લંડન
જ્યારે કોઇ યુવાન તેના કરતાં ઘણી વધુ ઉંમર ધરાવતી મહિલા સાથે રહેવા જાય છે ત્યારે સમાજની ભૃકુટીઓ ખેંચાતી હોય છે. સમાજમાં મોટી ઊંમરની મહિલા નાની વયના પુરુષ સાથે એક છત નીચે રહે છે ત્યારે લોકમૂખે અનેક ચર્ચાઓ થતી હોય છે. સુદાનથી બ્રિટન આવેલા 34 વર્ષીય રોજર મોર્ટન 78 વર્ષીય વર્જિનિયા આર્યનસાઇડના મકાનમાં એક છત નીચે રહેવા ગયા છે પરંતુ અહીં તેમની વચ્ચેના સંબંધોના ખોટા અર્થ કાઢવાની કોઇ જરૂર નથી. તેઓ એક વ્યવસ્થા હેઠળ એક છત નીચે રહે છે જે આખુ ઘર ભાડે રાખવામાં અક્ષમ લોકો માટે આશીર્વાદરૂપ વિકલ્પ બની રહી છે.
બ્રિટનમાં ફુગાવાના રેકોર્ડ સ્તરે સામાન્ય માનવીની કમર તોડી નાખી છે, મકાનના ભાડાં પણ આભને આંબવા લાગ્યાં છે. ઘણા લોકો આખું ઘર ભાડે રાખવા સક્ષમ નથી ત્યારે બેઘર લોકો માટે હેલ્પફૂલ હાઉસમેટ સ્કીમ ઉપલબ્ધ છે. જેમાં બજારભાવ કરતાં ઓછા ભાડામાં ઘરના એક હિસ્સામાં ભાડુઆત મકાન માલિકની સાથે જ રહી શકે છે અને ઓછા ભાડાના બદલામાં તેને મકાનમાલિકના ઘરના કામોમાં થોડી મદદ કરવી પડે છે.
સુદાનમાં એઇડ વર્કર તરીકે 6 મહિના કામ કર્યા બાદ 31 વર્ષીય રોજર મોર્ટન બ્રિટન પરત ફર્યા ત્યારે લંડનમાં ભાડે મકાન મેળવવા સંઘર્ષ કરી રહ્યા હતા. આ કપરા સંઘર્ષમાં મદદરૂપ થતી હાઉસમેટ સ્કીમ તેમના કામમાં આવી અને તેઓ વેસટ લંડનમાં 78 વર્ષીય વર્જિનિયા આર્યનસાઇડના ઘરમાં હાઉસમેટ તરીકે રહેવા પસંદગી પામ્યા હતા.
મોર્ટન કહે છે કે ભાડાનું રહેઠાણ મેળવવા માટે હું ઘણો સંઘર્ષ કરી રહ્યો હતો અને મારી પાસે કોઇ વિકલ્પ ઉપલબ્ધ નહોતાં. મને એમ લાગી રહ્યું હતું કે, ભાડાનું મકાન મેળવવું અસંભવ છે કારણ કે હું લંડનમાં બહુ ઓછા લોકોને જાણતો હતો.
આવા કપરા સમયમાં મોર્ટનને હેલ્પફૂલ હાઉસમેટ સ્કીમ અંગે જાણવા મળ્યું હતું. સપ્ટેમ્બર 2021માં મોર્ટન 78 વર્ષીય વર્જિનિયા આર્યનસાઇડના મકાનમાં ભાડુઆત તરીકે રહેવા ગયા હતા. વર્જિનિયા સ્ટેન્ડઅપ કોમેડિયન અને લેખક છે. વર્જિનિયા લંડનના શેફર્ડ બુશમાં ચાર માળનું મકાન ધરાવે છે. મોર્ટન તેમને ઘરના કામોમાં મદદ કરતા હોવાથી વર્જિનિયા તેમની પાસેથી બજાર કિંમત કરતા 50 ટકા ઓછું ભાડુ વસૂલે છે.
મોર્ટન કહે છે કે હું વર્જિનિયાના મકાનમાં રહેવા ગયો ત્યારે થોડો નર્વસ હતો. હું જાણતો નહોતો કે આ સ્કીમ અંતર્ગત મારે તેમને કેવા પ્રકારની મદદ કરવાની રહેશે. તેઓ મારી સાથે મિત્ર તરીકે કે બોસની જેમ વર્તન કરશે. પરંતુ હવે અમારી વચ્ચેના સંબંધો મિત્રતાપૂર્ણ બની ગયાં છે. અમે હંમેશા હસીમજાક કરતા રહીએ છીએ. મારે કોઇ સમસ્યા હોય તો હું હંમેશા સલાહ લેવા માટે તેમની પાસે જાઉં છું. વર્જિનિયા ઘણા રસપ્રદ મહિલા છે અને વિશ્વ અંગેનો તેમનો દ્રષ્ટિકોણ અન્યો કરતાં ઘણો જુદો છે.
મોર્ટન આર્થિક સંકટમાં હતા. પરંતુ આ સ્કીમ અંતર્ગત ઓછા ભાડાનું મકાન રહેવા મળતા તેઓ ફૂડ ડિસ્ટ્રીબ્યુશન ચેરિટી સાથે જોડાઇ શક્યા. સુદાનમાં કામગીરી દરમિયાન બચાવેલા 6000 પાઉન્ડમાંથી મોર્ટને સોશિયલ એન્ટરપ્રેન્યોરશિપમાં અભ્યાસ શરૂ કર્યો અને તે દરમિયાન તેમણે ફેલિક્સ પ્રોજેક્ટ નામની જાણીતી ફૂડ ચેરિટીમાં કામ શરૂ કર્યું. હવે તેઓ આ સંસ્થામાં ફૂલ ટાઇમ કામ કરી રહ્યાં છે.
શું છે હેલ્પફૂલ હાઉસમેટ સ્કીમ?
હેલ્પફૂલ હાઉસમેટ સ્કીમમાં મકાન માલિક બજારમાં ચાલતા ભાડાં કરતાં ઓછી રકમ પર વ્યક્તિને પોતાની સાથે રહેવા ઘરનો હિસ્સો ફાળવે છે. જેમાં ઓછા ભાડાના બદલામાં વ્યક્તિએ મકાન માલિકના ઘરમાં થોડા કલાક કામ માટે ફાળવવા પડે છે. આ એક પ્રકારની પ્રાસંગિક વિચિત્ર કામગીરી છે પરંતુ તેમાં ભાડુઆતે મકાન માલિકને શોપિંગમાં અથવા તો કોમ્પ્યુટર અને ફોન પર કોઇ કામ કરી આપવામાં મદદ કરવી પડે છે. એક રીતે કહો તો ભાડુઆતે મિત્ર તરીકેની કામગીરી બજાવવી પડે છે. જેમાં ઘરના કેટલાંક કામમાં મદદ કરવાની હોય છે. ભાડુઆતે આ સ્કીમ અંતર્ગત સપ્તાહમાં પાંચ-છ કલાક મકાન માલિકને તેના કામોમાં મદદ કરવી પડે છે. હેલ્પફૂલ હાઉસમેટ યોગ્ય ભાડૂઆતો શોધી આપે છે અને કોઇ સમસ્યા સર્જાય તો તેનો ઉકેલ પણ લાવે છે. આ સ્કીમ ભાડુઆતો અને મકાનમાલિક વચ્ચે મુલાકાત કરાવી એગ્રીમેન્ટ કરાવી આપે છે જેને 28 દિવસમાં રદ પણ કરી શકાય છે. ભાડની રકમ સીધી મકાનમાલિકને ચૂકવાય છે અને અન્ય બિલ ભાડામાં ઉમેરવા કે નહીં તે મકાનમાલિકની મરજી પર આધાર રાખે છે.
મકાનમાલિકને પણ સેંકડો પાઉન્ડની બચત...
વર્જિનિયા કહે છે કે, મારા દીકરાએ આ સ્કીમ અંગે માહિતી આપી હતી. તેને મારી વૃદ્ધાવસ્થાની ચિંતા હતી. જો હું પડી જાઉં કે કોઇ મુશ્કેલીમાં મૂકાઉ તો મારી આસપાસ કોઇ વ્યક્તિ હોય તે જરૂરી બની ગયું હતું. મને કેરર્સની સેવાઓ પસંદ નથી પરંતુ મને આ સ્કીમમાં રસ પડ્યો હતો. મારે ઘણા મિત્રો છે પરંતુ ઘરમાં લાઇટબલ્બ બદલવા, ચોક અપ થયેલી ડ્રેઇન સાફ કરવા, બિલાડીને ડોક્ટર પાસે લઇ જેવા કામો માટે તેઓ ઉપલબ્ધ થતાં નથી. મોર્ટન એક મિકેનિકલ એન્જિનિયર પણ છે અને તેની આવડતના કારણે મને સેંકડો પાઉન્ડનો લાભ થઇ રહ્યો છે. તાજેતરમાં જ ઘરમાં એક ડ્રેઇન બ્લોક થઇ હતી અને પ્લમ્બર તેની સફાઇ માટે 500 પાઉન્ડની માગ કરી રહ્યો હતો પરંતુ મોર્ટને તે કામ સરળતાથી કરી નાખ્યું હતું. વર્જિનિયાના કેટલાક હાઉસમેટ તો હવે ગાઢ મિત્રો બની ગયાં છે.
ઓછું ભાડુ વસૂલે તો મકાન માલિકને ટેક્સમાં પણ રાહત મળે છે
સરકારની રેન્ટ એ રૂમ સ્કીમ અંતર્ગત મકાન માલિક તેના ટેક્સ ફ્રી મકાનમાં એક રૂમ 7500 પાઉન્ડ પ્રતિ વર્ષના ભાડાથી ભાડુઆત રાખી શકે છે. જો મકાનમાલિક આના કરતા ઓછું ભાડુ વસૂલે તો તેને ટેક્સ રિટર્ન ભરવાની પણ જરૂર પડતી નથી. જો મકાનમાલિક રાચરચીલા વિના જ રૂમ ભાડે આપે થવા તો અલગ અલગ ફ્લેટમાં કન્વર્ટ કરાયેલ મકાન ભાડે આપવામાં આવે તો મકાનમાલિક આ સ્કીમનો ઉપયોગ કરી શક્તા નથી. જો તમે ભાડાની આવક અન્ય કોઇ સાથે વહેંચતા હો તો લાભ અડધો થઇ જાય છે.


