હિન્દુ સમાજનો ન્યાય માટે પોકાર

પીટરબરો સિટી કાઉન્સિલના નિર્ણય સામે ભારત હિન્દુ સમાજ મંદિરના સમર્થનમાં સમગ્ર બ્રિટિશ હિન્દુ સમુદાય

રુપાંજના દત્તા Tuesday 24th February 2026 11:44 EST
 
 

પીટરબરો સ્થિત એકમાત્ર હિન્દુ મંદિર, ભારત હિન્દુ સમાજ મંદિરને બચાવવાની લડાઇમાં શ્રદ્ધાળુઓ, આગેવાનો અને સંગઠનો એકજૂથ થઇ રહ્યાં છે ત્યારે બ્રિટનના હિન્દુ સમુદાયમાં વેદનાની સાથે સાથે નારાજગીનું મોજું પ્રવર્તી રહ્યું છે. પીટરબરો સિટી કાઉન્સિલે આ જગ્યાને વેચી દેવાનો નિર્ણય કરતાં છેલ્લા 4 દાયકાથી હિન્દુ આસ્થાના કેન્દ્ર સમાન મંદિર બંધ થવા જઇ રહ્યું છે.

પીટરબરોના ન્યૂ ઇંગ્લેન્ડ કોમ્પ્લેક્સ ખાતે છેલ્લા 40 વર્ષથી સ્થાપિત મંદિર ફક્ત ઇમારત નહીં પરંતુ જીવન રેખા છે. આ મંદિર કેમ્બ્રિજશાયર, નોરફ્લોક અને લિન્કનશાયરના હિસ્સાઓમાં વસતા અંદાજિત 18,500 હિન્દુ શ્રદ્ધાળુઓની ઓળખ સાથે વણાયેલું પવિત્ર સ્થળ છે. પેઢીઓથી હિન્દુ શ્રદ્ધાળુઓ અહીં પૂજા અર્ચના કરતા આવ્યા છે અને હવે એવો ભય પ્રવર્તી રહ્યો છે કે તેઓ આ મંદિર હંમેશ માટે ગુમાવી દેશે.

આ ઇમારતની માલિક એવી સિટી કાઉન્સિલ વધી રહેલા દેવાને ચૂકવવા અને કરદાતાઓ માટે મૂલ્ય સુરક્ષિત કરવા વેચાણ કરવા ઇચ્છી રહી છે પરંતુ મંદિરના પ્રતિનિધિઓનું કહેવું છે કે મંદિરને બચાવવાના તેમના પ્રયાસોને ભંગિત આશાઓ અ બદલાતા લક્ષ્યાંકો સિવાય કશું પ્રાપ્ત થયું નથી. અમે કોમ્પ્લેક્સ ખરીજવા માટે 1.3 મિલિયન પાઉન્ડની ઓફર આપી હતી અને 14 વર્ષ સુધી મંત્રણા કરતા રહ્યા કારણ કે કાયદેસરનો કોન્ટ્રાક્ટ ક્યારેય શક્ય ન બને તે માટે કાઉન્સિલની શરતો વારંવાર બદલાઇ રહી હતી.

બીજીતરફ એક નાટકીય હસ્તક્ષેપમાં સ્ક્રુટિની કમિટીએ તારણ આપ્યું હતું કે, મંદિરની જગ્યા વેચવાનો નિર્ણય લેતી વખતે કાઉન્સિલરોને પુરતી માહિતી અપાઇ નહોતી. ત્યારબાદ કમિટીએ નિર્ણયને પુનઃવિચારણા માટે કેબિનેટને મોકલી આપ્યો હતો. કમિટીએ એવી પણ વિનંતી કરી હતી કે મંદિર માટે નવી જગ્યા ન મળે અથવા તો 6 મહિનામાં તેની ટેનેન્સી પરત ન મેળવાય ત્યાં સુધી ઇમારતનું વેચાણ થવું જોઇએ નહીં.

તેમ છતાં પીટરબરો સિટી કાઉન્સિલ કેબિનેટે ન્યૂ ઇંગ્લેન્ડ કોમ્પ્લેક્સનું વેચાણ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયને પગલે છેલ્લા 40 વર્ષથી પીટરબરો અને આસપાસના વિસ્તારમાં મંદિર અને કોમ્યુનિટી સેન્ટર તરીકે સેવા આપનાર આ સ્થળ છીનવાઇ જશે. 35થી 40 માઇલની ત્રિજ્યામાં આ એકમાત્ર હિન્દુ મંદિર છે અને પીટરબરો, લિન્કનશાયર, કેમ્બ્રિજશાયર અને આસપાસના વિસ્તારોના 18,500 હિન્દુ શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર છે.

સમાજની લાગણીઓ અને મંદિરનું સામાજિક મૂલ્ય

શ્રદ્ધાળુઓએ જણાવ્યું છે કે આ પ્રોપર્ટી ખરીદવાનો બીજો પ્રયાસ પણ નિષ્ફળ ગયા બાદ અમારા આધ્યાત્મિક કેન્દ્રને ગુમાવવાની ભીતિએ હૃદયભંગ કર્યો છે. આ નિર્ણયની પુનઃસમીક્ષા માટે દબાણ કરનાર અપક્ષ કાઉન્સિલર રોજર એન્ટ્યુનસ તેમની નારાજગી છૂપાવી શક્તા નથી. તેમણે જણાવ્યું હતું કે, હિન્દુ સમુદાય સાથેની શરતો પર સંમતિ સધાઇ ગઇ હતી અને ગયા સમરમાં જ તેને મંજૂરી મળવાની હતી. તેમણે આશ્વાસન આપ્યું હતું કે, ચર્ચા કરાયેલી નિવિદાને મંજૂર કરાશે. પરંતુ તેમ થયું નથી. ઓપન માર્કેટમાંથી મોટી ઓફર મળતાં પીછેહઠ કરવામાં આવી હતી જે અસ્વીકાર્ય છે. ચર્ચાને અનુસરવાની જરૂર હતી. હિન્દુ સમુદાયને ફરી એકવાર નિવિદા આપવા માટે એક મહિનાનો જ સમય અપાયો હતો.

તેમણે જ પીડાદાયક અસંતુલન પર ધ્યાન દોર્યું તે ચોંકાવનારું પણ છે. તેમણે જણાવ્યું હતું કે, પીટરબરોમાં 35 માઇલની ત્રિજ્યામાં 390 ચર્ચ અને 25-30 મસ્જિદ આવેલી છે. આ એકમાત્ર હિન્દુ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર છે.

આ નિર્ણયમાં મંદિરના સામાજિક મૂલ્યની અવગણના કરવામાં આવી છે કે કેમ તેવા સવાલના જવાબમાં લેબર કેબિનેટ મેમ્બર મોહમ્મદ જમિલે જણાવ્યું હતું કે, મંદિરના સામાજિક મૂલ્યને ધ્યાનમાં લેવાયું હતું અમે અમારા પ્રોપર્ટી બોર્ડના અધિકારીઓએ નિર્ણય લીધો હતો કે અમે પ્રક્રિયા અનુસાર જ નિર્ણય લીધો છે. જો આ પ્રક્રિયામાં ખરેખર મંદિરના સામાજિક મૂલ્યને કેન્દ્રમાં રાખવામાં આવ્યું હતું તો તારણ વિચલિત કરનારા સવાલો ઊભા કરે છે. કેવી રીતે નિર્ણય 3 કાઉન્ટી વચ્ચેનું એકમાત્ર હિન્દુ મંદિર દૂર કરી શકે. શું આ નિર્ણય લેતી વખતે સમાજ પર થનારી અસર ધ્યાનમાં લેવાઇ નહોતી.. કેવી રીતે નિર્ણય લેવામાં અસંતુલન ધ્યાનમાં ન લેવાયું....

જો 390 ચર્ચ અને 25થઈ 30 મસ્જિદમાંથી કોઇ એકને અન્યત્ર ખસેડવામાં આવે તો જે તે સમુદાયોને પણ અસર થશે તેમાં કોઇ શંકા નથી. તેમના વડીલો અને બાળકો જાણીતી જગ્યા અને સાંસ્કૃતિક વારસાથી અલગ થઇ શકશે નહીં. તેમની યાદો રાતોરાત ભૂંસાઇ જવાની નથી.

કેમ્બ્રિજશાયર, નોરફ્લોક અને લિન્કનશાયરના હિન્દુઓ માટે આ એકમાત્ર મંદિર છે. તેને ગુમાવવાનો અર્થ એ નથી કે ફક્ત પૂજા-અર્ચનાનું સ્થળ બદલાશે. તેનો અર્થ એ છે કે પેઢીઓથી નિર્માણ થયેલી સપોર્ટ સિસ્ટમનો નાશ થશે. વૃદ્ધો અને વડીલો એકલતાની જીવાદોરી ગુમાવી દેશે. યુવાપેઢી તેમના વારસા સાથેનો સંપર્ક ખોઇ દેશે. તેનો અર્થ એ છે કે સમુદાય કલ્ચરલ આઇસોલેશનના જોખમનો સામનો કરી રહ્યો છે. જો આ નિર્ણયમાં સામાજિક મૂલ્યને મહત્વ આપવામાં આવ્યું હતું તો ઘણાને આશ્ચર્ય થઇ રહ્યું છે.

વારંવારની અપીલો છતાં કેબિનેટે કોમ્પ્લેક્સના વેચાણને મંજૂરી આપી દીધી હતી. તેને ખરીદનારનું નામ જાહેર કરાયું નથી. તેથી જ ભારત હિન્દુ સમાજના સમર્થકોએ એકઠાં મળીને કાઉન્સિલના સેન્ડ માર્ટિન હાઉસ હેડક્વાર્ટર ખાતે શાંત દેખાવો પણ કર્યાં હતાં. ત્યારબાદ જમિલે સમાજની પીડાને સ્વીકારતાં જણાવ્યું હતું કે હું તેમની હતાશાને સારી રીતે સમજી શકું છું. આવો આપણે આ હતાશાને દૂર કરવા સાથે મળીને કામ કરીએ. કાઉન્સિલે અન્ય ઇમારત હિન્દુ સમાજ માટે શોધવાની ઓફર આપી છે. અમે તેમને અન્ય સ્થળ અપાવી શકીશું.

મંદિરના વાઇસ પ્રેસિડેન્ટ એકતા પટેલે જણાવ્યું હતું કે, મંદિરને બચાવવા માટે અમે તમામ પ્રયાસો કરી ચૂક્યાં છીએ અને તમામ દરવાજા ખખડાવી ચૂક્યાં છીએ પરંતુ પરિણામથી અમે ઘણા હતાશ થયાં છીએ. પબ્લિક સપોર્ટ છતાં આ પ્રકારનો આઘાતજનક નિર્ણય લેવાયો હતો. ઘણા શ્રદ્ધાળુઓ પેન્શનર્સ છે જેમણે આ મંદિર માટે તેમના જીવન સમર્પિત કરી દીધાં હતાં. અમારા માટે આ ઘણો સંવેદનશીલ સમય છે. મંદિર ગુમાવવું અમારા માટે ઘણું મુશ્કેલ છે.

મંદિરના ટ્રસ્ટી ગૌરી ચૌધરીએ જણાવ્યું હતું કે, આ વેચાણ અમારા માટે એક પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન કરતાં પણ વધુ છે. સમાજના પ્રયાસોના કારણે આ મંજિર સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જીવનના કેન્દ્ર સમાન હતું. સમગ્ર દેશમાંથી સમર્થકો મંદિર માટે અમને સમર્થન આપી રહ્યાં છે. મંદિરના જવાથી અમારા વડીલો મહત્વની લાઇફલાઇન ગુમાવી દેશે. હવે જ્યારે આ પ્રોપર્ટી વેચાઇ રહી છે ત્યારે પીટરબરો માટે એક મહત્વનો સવાલ છે. શું લગભગ 40 વર્ષથી આશા, આસ્થા અને હજારો શ્રદ્ધાળુઓની ઓળખ સમાન મંદિરને અદ્રશ્ય થઇ જવાની પરવાનગી અપાશે....

બોક્સ

ભારત હિન્દુ સમાજ મંદિર/પીટરબરો મંદિરને બચાવવા માટેની ઝુંબેશ સમુદાય દ્વારા જ ચલાવવામાં આવી રહી છે. જો તમે મંદિર બચાવવાના પ્રયાસને સમર્થન આપો છો અને તેને સુરક્ષિત રાખવા માટે લડી રહેલા લોકો સાથે ઊભા રહેવા તૈયાર છો, તો કૃપા કરીને મંદિર બંધ થવા સામે કાઉન્સિલને અમારી અરજીના ભાગ રૂપે - [email protected] પર તમારો સંદેશ, સંપૂર્ણ નામ, ફોન નંબર અને ઇમેઇલ સરનામાં સાથે શેયર કરો. અંતિમ તારીખ 2 માર્ચ 2026.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter