લંડનઃ ભારત પહોંચેલા બ્રિટિશ વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, મને ગર્વ છે કે હું હિન્દુ છું. આ રીતે મારો ઉછેર પણ થયો હતો. હિન્દૂ ધર્મમાં આસ્થા હોવી તેમજ આધ્યાત્મિકતા હોવી તે અંગત પ્રશ્ન છે અને તેથી મને વધુ સારી રીતે કામ કરવાની પ્રેરણા મળે છે. બ્રિટન પરત ફરેલા વડાપ્રધાન રિશી સુનાકે હાઉસ ઓફ કોમન્સમાં જણાવ્યું હતું કે, હું પબ્લિક રેકોર્ડ માટે કેટલીક બાબતો જાહેર કરવા માગું છું. હું અને મારો પરિવાર ભારતીય મૂળનાં છીએ. મારી પત્ની અને પરિવાર ભારતીય નાગરિકતા ધરાવે છે અને ભારતમાં તેમના આર્થિક હિતો પણ છે.
ભારતના કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ રિશી સુનાક અને તેમનાં પત્ની અક્ષતા મૂર્તિનું ‘જયસિયારામ’ના નારા સાથે સ્વાગત કર્યું અને રુદ્રાક્ષ, ભગવત ગીતા તથા હનુમાન ચાલીસાની ભેટ આપી હતી.
હાથમાં રાખડી, નાડાછડીથી સુનાકે લોકોના દિલ જીત્યાં
જી-20 શિખર બેઠકમાં સામેલ થવા આવેલા બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાક અને તેમના પત્ની અક્ષતાના વર્તન અને વ્યવહારે લોકોના દીલ જીતી લીધા હતા. સુનાક સાથે મુલાકાત માટે મોદી સરકારના પ્રધાનો પણ ઉત્સુક હતાં. શનિવારે આયોજીત ડીનર કાર્યક્રમ દરમિયાન મોદી સરકારના પ્રધાનોએ બ્રિટિશ વડાપ્રધાન સાથે મુલાકાત કરીને તેમની સાથે વાત કરી હતી. રિશી સુનાકના હાથમાં બાધેલી રાખડી અને નાડાછડીને જોઇને લોકોએ તેમની સાથે પોતિકાપણાની લાગણી અનુભવી હતી. આ દરમિયાન સુનાકે રક્ષાબંધન અને જન્માષ્ટમીની ચર્ચા કરતાં જણાવ્યું હતું કે, હું હિન્દુઓના તહેવારોની ઉજવણી કરું છું, બહેનો સાથે રક્ષાબંધન ઉજવ્યો જોકે જન્માષ્ટમીની ઉજવણી ના કરી શક્યો. હમણાં રક્ષાબંધન પર્વ ગયો, તેથી મારી બહેન અને પિતરાઈ ભાઈઓની તમામ રાખડીઓ મારી પાસે છે.


