લંડનઃ ભારતમાં બે ભાઈઓ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી જેવી જ કહાણી યુકેના બે સ્ટીલ માંધાતા ભાઈઓ લક્ષ્મી મિત્તલ અને પ્રમોદ મિત્તલની છે. આ સરખી કહાણીમાં અનિલ અંબાણી અને પ્રમોદ મિત્તલ નાદાર બની ગયા છે. અનિલ અંબાણી હજુ સત્તાવાર નાદાર નથી પરંતુ, પોતાની પુત્રી સૃષ્ટિનાં લગ્નમાં ૫૦ મિલિયન પાઉન્ડનો ખર્ચ કરનારા સ્ટીલ માંધાતા પ્રમોદ મિત્તલે દાવો કર્યો હતો કે તેમના માથે ૨.૫ બિલિયન પાઉન્ડનું જંગી દેવું છે જે તેમને બ્રિટનના સૌથી મોટા નાદાર બનાવી દેશે.
‘ધ ટાઈમ્સ’ અખબારના અહેવાલ મુજબ ૬૪ વર્ષીય પ્રમોદ મિત્તલને ૧૩૦ મિલિયન પાઉન્ડ કરતાં વધુ રકમના દેવાં માટે સમરમાં નાદાર જાહેર કરાયા હતા.
પરંતુ, હવે તેમનું કહેવું છે કે તેમના શિરે ૨,૫૪૯,૦૮૯,૩૭૦ પાઉન્ડનું દેવું છે, જેમાં તેમના ૯૪ વર્ષીય પિતાને ચૂકવવાના થતા ૧૭૦ મિલિયન પાઉન્ડથી વધુની રકમનો પણ સમાવેશ થાય છે. પ્રમોદ મિત્તલ પોતાની સંપતિનું મૂલ્ય ૧૧૦,૦૦૦ પાઉન્ડ આંકે છે. ભારતમાં દિલ્હી નજીક તેમની પાસે માત્ર ૪૫ પાઉન્ડના મૂલ્યની જમીન છે. તેમણે તેમના લેણદારોને દરેક પાઉન્ડના દેવાની સામે ૦.૧૮ પેની ચૂકવવાની ઓફર કરી છે. તેમને આશા છે કે લેણદારો તેમની આ ઓફરને સ્વીકારી લેશે.
પ્રમોદ મિત્તલના ભાઈ અને આર્સેલર મિત્તલ ગ્રૂપના માલિક લક્ષ્મી મિત્તલની સંપતિ લગભગ ૭ બિલિયન પાઉન્ડ છે. અંગત સ્વૈચ્છિક વ્યવસ્થા દ્વારા પોતાની સમસ્યા જાતે ઉકેલતા પ્રમોદ મિત્તલને આશા છે કે તેઓ નાદારીની સમસ્યાનો ઉકેલ લાવી શકશે. પ્રમોદ મિત્તલના જણાવ્યા અનુસાર તેમના પિતાના ૧૭૦ મિલિયન પાઉન્ડના દેવાં ઉપરાંત, તેઓ ૫૯ વર્ષીય પત્ની સંગીતાના ૧.૧ મિલિયન પાઉન્ડના, તેમના ૩૦ વર્ષીય પુત્ર દિવ્યેશના ૨.૪ મિલિયન પાઉન્ડના અને તેમના ૪૫ વર્ષીય સાળા અમિત લોહિયાના કુલ ૧.૧ મિલિયન પાઉન્ડના દેવાંદાર છે.