લંડન
સ્કોટલેન્ડના પૂર્વ ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જનના પતિ પીટર મ્યુર્રેલની સ્કોટિશ નેશનલ પાર્ટીના હિસાબોમાં ચાલી રહેલી તપાસના સંદર્ભમાં ગયા સપ્તાહમાં ધરપકડ કરાઇ હતી. સ્કોટલેન્ડ પોલીસે જણાવ્યું હતું કે, મ્યુર્રેલને પોલીસ કસ્ટડીમાં લીધા પછી તેમની પૂછપરછ હાથ ધરાઇ હતી. તપાસના ભાગરૂપે પોલીસ સંખ્યાબંધ ઠેકાણા પર દરોડા પાડીને સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. મ્યુર્રેલે હજુ ગયા મહિને જ સ્કોટિશ નેશનલ પાર્ટીના ચીફ એક્ઝિક્યુટિવપદેથી રાજીનામુ આપ્યું હતું. તેઓ 1999થી આ હોદ્દા પર કાર્યરત હતા. તેમણે 2010માં નિકોલા સાથે લગ્ન કર્યાં હતાં. પોલીસે એડિનબરોમાં આવેલા એસએનપીના હેડક્વાર્ટરમાં પણ વ્યાપક તપાસ હાથ ધરી હતી.
નિકોલાએ હજુ ગયા મહિનામાં જ સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર પદેથી રાજીનામુ આપ્યું હતું. ગયા સપ્તાહમાં તેમના સ્થાને હમઝા યુસુફે શપથ ગ્રહણ કર્યાં હતાં. પોલીસે ગ્લાસગો ખાતેના તેમના નિવાસસ્થાને પણ તપાસ હાથ ધરી હતી. એસએનપીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, હાલ પોલીસ તપાસ ચાલી રહી હોવાથી કોઇપણ પ્રકારની ટિપ્પણી ઉચિત ગણાશે નહીં. એસએનપી પોલીસ તપાસમાં સંપુર્ણ સહકાર આપી રહી છે.
નિકોલા રાજીનામા પહેલાં જાણતા હતા કે તેમના પતિને જેલભેગા કરાશે?
મ્યુર્રેલની ધરપકડ બાદ નિકોલા સ્ટરજન પર સ્પષ્ટતા કરવાનું દબાણ વધી ગયું હતું કે, શું તેમના પતિની ધરપકડ કરાશે તેવી જાણ હોવાના કારણે તેમણે ફર્સ્ટ મિનિસ્ટર પદેથી રાજીનામુ આપ્યું હતું? નિકોલાના રાજીનામાની જાહેરાતથી સ્કોટિશ રાજકારણમાં આશ્ચર્ય ફેલાયું હતું.
લાખો પાઉન્ડના હિસાબી ગોટાળાનો નિકોલાના પતિ પર આરોપ
એસએનપીમાં 2021માં આઝાદી માટેના અભિયાન માટે અલગ ફાળવાયેલા 6 લાખ પાઉન્ડને અન્યત્ર વાપરી નાખવામાં આવ્યા હોવાના આરોપ મૂકાયા છે. તે સમયે નિકોલાના પતિ મ્યુર્રેલ એસએનપીના ચીફ એક્ઝિક્યુટિવ હતા. તે ઉપરાંત તેમના પતિ દ્વારા એસએનપીને અપાયેલી 1,07,000 પાઉન્ડની લોન પણ સવાલોના ઘેરામાં છે.


