લંડનઃ સ્કોટિશ પાર્લામેન્ટના આલ્બા પાર્ટી મેમ્બરે હિન્દુફોબિયા પર નિયંત્રણ માટે સ્કોટલેન્ડમાં પહેલો સંસદીય ઠરાવ રજૂ કર્યો છે. એશ રીગન દ્વારા રજૂ કરાયેલા ઠરાવમાં સ્કોટિશ હિન્દુ સમુદાયના 16000 સભ્યો સામે વધતી નફરત, પક્ષપાત અને હાંસિયામાં ધકેલવાની વધતી પ્રવૃત્તિનો ઉલ્લેખ કરાયો છે. ઠરાવમાં સ્કોટિશ હિન્દુઓ દ્વારા કરાતા રિસર્ચ, સામાજિક કાર્યો, આંતરધર્મી ચર્ચાઓમાં અગ્રેસરતા અને સ્કોટલેન્ડના વિવિધ સમુદાયો પ્રત્યેના સન્માનને પણ મહત્વ અપાયું છે.
ઠરાવમાં યુકેમાં રજિસ્ટર્ડ ચેરિટી ગાંધીયન પીસ સોસાયટીના કામને પણ બિરદાવવામાં આવ્યું છે. ચેરિટી દ્વારા સ્કોટલેન્ડમાં હિન્દુફોબિયા પર એક રિપોર્ટ તૈયાર કરી સ્કોટલેન્ડના ક્રોસ પાર્ટી ગ્રુપને સોંપાયો હતો.
રિપોર્ટમાં હિન્દુફોબિયાની ઘટનાઓની વિગતવાર માહિતી અપાઇ હતી. જેમાં ડન્ડી મંદિરમાં ધિક્કારપૂર્ણ લખાણો અને ગ્લાસગોમાં માસ્ક પહેરેલા લોકો દ્વારા હિન્દુ પરિવારના ઘર પર પથ્થરમારો, એડિનબરોમાં ધર્મના કારણે હિન્દુ નર્સને પ્રમોશન આપવાનો ઇનકાર, ગ્લાસગોમાં હિન્દુ શિક્ષક પર આતંકવાદી હોવાનો આરોપ જેવી ઘટનાઓનો ઉલ્લેખ કરાયો હતો.