હિન્દુ મૂલ્યો જ રિશી સુનાકને મજબૂત અને સફળ બનાવશે – સુભાષ ઠકરાર

સુનાકે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે પૂજ્ય જલારામ બાપાની પ્રતિમા સ્થાપિત કરવા વિનંતી કરી

સુભાષ ઠકરાર Wednesday 02nd November 2022 06:17 EDT
 
 

બોરિસ જ્હોન્સન સરકારના પતન બાદ ટોરી પાર્ટીની લીડરશિપ રેસમાં લિઝ ટ્રસે સુનાકને પરાસ્ત કર્યા ત્યાર પછી એમ લાગતું હતું કે હવે રિશી સુનાક હાલ પુરતું તો ફ્રન્ટલાઇન પોલિટિક્સમાં ટકી શકશે નહીં. પરંતુ લિઝ ટ્રસ સરકારની રચનાના 45 દિવસમાં જ એવો ઘટનાક્રમ સર્જાયો કે રિશી સુનાકની અદ્દભૂત વાપસી થઇ હતી. આ પ્રકારની ઘટના ભાગ્યે જ જોવા મળે છે. આ વખતે રિશી સુનાકે નિર્ણાયક વિજય હાંસલ કરીને પોતાને બ્રિટનના ઇતિહાસના સૌપ્રથમ બ્રિટિશ એશિયન વડાપ્રધાન તરીકે પ્રસ્થાપિત કર્યા છે.

આપણે આ ઘટનાઓને આધ્યાત્મિકતાની દ્રષ્ટિથી જોઇએ છે ત્યારે એમ લાગે છે કે રિશી સુનાક યોગ્ય સમયે જ વડાપ્રધાન બન્યા છે. એ પણ યોગાનુયોગ છે કે તેઓ દીવાળીના દિવસે જ વડાપ્રધાન તરીકે નિયુક્ત થયા. આપણે સૌ જાણીએ છીએ કે દીવાળી અંધકાર પર પ્રકાશ અને આસૂરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું પ્રતિક છે. દીવાળીના દિવસે જ ભગવાન રામનો અયોધ્યામાં રાજ્યાભિષેક કરાયો હતો. સુનાકની વડાપ્રધાન તરીકે વરણી નિશ્ચિત હતી. છેલ્લા દિવસ સુધી બોરિસ જ્હોન્સન અને પેની મોરડૌન્ટે પીએમ પદની રેસમાં રહેવા હવાંતિયાં માર્યા હતા.

ઓગસ્ટમાં હસ્ટિંગ્સ દરમિયાન મેં અને મારી પત્ની રેખાએ રિશીને અમારા નિવાસસ્થાને આમંત્રણ આપ્યું હતું. મારી દીકરી કવિતાએ તેમના હાથ પર રક્ષાબંધન કર્યું હતું. અમે તેમના માટે બ્રહ્માકુમારી મિશન ખાતેથી વિશેષ રાખડી લાવ્યાં હતાં અને સુનાકે ઉષ્માભેર આ આશીર્વાદનો સ્વીકાર કર્યો હતો. તે દિવસ જન્માષ્ટમીનો હતો. તેના એક દિવસ પહેલા સુનાક ઇસ્કોન મંદિર ગયા હતા અને ગૌપૂજા કરી હતી. મને હમણા જ જાણવા મળ્યું છે કે આપણા નવા વડાપ્રધાને તેમના સત્તાવાર નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે પૂજ્ય જલારામ બાપાની પ્રતિમા સ્થાપિત કરવા વિનંતી કરી છે.

આ દર્શાવે છે કે રિશી સુનાક અત્યંત આધ્યાત્મિક અને હિન્દુ મૂલ્યોનું સન્માન કરનાર વ્યક્તિ છે. લિઝ ટ્રસ આપણા દેશ માટે શ્રેષ્ઠ ઇરાદા રાખતા હતા પરંતુ રિશી સુનાકની ચેતવણીઓ છતાં તેઓ આર્થિક પડકારોનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યાં. લિઝ ટ્રસના આખા ઘટનાક્રમે રિશી સુનાક અને તેમની વ્યૂહરચના પરની શંકાઓ દૂર કરીને તમામ અવરોધ હટાવી દીધાં હતાં.

રિશી સુનાક ઉચ્ચ શિક્ષિત અને અત્યંત ધનવાન વ્યક્તિ છે. તેઓ ઘણી ફાઇનાન્સ કંપનીઓમાં ઉચ્ચ હોદ્દાઓ પર ફરજ બજાવી ચૂક્યા છે અને અર્થતંત્ર તથા ફાઇનાન્સને સારી રીતે સમજે છે. તેઓ પૈસા માટે નહીં પરંતુ બ્રિટનના વિકાસ માટે કામ કરી રહ્યા છે. ભારતીય મીડિયામાં તેમના અબજોપતિ સસરા નારાયણમૂર્તિએ આપેલી સલાહ મહત્વનું સ્થાન મેળવી રહી છે. તેમણે રિશીને સલાહ આપી હતી કે વિશ્વમાં આગવું સ્થાન ઊભું કરવા માટે તમારે રાજનીતિમાં ઝંપલાવવું જોઇએ. અમારા નિવાસસ્થાને રેખાએ રિશીને રાજકારણમાં આવવા અંગે સવાલ કરતાં તેમણે આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો.

રિશીના હિન્દુ મૂલ્યો તેમની સફળતાનું મજબૂત પાસુ બની રહેશે. તેઓ નમ્ર અને માનવતા પ્રત્યે લગાવ ધરાવતા વ્યક્તિ છે. તેમણે પાર્ટીમાં એકતા સાધે તેવા નેતાઓને કેબિનેટમાં સ્થાન આપ્યું છે. કર્મ કરતો જા અને ફળની આશા ન રાખ તે હિન્દુ મૂલ્યના આધારે લેવાતા પગલા અને સમગ્ર સમાજની સમૃદ્ધિ માટે લેવાતી કાળજી મોટો બદલાવ લાવશે.

હિન્દુ ધર્મ એકતાનું શિક્ષણ આપે છે અને તમામ ધર્મોનું સન્માન કરે છે. હિન્દુ ધર્મ માનવજાત માટે સારા કર્મોનું શિક્ષણ આપે છે. હિન્દુ ધર્મ જરૂરીયાતમંદોની કાળજી લેવા કહે છે. હિન્દુ ધર્મ સંતુલિત માનસ સાથે સારા અને નરસાનો સ્વીકાર શીખવે છે. આપણા નવા વડાપ્રધાન આ તમામ મૂલ્યોને વરેલા છે. આ મૂલ્યો જ તેમને મજબૂત અને સફળ બનાવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter