હીથ્રો એરપોર્ટના ત્રીજા રનવેના નિર્માણને સરકારની લીલી ઝંડી

Wednesday 26th October 2016 07:05 EDT
 
 

લંડનઃ હીથ્રો એરપોર્ટની ક્ષમતા વિસ્તારવા માટે સરકારે ત્રીજા રનવેને લીલીઝંડી આપી છે. આ મંજૂરીએ યુકેના બિઝનેસને રાજકારણ અને પર્યાવરણના પ્રશ્રો કરતા વધુ મહત્ત્વ આપ્યું છે. આ મંજૂરીને લીધે હીથ્રોને હાલના રનવેની નોર્થ-વેસ્ટમાં નવો રનવે મળશે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ક્રિસ ગ્રેલિંગે જણાવ્યું હતું કે યુકેને બિઝનેસ માટે ખુલ્લું રાખવા માટે ખરેખર આ નિર્ણય ખૂબ જ મહત્ત્વનો છે. તેમણે ઉમેર્યું હતું કે તેને લીધે £૬૧ બિલિયન સુધીના મૂલ્યના આર્થિક લાભ થશે તેમજ ૭૭,૦૦૦ લોકો માટે વધારાની રોજગારી ઉભી થશે.

હીથ્રો મેનેજમેન્ટ દ્વારા જણાવાયું હતું કે વિસ્તરણના લાભ સમગ્ર યુકેને મળે તે સુનિશ્ચિત કરવા માટે એરપોર્ટ ત્રીજો રનવે બનાવવા તૈયાર છે. આ રનવેના નિર્માણ દરમિયાન જે લોકોના મકાનો તોડી પાડવાના થશે તેમને બજાર કિંમત કરતાં ૨૫ ટકા વધુ રકમ તેમજ કોસ્ટ અને સ્ટેમ્પ ડ્યુટી આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

વડાપ્રધાન થેરેસા મેએ જણાવ્યું હતું કે આ નિર્ણયને લીધે બ્રેક્ઝિટ બાદના બ્રિટનને પ્રોત્સાહન મળશે. તેમણે કહ્યું હતું, ‘દાયકાઓના વિલંબ બાદ આપણે દર્શાવીએ છીએ કે બ્રિટન માટે જે નિર્ણયો યોગ્ય હશે તેવા મોટા નિર્ણયો આપણે લઈશું. એરપોર્ટનું વિસ્તરણ સમગ્ર બ્રિટનના આર્થિક ભવિષ્ય માટે ખૂબ મહત્ત્વનું છે. બિઝનેસ જગત પણ જાણશે કે વૈશ્વિક બજારમાં પહોંચવા માટે જે પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમને જોઈએ છે તેનું આપણે નિર્માણ કરી રહ્યા છીએ.’

એવિએશન વિશે નેશનલ પોલિસી સ્ટેટમેન્ટના ભાગરૂપે સરકાર આખરી નિર્ણય લે તે અગાઉ એરપોર્ટના વિસ્તરણની થનારી અસરો વિશે જાહેર ચર્ચા વિચારણા થશે. તેના સમયપત્રક મુજબ સાંસદો ૨૦૧૭-૧૮ના શિયાળુ સત્રમાં આ નિર્ણય પર તેમનો મત આપશે. રનવેનું નિર્માણ ૨૦૨૦ અથવા ૨૦૨૧ પહેલા શરૂ થાય તેવી શક્યતા નથી. નવો રનવે ૨૦૨૫ પહેલા કાર્યરત થશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter