લંડન
લેસ્ટરમાં કોમી તણાવની સ્વતંત્ર તપાસ માટે મેયર સર પીટર સોલ્સબી દ્વારા નિયુક્ત કરાયેલા પ્રોફેસર ડો. ક્રિસ એલેને તપાસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. હિન્દુઓ પ્રત્યે પક્ષપાત ધરાવતા મુસ્લિમોના તરફેણકર્તા એલેનની નિયુક્તિનો લેસ્ટરના હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. ક્રિસ એલેને પોતાને તપાસથી અળગા કરતાં જણાવ્યું હતું કે, હાલના સંજોગોમાં હું તટસ્થ તપાસ કરી શકીશ એમ મને લાગતું નથી.
એલેને જણાવ્યું હતું કે, મેં આ તપાસમાંથી હટી જવાનો નિર્ણય કર્યો છે. તપાસના તારણો ચકાસણી માટે જરૂરી માપદંડો પર ખરા ઉતરશે કે કેમ તેનો મને હવે વિશ્વાસ રહ્યો નથી. હું મારી સામે મૂકાઇ રહેલા આરોપો કે સોશિયલ મીડિયા પર મને મળી રહેલી ધમકીઓથી ડરીને પાછો હટી રહ્યો નથી. છેલ્લા કેટલાક સપ્તાહથી સોશિયલ મીડિયા પર મારી વિરુદ્ધ નફરત ફેલાવવામાં આવી રહી છે.
લેસ્ટરના મેયર સર પીટર સોલ્સબીએ ડો. એલેનના નિર્ણય બાદ જણાવ્યું હતું કે, હું તેમના નિર્ણયને સમજી શકું છું અને હવે તપાસ માટે અન્ય વ્યક્તિ કે સંગઠનની નિયુક્તિ કરીશ કે જે તમામ પક્ષકારોનો વિશ્વાસ જીતી શકે. મને લાગે છે કે આ મામલામાં તપાસ તો થવી જ જોઇએ. તપાસ માટે ડો. એલેનની નિયુક્તિ બાદ લેસ્ટરના 15 જેટલા હિન્દુ સંગઠનોએ તપાસનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો.


