લંડનઃ સરકારે હીટ પમ્પ અંગેના એક અન્યાયી નિયમને રદ કરી દીધો છે. આ નિયમને કારણે પરિવારોને હીટ પમ્પ તેમના ગાર્ડનની વચ્ચે લગાવવાની ફરજ પડતી હતી. ઓટમ સ્ટેટમેન્ટમાં કરાયેલી જાહેરાત પ્રમાણે હવે લોકોએ હીટ પમ્પ તેમના પાડોશીની સંપત્તિથી ઓછામાં ઓછા એક મીટર દૂર લગાવવા નહીં પડે. મંત્રીઓએ જણાવ્યું હતું કે, આ નિયમ રદ કરવાના કારણે અર્થતંત્રને પણ મદદ મળશે.
વર્તમાન પ્લાનિંગ નિયમો અનુસાર સરકાર દ્વારા અપાતી હીટ પમ્પ માટેની 5000 પાઉન્ડની ગ્રાન્ટ મેળવવા માટે હીટ પમ્પ પાડોશીની કોઇપણ બાઉન્ડ્રી વોલથી ઓછામાં ઓછું એક મીટર દૂર લગાવવો પડતો હતો. જૂના મોડેલના હીટ પમ્પ વધુ પડતો અવાજ કરતા હોવાના કારણે આ નિયમ બનાવવામાં આવ્યો હતો. પરંતુ લોકો આ નિયમની ટીકા કરતા હતા.
સરકારે હવે જાહેરાત કરી છે કે તે સંપુર્ણ પ્રતિબંધના સ્થાને નવા વિકાસ અધિકારો આપવા જઇ રહી છે.

