લંડનઃ બ્રિટનમાં પોલિગેમી અથવા તો બહુપત્નીત્વ ગેરકાયદે હોવાં છતાં સૌપ્રથમ પોલિગેમી મેરેજ વેબસાઈટ સ્થાપનારા આઝાદ ચાયવાલાએ જાણે બહુપત્નીત્વને સામાન્ય બનાવવાનું બીડું ઝડપ્યું હોય તેમ ત્રીજી મેરેજ વેબસાઈટ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. સન્ડરલેન્ડના ૩૪ વર્ષીય યુવા એન્ટ્રેપ્રીન્યોર આઝાદે સ્થાપેલી SecondWife.com અને Polygamy.com વેબસાઈટોને અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થઈ છે.
યુકેમાં બહુપત્નીત્વ ગેરકાયદે હોવાં છતાં પોલિગેમી વેબસાઈટની જરૂર હોવાનો વિચાર શાથી આવ્યો તેવા પ્રશ્નના ઉત્તરમાં આઝાદ Metro.co.uk સાથેની મુલાકાતમાં કહે છે કે,‘આપણા સમાજમાં ભારે દંભ છે કારણકે મિસ્ટ્રેસ રાખવાની છૂટ છે, વેશ્યાગૃહો અને સ્ટ્રીપ ક્લબ્સની મુલાકાત લઈ શકાય છે, પોર્નોગ્રાફી જોઈ શકાય છે. પુરુષ જ્યાં સુધી આ બધું ઘરમાં લાવે નહિ ત્યાં સુધી તેને યોગ્ય મનાય છે અને પત્નીનો દરજ્જો આપ્યા વિના જ તે મિસ્ટ્રેસ રાખે છે. હું તેમને અનેક પરિવાર બનાવવાનો સન્માનીય વિકલ્પ આપી રહ્યો છું. આમ કરીને તો હું પરિવારોને એકત્ર રાખું છું.’
આઝાદને ૧૨ વર્ષની વયથી જ બહુગામી રહેવામાં રસ હતો અને તેણે અનેક પત્નીઓ અને ડઝનથી વધુ સંતાનને જન્મ આપવાનો નિર્ધાર કર્યો હતો. જોકે, તેને લગ્ન પછી બીજી પત્ની શોધવામાં મુશ્કેલી પડી હતી. આથી, પોતાની અને અન્યોની સમસ્યાનો અંત લાવવા ૨૦૧૪માં SecondWife.com વેબસાઈટ લોન્ચ કરી હતી. આ બિઝનેસમાં નફાના સ્તરે પહોંચ્યા પછી તેણે ૨૦૧૬માં બહુપત્નીત્વ ઈચ્છતા બિનમુસ્લિમો માટે બીજી Polygamy.com વેબસાઈટ લોન્ચ કરી હતી. જૂનમાં આ વેબસાઈટ લોન્ચ કરાયા પછી તેની સભ્ય સંખ્યા ૧૦૦,૦૦૦ને પણ પાર થઈ છે. તેની કોઈ વેબસાઈટ બીજા પતિ શોધતી મહિલાઓને આવી સવલત આપતી નથી. આઝાદ અનેક ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો, પ્રોપર્ટીઝ, યુટ્યૂબ ચેનલ્સ અને વેબસાઈટ્સ ચલાવે છે.
યુકેમાં ઓફેન્સીસ અગેઈન્સ્ટ ધ પર્સન એક્ટ ૧૮૬૧ના સેક્શન ૫૭ હેઠળ પોલિગેમી અથવા બહુપત્નીત્વ ગેરકાયદે ગણાવાયું છે. આમ છતાં, યુકેની મુસ્લિમ કોમ્યુનિટીમાં ૨૦,૦૦૦ જેટલા પોલિગેમી લગ્નો હોવાનું મનાય છે. ઈસ્લામ ધર્મ એક સાથે ચાર પત્ની કરવાની છૂટ આપે છે. આઝાદ ખુદ ભવિષ્યમાં ત્રણ પત્નીઓ રાખવા માગે છે. બ્રિટિશ પોલિગેમિસ્ટ્સ માટે સંભવિત કોઈ કાનૂની મુદ્દા ટાળવા માટે આઝાદ તેમને ઈસ્લામિક નિકાહ જેવા ધાર્મિક લગ્ન સમારોહ રાખવાની સલાહ આપે છે. જોકે, તેને પણ કાયદેસર માન્યતા નથી. તે કહે છે કે તેની વેબસાઈટના સભ્યો બે, ત્રણ કે ચાર પત્ની રાખવા ઈચ્છે છે કારણકે તેમને મોટા પરિવારો જોઈએ છે.


