લંડનઃ બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા અને સતામણીના પડઘા લંડનમાં પણ જોવા મળ્યા હતા. શનિવારે હિન્દુ સમુદાય દ્વારા લંડન સ્થિત બાંગ્લાદેશ હાઇ કમિશન સામે વિરોધ પ્રદર્શન કરાયું હતું. દુર્ભાગ્યની વાત એ હતી કે હિન્દુઓના વિરોધ પ્રદર્શન સામે ખાલિસ્તાન સમર્થકો દ્વારા દેખાવો કરાયા હતા.
18 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશના માયમેનસિંહમાં દીપુ ચંદ્ર દાસની કટ્ટરવાદીઓના ટોળા દ્વારા હત્યા કરાઇ હતી. તેની સામે વિરોધ નોંધાવવા 500કરતાં વધુ બાંગ્લાદેશી અને ભારતીય મૂળના હિન્દુ બાંગ્લાદેશ હાઇકમિશન સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતાં. તેમણે હિન્દુ લાઇવ્ઝ મેટર નારાસાથે લઘુમતી સમુદાયને સંરક્ષણ આપવા નારા લગાવ્યા હતા. શાંતિપૂર્ણ પ્રદર્શનનું આયોજન બેંગાલી હિન્દુ આદશ સંઘ દ્વારા કરાયું હતું.
આ દરમિયાન 10 જેટલા ખાલિસ્તાની સમર્થકો ખાલિસ્તાની ઝંડાઓ સાથે ત્યાં ધસી આવ્યા હતા અને ભારત તથા હિન્દુ વિરોધી નારાબાજી કરવા લાગ્યા હતા. તેમણે બાંગ્લાદેશમાં હત્યા કરાયેલા નેતા શરિફ ઓસ્માન હાદીના સમર્થનમાં પણ નારા લગાવ્યા હતા. જેના પગલે પોલીસને દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી.
પશ્ચિમ બંગાળના મૂળ વતની પ્રજવલ્લ બિશ્વાસે જણાવ્યું હતું કે, ખાલિસ્તાની અહીં કોઇ કારણ વિના દેખાવો કરવા આવી પહોંચ્યા હતા. તેઓ અમને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. બાંગ્લાદેશી મૂળના શુચિસ્મિતાએ જણાવ્યું હતું કે, મારો પરિવાર બાંગ્લાદેશમાં રહે છે. બાંગ્લાદેશમાં સદીઓથી હિન્દુઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યાં છે પરંતુ મીડિયામાં ક્યારેય તેની નોંધ લેવાતી નથી. હું અહીં હિન્દુ સમુદાય માટે ન્યાયની માગ કરવા આવી છું.


