લંડનઃ હિન્દુઓ પ્રત્યે નફરત (હિન્દુફોબિયા)ના મામલે ગયા સપ્તાહમાં લંડનના સિટી હોલ ખાતે લંડન એસેમ્બ્લીમાં લેબર સભ્ય કૃપેશ હિરાણીના નેતૃત્વમાં એક મહત્વની ચર્ચા યોજાઇ ગઇ. જેમાં મેટ્રોપોલિટન પોલીસ સર્વિસ, ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસના અગ્રણી અધિકારીઓ, લંડનમાં પોલીસ અને ક્રાઇમ વિભાગના ડેપ્યુટી મેયર કાયા કમર સ્ક્વાર્ટ્ઝ અને હિન્દુ સમુદાયના આગેવાનો હાજર રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2024માં લંડન એસેમ્બ્લીમાં હિન્દુફોબિયા પર હીરાણી દ્વારા રજૂ કરાયેલો એક ઠરાવ પસાર કરાયો હતો.
હોમ ઓફિસના આંકડા દર્શાવે છે કે વર્ષ 2022થી હિન્દુઓ વિરુદ્ધ હેટ ક્રાઇમમાં પરેશાન કરનારો 20 ટકાનો વધારો થયો છે. હિન્દુ બાળકોને શાળામાં માંસ ખાવાની ફરજ પાડવી, મંદિરો પર હુમલા, મૂર્તિઓનું ખંડન જેવી ઘટનાઓનો તેમાં સમાવેશ થાય છે. જોકે ઘણા નિષ્ણાતોનું માનવું છે કે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં વિશ્વાસના અભાવના કારણે ઘણા મામલાની ફરિયાદ જ કરાતી નથી તેથી હિન્દુફોબિયાની સમસ્યા દેખાય છે તેના કરતાં ઘણી વિપરિત છે.
લંડન એસેમ્બ્લીમાં બ્રેન્ટ એન્ડ હેરોનું પ્રતિનિધિત્વ કરતા હીરાણીએ જણાવ્યું હતું કે, હિન્દુફોબિયાના મામલે અમે મેટ્રોપોલિટન પોલીસ અને ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ સાથે મળીને કામ કરી રહ્યાં છીએ. ચિંતાનો વિષય એ છે કે મોટાભાગની ઘટનાઓની નોંધ થતી નથી તેથી આંકડા પણ સામે આવતા નથી. અમે જાણીએ છીએ કે હેટ ક્રાઇમની ઘટનાઓ નોંધાવાતી નથી. ઘણા કિસ્સાને વ્યક્તિગત વિખવાદ અથવા સંઘર્ષ ગણાવી દેવામાં આવે છે પરંતુ તેમાં ઊંડા ઉતરીએ તો સાચી સમસ્યા સામે આવે છે.
હીરાણીએ જણાવ્યું હતું કે, પાડોશી દ્વારા હિન્દુ પરિવારના ગાર્ડનમાં માંસ ફેંકવા જેવી ઘટનાઓ ફક્ત વિખવાદ અથવા અપરાધ લાગે છે પરંતુ તેના મૂળમાં હિન્દુફોબિયા હોય છે. તેથી હિન્દુ સમાજે આ પ્રકારની ઘટનાઓની જાણ કરવી જોઇએ. તેમણે ઉમેર્યું હતું કે, હેટ ક્રાઇમના મામલે સમુદાયો વચ્ચે સંવાદ પણ થવો જોઇએ.