હિન્દુ પૂજારીઓના વિઝા નિયમોમાં સુધારો કરવા હોમ સેક્રેટરીને અપીલ

પૂજારીઓની અછતના કારણે ઘણા મંદિરો બંધ થવાની કગાર પર

Tuesday 23rd January 2024 11:00 EST
 
 

લંડનઃ સાંસદ ગેરેથ થોમસે ટાયર ફાઇવ રિલિજિયસ વર્કર વિઝાના મામલે હોમ સેક્રેટરીના હસ્તક્ષેપની માગ કરી છે. આ વિઝાના માધ્યમથી યુકેના હિન્દુ મંદિરો પૂજારીઓની નિયુક્તિ કરી શકે છે. પૂજારીઓ અને અન્ય કર્મચારીઓની અછતના કારણે કેટલાક મંદિરો બંધ થવાની કગાર પર છે.

હેરો વેસ્ટના સાંસદ ગેરેથ થોમસે હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલીને પત્ર લખી જણાવ્યું હતું કે, ધાર્મિક કર્મચારીઓને વિઝામાં વિલંબના કારણે ઘણા મંદિરો બંધ થઇ ગયાં છે અથવા તો તેમણે પોતાની કામગીરીમાં ઘટાડો કરી દીધો છે. મંદિરોમાં પૂજારીઓ અત્યંત મહત્વના છે કારણ કે ન કેવળ તેઓ મંદિરોમાં પૂજાની આગેવાની લે છે પરંતુ હિન્દુ પરંપરાગત રિવાજોની વિધિઓ પણ કરાવતા હોય છે.

થોમસે જણાવ્યું હતું કે, યુકેમાં 20 હિન્દુ મંદિરોનું પ્રતિનિધિત્વ કરતા મંદિર યુનાઇટેડ ગ્રુપ સાથે મારી મુલાકાત થઇ છે. તેમની ચિંતાઓ દૂર કરવા માટે ક્લેવરલીને એક્સપર્ટ પેનલની રચના કરવા વિનંતી કરી છે. યુકેના મંદિરોમાં ટાયર ફાઇવ રિલિજિયસ વર્કરને જ પગાર ચૂકવાતો હોય છે અને તેમના પગારની વ્યવસ્થા ડોનેશનમાંથી થાય છે. હાલમાં હિન્દુ પૂજારીઓને બે વર્ષનો ટેમ્પરરી વિઝા આપવામાં આવે છે તેથી મંદિરોને પૂજારીના વિઝા પૂરા થાય તેના 6 મહિના પહેલાથી જ નવા પૂજારીની શોધ શરૂ કરી દેવી પડે છે. તેથી આ નિયમમાં સુધારો કરી પાંચ વર્ષના વિઝા આપવા મંદિર યુનાઇટેડ ગ્રુપે અપીલ કરી છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter