લંડનઃ બિલિયોનર સખાવતી અને કાર્ડિઓવાસ્ક્યુલર સર્જન ડો. દેવી શેટ્ટીએ દાવો કર્યો છે કે હું એનએચએસને કટોકટીમાંથી બહાર લાવી શકું છું. ડો. શેટ્ટીએ મધર ટેરેસાને તેમના જીવનના અંતિમ તબક્કામાં સારવાર આપી હતી. ભારતમાં તેમણે એઆઇનો ઉપયોગ કરીને જનતાને વ્યાજબી કિંમતે પ્રાઇવેટ હેલ્થકેર ઉપલબ્ધ બનાવવામાં મહત્વની ભુમિકા ભજવી છે.
ડો. શેટ્ટી કહે છે કે હું માનું છું કે વિશ્વમાં એનએચએસ કેટલીક સિસ્ટમ પૈકીની એક છે જે સાચા અર્થમાં સુધારા લાવી શકે છે. હકીકતમાં એનએચએસ કુશળતા, કર્મચારીઓ અને ટ્રસ્ટ એમ કેટલાક ટુકડાઓમાં વિભાજિત છે. આ બધા ટુકડાઓને એકજૂથ કરવાની જરૂર છે.
લંડન આવ્યા બાદ ડો. શેટ્ટીએ ગાય્સ હોસ્પિટલના રૂપરંગ બદલી નાખ્યાં છે. તેઓ કહે છે કે આ સ્થળે મારી કારકિર્દીનું નિર્માણ કર્યું છે. એનએચએસના કારણે મારા જીવનમાં ઘણા સારા પાસા જોવા મળ્યાં છે. ડો. શેટ્ટી ભારતના સૌથી મોટા હોસ્પિટલ નેટવર્ક પૈકીના એક નારાયણા હેલ્થના પણ સ્થાપક છે. તેમનું આ ગ્રુપ યુકે ઉપરાંત કેરિબિયિન દેશોમાં પણ સક્રિય છે. તેમના ગ્રુપની હોસ્પિટલો યુકેમાં કોઇપણ વધારાના ચાર્જ વિના એનએચએસના મોટી સંખ્યામાં દર્દીઓની સારવાર કરે છે. તેમનું માનવું છે કે એનએચએસની સેવાઓમાં સુધારો લાવી શકાય તેમ છે અને હું તે કરી શકું છું.


