લંડનઃ હોરાઇઝન સ્કેન્ડલમાં ખોટી રીતે દોષી ઠેરવાયેલા અને ગર્ભવતી હતા ત્યારે જ જેલમાં ધકેલી દેવાયેલા પૂર્વ સબ પોસ્ટમિસ્ટ્રેટસ સીમા મિશ્રાએ પોસ્ટ ઓફિસના પૂર્વ વડા ડેવિડ સ્મિથે માગેલી માફીનો સ્વીકાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, હું કેવી રીતે આ માફીનો સ્વીકાર કરી શકું. તેમણે મારા 10 વર્ષના પુત્રની માફી માગવી જોઇએ. તેઓ તેની માતાને તેના જન્મદિવસે જ ઉઠાવી ગયાં હતાં.
2010માં ફક્ત 6 મહિના પોસ્ટ ઓફિસના વડા રહેલા ડેવિડ સ્મિથે ઇન્કવાયરી સમક્ષ સબ પોસ્ટમાસ્ટર સીમા મિશ્રા માટે કરેલી ટિપ્પણી અંગે માફી માગી હતી. તેમણે જણાવ્યું હતું કે, સીમા મિશ્રાને દોષી ઠેરવવાના નિર્ણયને મેં આવકાર્યો હતો. મેં સ્ટાફને કરેલા ઇ-મેલમાં તેને બ્રિલિયન્ટ ન્યૂઝ ગણાવ્યા હતા. જો સીમા મિશ્રાનો ચુકાદો સાચો હોત તો પણ મેં એક ગર્ભવતી મહિલા જેલમાં જઇ રહી છે તે ઘટનાને બ્રિલિયન્ટ ન્યૂઝ ગણાવી ન હોત. મને મારા વર્તન પર ખેદ છે અને તે માટે માફી માગુ છું.
મારા પતિના મોત માટે પોસ્ટ ઓફિસ જ જવાબદારઃ જયકાન્થનના વિધવા
પહેલીવાર જાહેરમાં બોવતાં જયકાન્થનના વિધવા ગૌરીએ જણાવ્યું હતું કે, મારા પતિના મોત માટે પોસ્ટ ઓફિસ જવાબદાર છે. મારા પતિએ અચાનક આવી પડેલી આર્થિક કટોકટીના કારણે આત્મહત્યા કરી લીધી હતી. બે અધિકારી અમારા ત્યાં આવ્યા હતા અને મારા પતિની શોધ ચલાવી રહ્યાં હતાં. મારા પતિ અત્યંત ગભરાઇ ગયાં હતાં. મારા પતિના મોત માટે પોસ્ટ ઓફિસ જ જવાબદાર છે.
એલન બેટ્સ પોસ્ટ ઓફિસના તમામ જવાબદારોને કોર્ટમાં ઘસડી જશે
પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવાયેલા ખટલાઓનો સામનો કરનારા 555 પીડિતોનું હાઇકોર્ટમાં નેતૃત્વ કરનારા એલન બેટ્સ એક દાયકા કરતાં વધુ સમય સુધી 700 કરતાં વધુ સબ પોસ્ટમાસ્ટરોને જાણીજોઇને હેરાન પરેશાન કરનારા સામે પોલીસ કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો તેમની સામે જાતે જ ખટલા દાખલ કરવાનું શરૂ કરશે. તેમણે જણાવ્યું હતું કે, દેશભરમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. પીડિતો તેમની જિંદગી બરબાદ કરી નાખનારાઓને કિંમત ચૂકવ્યા વિના જવા દેવા તૈયાર નથી.
હોરાઇઝન સ્કેન્ડલઃ પોસ્ટ ઓફિસ માટે પૈસો જ પરમેશ્વર હતો
હોરાઇઝન સ્કેન્ડલની ઇન્કવાયરીમાં મુખ્ય બાબત સામે આવી હોય તો તે પોસ્ટ ઓફિસના વડાઓ દ્વારા આ ગંભીર બાબતની કરાયેલી અવગણના. ઇન્કવાયરીમાં 2006થી 2010 દરમિયાન મેનેજિંગ ડિરેક્ટર રહેલા એલન કૂકે જણાવ્યું હતું કે, પોસ્ટ ઓફિસ સબ પોસ્ટમાસ્ટરોના ખટલાઓની અવગણના કરી રહી હતી તેની મને જાણ પણ નહોતી. 2003થી 2007 વચ્ચે પોસ્ટ ઓફિસના વડા રહેલા સર માઇકલ હોજકિનસને જણાવ્યું હતું કે, તેમને તો હોરાઇઝન સિસ્ટમમાં સમસ્યા અંગે કોઇ જાણ જ નહોતી. 2010માં મેનેજિંગ ડિરેક્ટર રહેલા ડેવિડ સ્મિથે જણાવ્યું હતું કે, તેમણે તેમના જુનિયરોની વાત પર ભરોસો રાખીને આ મામલમાં કોઇ ધ્યાન આપ્યું નહોતું. ઇન્કવાયરીમાં પોસ્ટ ઓફિસના મોટાભાગના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેમણે હોરાઇઝન સ્કેન્ડલ પર પુરતું ધ્યાન આપ્યું નહોતું કારણ કે તેમનું ધ્યાન ફક્ત નફો કમાવા પર હતું.
પૌલા વેનેલ્સે હોરાઇઝનમાં ખામી દર્શાવતા 16 કેસની માહિતી સંસદને આપી નહોતી
હોરાઇઝન સ્કેન્ડલની તપાસમાં જણાવવામાં આવ્યું હતું કે પોસ્ટ ઓફિસના પૂર્વ વડા પૌલા વેનેલ્સે એક દાયકા કરતાં વધુ સમય પહેલાં હોરાઇઝન કોમ્પ્યુટર સોફ્ટવેરમાં ખામી હોવા અંગે તપાસ કરાયેલા 16 કેસની માહિતી આપી નહોતી. 2010માં સંસદની કમિટી સમક્ષ કરાયેલી પૂછપરછમાં વેનેલ્સે જણાવ્યું હતું કે, સોફ્ટવેરમાં ખામી મળી આવી હોય તેવો એકપણ કેસ સત્તાવાળાઓ દ્વારા તપાસ કરાયો નથી. પરંતુ ઇન્કવાયરીના અગ્રણી કાઉન્સેલ જેસન બીયર કેસીના જણાવ્યા અનુસાર સોફ્ટવેરમાં 16 ખામી હોવાના રિપોર્ટ અપાયા હતા અને તે કેસોમાં વર્કર્સને દોષી ઠેરવાયાં નહોતાં.


