હું ભારત અને બ્રિટન વચ્ચેની ઐતિહાસિક કડીઓનો પ્રતિનિધિ ઃ સુનાક

ભારત સાથેની મુક્ત વેપાર સમજૂતિ માટે રિશી સુનાક આશાવાદી, બંને દેશ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઝડપથી કરવા હું અને સુનાક સહમત – નરેન્દ્ર મોદી

Wednesday 02nd November 2022 06:13 EDT
 
 

લંડન

બ્રિટનના નવા વરાયેલા વડાપ્રધાન રિશી સુનાક અને તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીએ ટેલિફોન પર વાત કરી હતી. રિશી સુનાકે બંને દેશ વચ્ચે સંભવિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર આશા વ્યક્ત કરી હતી. સુનાકે મોદીને જણાવ્યું હતું કે, હું ભારત અને બ્રિટન વચ્ચેની ઐતિહાસિક કડીઓનું પ્રતિનિધિત્વ કરું છું. હું આ સંબંધોને વધુ વિકસાવીને ગાઢ બનાવવા માગુ છું સુનાકે આશા વ્યક્ત કરી હતી કે બ્રિટન અને ભારત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને અંતિમ સ્વરૂપ આપવાની મંત્રણાઓમાં પ્રગતિ કરી શકશે. 10 ડાઉનિંગ સ્ટ્રીટના જણાવ્યા અનુસાર નવેમ્બરમાં ઇન્ડોનેશિયામાં મળનારી જી-20 સમિટમાં સુનાક અને મોદી વચ્ચે મુલાકાત યોજાશે. બંને નેતા વિશ્વના વિકસી રહેલા અર્થતંત્રોને વધુ મજબૂત બનાવવા સાથે મળીને કામ કરવા પણ સહમત થયા હતા. બંને નેતાએ સુરક્ષા, સંરક્ષણ અને આર્થિક ભાગીદારી પર વિશેષ ભાર મૂક્યો હતો.

સુનાકે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, હું મારી નવી ભુમિકાનો પ્રારંભ કરી રહ્યો છું ત્યારે આપેલી શુભેચ્છા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનુ છું. ભારત અને બ્રિટન વચ્ચે ઘણી સામ્યતાઓ છે. આગામી સમયમાં સંરક્ષણ અને આર્થિક ભાગીદારી મજબૂત બનાવીને બંને મહાન લોકશાહી શું હાંસલ કરી શકે છે તે માટે હું ઘણો ઉત્તેજિત છું.

42 વર્ષીય બ્રિટિશ ઇન્ડિયન રિશી સુનાકની દેશના વડાપ્રધાનપદે નિયુક્તિ ભારત માટે ભલે પ્રતિકાત્મક મૂલ્ય ધરાવતી હોય પરંતુ તેનો અર્થ એ નથી કે સુનાકની નિયુક્તિના કારણે ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધો વિશેષ બની જશે. અમેરિકાના ભારતીય મૂળના રાજકીય નેતાઓની જેમ બ્રિટિશ પીએમ રિશી સુનાક પણ પોતાના પર ભારતની બિનજરૂરી તરફેણ કરવાના આરોપ અને પોતાના સગાં અને ઉદ્યોગપતિ શ્વસુરના કારણે ભારત પર ધ્યાન કેન્દ્રિત કરવાની ટીકાઓ પ્રત્યે અત્યંત સાવધ રહેશે.

રિશી સુનાક તેમના પુરોગામીઓ બોરિસ જ્હોન્સન અને લિઝ ટ્રસ દ્વારા ભારત તરફ અપનાવેલી નીતિઓમાં કોઇ બદલાવ કરે તેવી કોઇ સંભાવના નથી. ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થશે અને ચીનના વધતા પ્રભાવને અટકાવવા બંને દેશ સંરક્ષણ સહકાર પણ જારી રાખશે.

 વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત બનાવવા અમે સાથે મળીને કામ કરીશું – નરેન્દ્ર મોદી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિશી સુનાક સાથેની વાતચીત બાદ ટ્વિટર પર જણાવ્યું હતું કે, રિશી સુનાક સાથે વાત કરીને ઘણો આનંદ થયો. મેં તેમને બ્રિટનના વડાપ્રધાનપદે ચૂંટાઇ આવવા માટે અભિનંદન પાઠવ્યા. બંને દેશ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત બનાવવા અમે સાથે મળીને કામ કરીશું. અમે બંને દેશ વચ્ચે સંતુલિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઝડપથી કરવા માટે પણ સહમત થયાં છીએ.

ભારત અને બ્રિટન વચ્ચેની ભાગીદારી વધુ મજબૂત બનશે – સંજીવ મેહતા

FICCIના પ્રમુખ સંજીવ મેહતાએ જણાવ્યું હતું કે હું રિશી સુનાકને બ્રિટનના વડાપ્રધાન નિયુક્ત થવા માટે FICCI તથા ભારતીય બિઝનેસગૃહો વતી અભિનંદન આપું છું. તેમના વડાપ્રધાન બન્યા બાદ અમે ભારત અને બ્રિટન વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બને તેવી આશા રાખી રહ્યાં છીએ. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રિશી સુનાક વચ્ચે થયેલી ચર્ચા આશાનું નવું કિરણ જન્માવે છે.

સુનાકની નિયુક્તિ બે મહાન દેશો વચ્ચેનો જીવંત સેતૂ પૂરવાર થશે – બોબ બ્લેકમેન

રિશી સુનાકની નિયુક્તિને આવકારતાં સાંસદ બોબ બ્લેકમેને જણાવ્યું હતું કે, દીવાળીના સપરમા પર્વમાં સુનાકની નિયુક્ત થઇ છે. તેઓ એશિયન મૂળના પ્રથમ વડાપ્રધાન છે. મને ગૌરવ છે કે બ્રિટન ઐતિહાસિક કલંકમાંથી બહાર આવીને વિવિધતામાં એકતાનું પાલન કરી રહ્યો છે. આ બાબત બે મહાન દેશ વચ્ચેનો જીવંત સેતૂ છે. બંને દેશ વચ્ચેનો મુક્ત વેપાર કરાર અર્થતંત્રોને વેગ આપશે.

 સુનાકની નિયુક્તિ ચર્ચિલના ગાલ પર મોટો તમાચો – રાબિના ખાન

પૂર્વ કાઉન્સિલર અને સ્પેશિયલ એડવાઇઝર રબિના ખાને જણાવ્યું હતું કે, બ્રિટનના પૂર્વ વડાપ્રધાન વિન્ટસ્ટન ચર્ચિલે ભારતીયોને જર્મનો પછીના સૌથી અણઘડ લોકો ગણાવ્યા હતા. પરંતુ આજે એ જ ભારતીય મૂળનો વ્યક્તિ બ્રિટનના વડાપ્રધાનની ખુરશી પર બેઠો છે. જોકે તેમની સામે ઘણા પડકારો પણ છે. તેમના હવે પછીના નિર્ણયો જ કહેશે કે આગામી સંસદની ચૂંટણીમાં તેઓ ટોરીઝનું નેતૃત્વ કરશે કે કેમ..

સુનાકની નિયુક્તિથી ભારત-બ્રિટનના સંબંધોમાં ઝાઝો ફેર નહીં પડે – રાહુલ રોય ચૌધરી

સિનિયર ફેલો ફોર સાઉથ એશિયા, ધ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝના રાહુલ રોય ચૌધરીને રિશી સુનાકની વડાપ્રધાનપદે નિયુક્તિથી ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધોમાં ઝાઝો ફેર પડે તેવી આશા નથી. તેઓ કહે છે કે ભલે બ્રિટનનો ભારતીય સમુદાય સુનાકની નિયુક્તથી ખુશ હોય પરંતુ તેઓ ક્યારેય ભારત સાથેના મજબૂત સંબંધોના હિમાયતી રહ્યા નથી. તેમના બે વર્ષના ચાન્સેલર તરીકેના કાર્યકાળમાં તેમણે ભારતની એકપણ મુલાકાત લીધી નથી.

સુનાક ભારતીય વિદ્યાર્થીઓ માટે હિતકારી પગલાં લે તેવી આશા રાખીએ – સનમ અરોરા

NISAU UKના ચેરપર્સન સનમ અરોરાએ જણાવ્યું હતું કે, બ્રિટનમાં મોટી સંખ્યામાં ભારતીયો ઉચ્ચ અભ્યાસ માટે આવે છે. હું આશા રાખું છું કે રિશી સુનાક ભારતીયોને બ્રિટનમાં મળતી ઉચ્ચ અભ્યાસની તકોમાં ઘટાડો નહીં કરે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના કારણે બ્રિટનના અર્થતંત્રને મોટો લાભ થાય છે. રિશી સુનાક તેમની આડે આવતા માઇગ્રેશનના અવરોધો દૂર કરે તેવી આપણે સૌ આશા રાખીએ.

ભારત સાથેના વેપાર કરાર માટે સુનાક પર મોટી આશા – શેહલા હસન

માન્ચેસ્ટર ઇન્ડિયા પાર્ટનરશિપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શેહલા હસને જણાવ્યું હતું કે, ભારત સાથેના વેપાર કરાર માટે સુનાક પાસેથી ઘણી આશા છે. અમે બંને દેશ વચ્ચેના સંબંધો વધારવા માટે પ્રાપ્ત થયેલી આ નવી તકોને આવકારીએ છીએ. આ નવી તકો માન્ચેસ્ટર અને બ્રિટન સાથેના મુક્ત વેપાર કરાર પર ઘણી અસરો સર્જશે. કોરોના મહામારી અને ક્લાઇમેટ ક્રાઇસિસમાં બંને દેશ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter