લંડનઃ એસએનપીના ફંડિંગ અને હિસાબકિતાબમાં ચાલી રહેલી તપાસમાં સ્કોટલેન્ડના પૂર્વ ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જનની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, 52 વર્ષીય સ્ટર્જનને શંકાના આધારે કસ્ટડીમાં લેવાયા બાદ ડિટેક્ટિવો દ્વારા પૂછપરછ શરૂ કરાઇ હતી. આ પહેલાં એપ્રિલ મહિનામાં સ્ટર્જનના પતિ અને એસએનપીના પૂર્વ વડા પીટર મ્યૂર્રેલની ધરપકડ બાદ છૂટકારો થયો હતો. સ્વતંત્ર કાર્યકરો દ્વારા એસએનપી પાર્ટીને અપાયેલા 6 લાખ પાઉન્ડ કરતાં વધુના દાનની રકમનું શું થયું તે અંગે છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી તપાસમાં અધિકારીઓ દ્વારા નિકોલા સ્ટર્જનની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરાઇ હતી. નિકોલા સ્ટર્જન કહેતાં રહ્યાં છે કે હું આ તપાસમાં સંપુર્ણ સહકાર આપીશ.
બીજીતરફ સ્ટર્જનને પાર્ટીમાંથી હાંકી મૂકવાની માગ બુલંદ બની રહી છે. એસએનપીના સાંસદ એન્ગ્યુસ મેકનિલે નિકોલા સ્ટર્જનને પાર્ટીમાંથી હાંકી મૂકવાની વિપક્ષની માગને સમર્થન આપતાં જણાવ્યું હતું કે, આ સોપ ઓપેરા ઘણા લાંબા સમયથી ચાલી રહી છે અને તેનો અંત આવવો જોઇએ. આ કેસમાં એસએનપીના પૂર્વ ટ્રેઝરર કોલિન બીટ્ટીની પણ ધરપકડ કરાઇ હતી. જોકે તેમને કોઇપણ પ્રકારના આરોપ વિના મુક્ત કરાયા હતા. ત્યારબાદ બીટ્ટીએ ટ્રેઝરર પદેથી રાજીનામુ આપ્યું હતું. યુકેના ક્રિમિનલ જસ્ટિસ (સ્કોટલેન્ડ) એક્ટ 2016 અંતર્ગત પોલીસ શંકાસ્પદને વધુ તપાસ માટે મુક્ત કરી શકે છે પરંતુ તેમની ફરીથી ધરપકડ પણ કરી શકે છે. જોકે હાલના ફર્સ્ટ મિનિસ્ટર હમઝા યુસફે નિકોલાને સસ્પેન્ડ કરવાની માગણી નકારી કાઢી છે.


