હું પારદર્શક અને જવાબદાર નેતૃત્વ માટે પ્રતિબદ્ધઃ શિવાની રાજા

હું સ્થાનિક અર્થવ્યવસ્થાને પુનઃજિવિત કરવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા, નોકરીઓના સર્જન અને મૂડી રોકાણ આકર્ષવાની યોજના પર કામ કરી રહી છુઃ શિવાની

સુભાષિની નાયકર Tuesday 25th June 2024 11:26 EDT
 
 

શિવાની રાજા લેસ્ટર ઇસ્ટ સંસદીય બેઠકના કન્ઝર્વેટિવ અને યુનિયનિસ્ટ પાર્ટીના ઉમેદવાર છે. જાહેર સેવા અને પોતાના સમુદાય માટે પ્રતિબદ્ધ શિવાની રાજકીય પરિપેક્ષ્યમાં નવી ધારણા લઇને આવી રહ્યાં છે. શિવાનીની ઉમેદવારી લેસ્ટરની અપેક્ષાઓ અને વિવિધ જરૂરીયાતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે લેસ્ટરવાસીઓના હિતો માટે કામ કરવાનું વચન પણ આપે છે. ગુજરાત સમાચાર સાથેની મુલાકાતમાં શિવાની રાજાએ લેસ્ટર ઇસ્ટના દક્ષિણ એશિયન સમુદાય સાથે સંબંધિત પાસાઓ પર વ્યાપક ચર્ચા કરી હતી.

શિવાની કહે છે કે હું પ્રથમ પેઢીની બ્રિટિશ નાગરિક છું. સિત્તેરના દાયકાના ઉત્તરાર્ધમાં કેન્યા અને ભારતમાંથી યુકેમાં આવેલા મારા માતા-પિતાએ આપણા સાંસ્કૃતિક વારસાને સાચવીને અહીં જીવન નિર્માણ કરવા માટે અથાક મહેનત કરી. લેસ્ટરમાં મારો ઉછેર, અમારા સમુદાય સામે રહેલા પડકારો અને સંભવિતતાઓનું અવલોકન કરતાં તેના વિકાસમાં યોગદાન આપવાની મારી અદમ્ય ઇચ્છાએ મને કન્ઝર્વેટિવ પાર્ટી સાથે જોડાણ કરવાની પ્રેરણા આપી. હું લેસ્ટરની રાજનીતિમાં વ્યક્તિગત જવાબદારી, આર્થિક સ્વતંત્રતા અને સામુદાયિક એકતામાં વિશ્વાસ પરત લાવવા માગું છું.

લેસ્ટર અંગેની પોતાની યોજનાઓ અંગે રાજાએ જણાવ્યું હતું કે, લેસ્ટર ઇસ્ટમાં આર્થિક મંદી, બદતર બની રહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આપણા યુવાનો માટે તકોનો અભાવ જેવા ઘણા પડકારો છે. આ પડકારોનો સામનો કરવા હું સ્થાનિક અર્થવ્યવસ્થાને પુનઃજિવિત કરવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા, નોકરીઓના સર્જન અને મૂડી રોકાણ આકર્ષવાની યોજના પર કામ કરી રહી છું. હું યુવાનોના ભવિષ્ય માટે સ્થાનિક વ્યવસાયોને સહાય કરવા, શૈક્ષણિક તકો વધારવા અને સમુદાયને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીશ. હું લેસ્ટરના તમામ રહેવાસીઓને સમૃદ્ધ અને સુરક્ષિત વાતાવરણ આપવા અને સલામતી પૂરી પાડવા કામ કરીશ.

શિવાની કહે છે કે લેસ્ટર દક્ષિણ એશિયન સમુદાયનો ગઢ છે. હું સમુદાયના આગેવાનો અને સંગઠનો સાથે સહકારથી કામ કરીને સમુદાયના ચોક્કસ મુદ્દા રજૂ કરવા પર ધ્યાન આપીશ. લેસ્ટરનો દરેક રહેવાસી મૂલ્યવાન છે અને તેની દરેક રજૂઆત પર ધ્યાન અપાય તેમ ઇચ્છે છે તેથી હું આ બાબતો સુનિશ્ચિત કરીશ.

કીથ વાઝ અને ક્લાઉડિયા વેબ જેવા કદાવર નેતાઓ સામેના જંગ મુદ્દે શિવાની કહે છે કે હું તદ્દન નવો અભિગમ રજૂ કરવા માગુ છું જેથી એક અલગ વ્યક્તિ તરીકે સ્થાનિક સમુદાય સાથે ગાઢ સંબંધો બાંધી શકું. સ્થાનિક બિઝનેસ વુમન અને આજીવન રહેવાસીના કારણે મને લેસ્ટર ઇસ્ટના લોકો સામેના પડકારોનું સારું જ્ઞાન છે. હું વ્યવહારૂ અને જનકેન્દ્રિત વલણ સાથે રોજગાર, શિક્ષણ અને સુરક્ષામાં તકોના સર્જન પર ધ્યાન આપીશ. હું પારદર્શક અને જવાબદાર નેતૃત્વ માટે પ્રતિબદ્ધ છું.

લેબરના ગઢમાં સફળતા અંગે શિવાની ઘણા આશાવાદી છે. તેઓ કહે છે કે લેબરના ગઢને તોડવા માટે વિઝનની સાથે વ્યવહારૂ ઉકેલો જરૂરી છે. મારી વ્યૂહરચનામાં સ્થાનિક મુદ્દાઓ કેન્દ્રસ્થાને છે. અમે સ્થાનિક સમુદાય માટે આર્થિક પુનરુત્થાન, સુધારેલી જાહેર સેવાઓ, પરિવારો અને વ્યવસાયો માટે મજબૂત સમર્થન જેવી નીતિઓ પર કામ કરીશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter