના અંશ હોવાં છતાં હિન્દુ કોમ્યુનિટી અને અન્યોની મુશ્કેલીઓ અમે સમજી શકીએ છીએ. અમે નવા વિકલ્પો ચકાસવા નોટ્સ સપ્લાયર્સ સાથે વાતચીતો આરંભી છે. તેમણે મંદિરોમાં આ બેન્ક નોટ્સના વપરાશ તેમજ કેટલાક મંદિરોમાં ડોનેશન્સ પર વિપરીત અસરો સહિત આ મુદ્દાની ગંભીરતા સમજવાની તૈયારી દર્શાવી હતી.

અમને પણ આઘાતઃ રાધા મોહન દાસ, ભક્તિવેદાંત મેનોર

ભક્તિવેદાંત મેનોરના રાધા મોહન દાસે ચરબીના અંશયુક્ત નવી પોલીમર બેન્ક નોટ્સના મુદ્દે નિવેદનમાં જણાવ્યું હતું કે,‘બેન્ક ઓફ ઈંગ્લેન્ડે નવી ૧૦ પાઉન્ડની ચરબીયુક્ત નોટ્સ પ્રિન્ટ કરી નાખી હોવાના અહેવાલોથી અમને દુઃખ અને આઘાત લાગ્યા છે. મંદિર કોમ્યુનિટી તરીકે અમારા માટે અહિંસાનું વિશેષ મૂલ્ય છે. અમે નવી પાંચ પાઉન્ડની નોટ્સ દાનમાં સ્વીકારવાનું બંધ કર્યું છે, પરિણામે જેના પર અમે આધારિત છીએ તે ડોનેશન્સને અસર થઈ છે. નવી ૧૦ પાઉન્ડની નોટ્સના સમાચારથી અમારે ચરબીયુક્ત નોટ્સ પર પ્રતિબંધના વલણની સમીક્ષા કરવી પડશે. અમારે કેન્દ્રરૂપ ધાર્મિક સિદ્ધાંતો અને આધ્યાત્મિક મૂલ્યો સાથે સમાધાન કરવું પડશે અથવા નોંધપાત્ર નાણાકીય નુકસાન સહન કરવું પડશે. વર્તમાન યુગમાં જાહેર સેવાના પ્રોવાઈડર આને આગળ ચાલવા દે અને વધુ નુકસાનકારી બનવા દઈ શકે તે સમજી શકાતું નથી. અમે જાહેર પરામર્શના બેન્કના નિર્ણયને આવકારીએ છીએ અને ભૂલ સુધારવા પાછળનો ખર્ચ જંગી હશે તે પણ સમજીએ છીએ. કરન્સી તમામને સ્વીકાર્ય હોવી જોઈએ અને પ્રાણીજ પેદાશથી મુક્ત હોવી જોઈએ તેમાં કોઈ શંકા નથી.’

નવી પાંચ પાઉન્ડની પોલીમર નોટમાં પ્રાણીજ ચરબી ટેલોના અંશનો ઉપયોગ કરાય છે, જે યુકેમાં લાખો વેગન્સ, શાકાહારીઓ, હિન્દુ, શીખ, જૈન તેમજ અન્ય લોકો માટે તદ્દન અસ્વીકાર્ય છે. નવી નોટ્સમાં પ્રાણીજ ચરબી હોવાનું બહાર આવતાં જ હિન્દુ કાઉસિલ યુકેએ આ વિશે ચિંતા દર્શાવનારી ચોક્કસ કોમ્યુનિટીઓ અને સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ વિવિધ અગ્રણી સાથે મળી જાહેરમાં ચિંતા વ્યક્ત કરી હતી. આ પછીના સમયમાં પણ હિન્દુ કાઉસિલ યુકેએ બેન્ક ઓફ ઈંગ્લેન્ડને યુકેસ્થિત હિન્દુ કોમ્યુનિટી, હિન્દુ મંદિરો અને હિન્દુ સંસ્થા-સંગઠનોની ચિંતાની રજૂઆતો કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter