લંડનઃ યુકે સ્થિત કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન ઇનસાઇટ યુકેએ હિન્દુ વિરોધી નફરતની ઘટનાઓનું દસ્તાવેજીકરણ કરવા એક સરવે શરૂ કર્યો છે. બ્રિટિશ હિન્દુઓને તેમની સાથે થયેલા ભેદભાવ અને નફરતની ઘટનાઓ વર્ણવવા પ્રોત્સાહિત કરવા માટે આ પ્રકારનો એન્ટી હિન્દુ હેટ સરવે શરૂ કરાયો છે.
યુકેમાં એન્ટિસેમેટિઝમ અને ઇસ્લામોફોબિયા પર નિયંત્રણ માટે સુનિયોજિત માળખું છે પરંતુ હિન્દુફોબિયાની સરકારી નીતિઓ, મીડિયા અને કાયદાની પ્રાથમિકતાઓમાં ભાગ્યે જ નોંધ લેવાય છે. ઇનસાઇટ યુકેના મનુ ખજૂરિયાએ જણાવ્યું હતું કે, તેના કારણે ઘણી ઘટનાઓ સામે આવતી જ નથી અને બ્રિટિશ હિન્દુ હાંસિયામાં ધકેલાઇ ગયાનું અનુભવે છે.
આ સરવે દ્વારા ન કેવળ માહિતી એકઠી કરાશે પરંતુ બ્રિટિશ હિન્દુઓને શિક્ષિત અને સશક્ત પણ બનાવાશે. હિન્દુ વિરોધી નફરતની ઓળખ, તે અંગે ક્યાં ફરિયાદ કરવી, આ પ્રકારની ઘટનાઓ દબાવી રાખવાથી કેવા પરિણામ આવી શકે જેવી બાબતો પર સરવેમાં સમીક્ષા કરાશે.
ખજૂરિયાએ જણાવ્યું હતું કે, હિન્દુફોબિયાની ઘટનાઓ રિપોર્ટ કરવા માટે કોઇ પોર્ટલ કે સેફ સ્પેસ ઉપલબ્ધ નથી. હિન્દુ સમુદાયને આ પ્રકારના પ્લેટફોર્મની તાતી જરૂર છે.