હિન્દુજા પરિવારના આંતરિક વિખવાદનો ખરેખર અંત આવી ગયો ?

બ્રિટનના સૌથી અમીર પરિવારના મોભીની પરિવારના સભ્યો દ્વારા જ કાળજી લેવાતી નહોતી ?

Wednesday 16th November 2022 04:21 EST
 
 

લંડન

બ્રિટનના સૌથી અમીર હિન્દુજા પરિવારના સભ્યો વચ્ચે ચાલી રહેલા વિવાદનો કથિત અંત આવી ગયો છે. હિન્દુજા જૂથની સફળતા પાછળ ચાર ભાઇઓમાં જયેષ્ઠ એવા 86 વર્ષીય શ્રીચંદ પરમાનંદ હિન્દુજાનો સિંહફાળો છે. આ વર્ષના સન્ડે ટાઇમ્સના સૌથી અમીર લોકોની યાદીમાં 28 બિલિયન પાઉન્ડ સાથે હિન્દુજા પરિવાર ટોચના સ્થાને રહ્યો હતો.

પ્રાઇવેટ કેરના સ્થાને પબ્લિક નર્સિંગ હોમ....?

જસ્ટિસ હેડને જણાવ્યું હતું કે, જિનિવામાં પરિવારની માલિકીની બેન્ક મામલે હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસના કારણે શ્રીચંદ હિન્દુજા લેવી બોન્ડી ડિમેન્શિયાથી પીડાતા હોવાનું નિદાન થયા બાદ તેમની જરૂરીયાતો હાંસિયામાં ધકેલાઇ ગઇ હતી.

તાજેતરમાં બહાર આવેલા અદાલતી ચુકાદામાં ખુલાસો કરાયો છે કે શ્રીચંદ હિદુજાની બે દીકરીઓ અને ગોપીચંદ હિન્દુજાના નેતૃત્વમાં નાના ભાઇઓ શ્રીચંદની સારવાર અંગે મતભેદો ધરાવતા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હવે પરિવાર તેમની વચ્ચેના મતભેદોનો અંત લાવવા સહમત થયો છે.

કોર્ટ ઓફ પ્રોટેક્શનના બીજા ક્રમના સૌથી વરિષ્ઠ જજે જણાવ્યું હતું કે, પરિવાર આર્થિક રીતે સક્ષમ હોવા છતાં શ્રીચંદની સારવારમાં નિષ્ફળ રહ્યો હતો જેના કારણે તેમને પબ્લિક નર્સિંગ હોમમાં સારવાર લેવાનો વિકલ્પ વિચારવો પડ્યો હતો.

જસ્ટિસ હેડને જણાવ્યું હતું કે, શ્રીચંદ હિન્દુજાને શાંતિ પ્રાપ્ત થાય તે માટે સંપુર્ણ કેર પેકેજ સાથેનું પ્રાઇવેટ રેસિડેન્સ જ શ્રેષ્ઠ વિકલ્પ હોઇ શકે છે. આ માટે આર્થિક સમાધાન જરૂરી બની જાય છે. પરંતુ તેમના માટે યોગ્ય સારવાર અને કાળજીની વ્યવસ્થા તેમના જ પરિવારના સભ્યો વચ્ચેના તણાવને કારણે કરવામાં આવી નહોતી. પરિવારના સભ્યો વચ્ચેના વિવાદને કારણે શ્રીચંદ હિન્દુજાના હિતો હાંસિયામાં ધકેલાઇ ગયાં હતાં.

ગુપ્ત કરાર

ગોપીચંદ હિન્દુજાએ જજને વચન આપ્યું છે કે પરિવાર વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવી ગયો છે. હિન્દુજા પરિવારના પ્રવક્તાના જણાવ્યા અનુસાર શ્રીચંદ હિન્દુજાના આરોગ્ય અને કાળજી અંગેના હિન્દુજા પરિવારના મામલાનો સર્વસંમતિથઈ ઉકેલ આવી ગયો છે. લંડન અને વિદેશોમાં ચાલતા ખટલામાં હિન્દુજા પરિવાર દ્વારા ગુપ્ત સમાધાન કરી લેવાયું છે.

અમારા પિતાના આરોગ્ય મામલે ચાલતા વિવાદમાં સમાધાનની ખુશી છે – વિનુ અને શાનુ હિન્દુજા

શ્રીચંદ હિન્દુજાની દીકરીઓ વિનુ અને શાનુ હિન્દુજાએ એક અલગ નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે આ ચુકાદા દ્વારા પ્રક્રિયામાં આવનારી પારદર્શકતાને આવકારીએ છીએ. જોકે હજુ અંતિમ સમાધાન પર પહોંચવાનું બાકી છે. અમને એ વાતની ખુશી છે કે અમારા પિતાના આરોગ્ય અને કલ્યાણ અંગેના મામલા પર ચાલી રહેલા વિવાદમાં સમાધાન થઇ શક્યું છે. હજુ અન્ય વિવાદોનો વ્યાપક ઉકેલ લાવવાનો બાકી છે.

વિનુ અને શાનુ હિન્દુજાએ જણાવ્યું હતું કે, અમે અમારા માતાપિતાની અન્ય સંતાનોની જેમ જ કાળજી લીધી છે અને તેમના શ્રેષ્ઠ હિતો માટે કામ કર્યું છે. અમે અમારા માતાપિતાની ઇચ્છાઓ પૂરી કરવાને ટોચની પ્રાથમિકતા આપીશું.

ગોપીચંદ, પ્રકાશ અને અશોક હિન્દુજાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એસપી હિન્દુજાની હાલ ચાલી રહેલી સારવાર પર હાઇકોર્ટના ચુકાદાની કોઇ અસર પડશે નહીં. પરિવાર તેમની સારવાર અને કોઇપણ પ્રકારના બિઝનેસ ઓપરેશનમાં એકજૂથ છે. પરિવાર ભવિષ્યમાં પણ સારા સંબંધો જાળવી રાખશે.

ગુજરાત સમાચારના વાચકો આ સવાલના જવાબો ઇચ્છે છે

એશિયન વોઇસ અને ગુજરાત સમાચારના વાચકોના કેટલાક સવાલો લઇને એબીપીએલ ગ્રુપે જી પી હિન્દુજાનો સંપર્ક કર્યો હતો. અમને જણાવવામાં આવ્યું હતું કે, વિવાદનો અંત આવી ગયો છે અને આ અમારી અંગત પારિવારિક બાબત છે. જીપી હિન્દુજાને પાઠવેલા ઇ-મેલમાં અમે જણાવ્યું હતું કે, અમારા એડિટર ઇન ચીફ સી બી પટેલને સંખ્યાબંધ વાચકોના ફોનકોલ્સ આવ્યાં છે અને તેઓ કેટલાંક સવાલ કરી રહ્યાં છે. તેથી અમે તમને હિન્દુજા પરિવારને સાંકળતા કોર્ટના ચુકાદા અંગે જવાબ આપવા વિનંતી કરીએ છીએ. અમારા સાપ્તાહિકો હિન્દુજા પરિવારના વલણને સમજીને વાચકોના સવાલના જવાબ આપવા ઇચ્છે છે. અમારા વાચકોને એ વાતનું આશ્ચ્રર્ય છે કે શા માટે સમૃદ્ધ પરિવાર તેમના જ પરિવારના વડીલની સારવાર પબ્લિક નર્સિંગ હોમમાં કરાવવા ઇચ્છતો હતો. આ પરિવાર ઘરમાં જ પ્રાઇવેટ સારવાર અપાવી શકવાની ક્ષમતા ધરાવે છે.

અમારા વાચકોએ એવો પણ સવાલ કર્યો હતો કે હિન્દુજા જાહેર જીવનમાં પરોપકાર, ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો, પારિવારિક એકતાની વાતો કેમ કરે છે? હિન્દુજા ભારતીય સમુદાયના આઇકોન છે તેમ છતાં તેમણે શા માટે બે વર્ષ સુધી પારિવારિક વિવાદ અંગેના અહેવાલો દબાવી રાખ્યાં? એક વાચકે તો એવો સવાલ કર્યો છે કે હિન્દુજા પરિવારમાં શ્રીચંદ હિન્દુજાની દીકરીઓને પણ પરિવારના પુત્રો જેવો જ દરજ્જો અને અધિકારો પ્રાપ્ત થાય છે?

અમારા વાચકોનું માનવું છે કે ઘણા ભારતીય પરિવારોમાં આ પ્રકારની સમસ્યા પ્રવર્તી રહી છે જ્યાં આખરે તો વકીલો અને એકાઉન્ટન્ટોને જ લાભ થતો હોય છે. અમારો અંક મંગળવારે સાંજે છપાવા ગયો ત્યાં સુધી અમને જી પી હિન્દુજા તરફથી કોઇ પ્રતિભાવ મળ્યો નહોતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter