લંડન: બ્રિટનનાં વડાપ્રધાન થેરેસા મેએ બ્રેક્ઝિટ અંગે નિષ્ફળતા છતાં પોતાના કાર્યકાળ વિશે ગૌરવ વ્યક્ત કર્યું હતું. તેમણે ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો પુરુષ વડા પ્રધાનની આંખોમાં અશ્રુ આવી જાય કે તેમનું ગળું રુંધાય તો કહેવાય કે મહાન દેશભક્તિ છે. તે પોતાના દેશને ઘણો પ્રેમ કરે છે પણ મહિલા વડાપ્રધાન આવું કરે તો પૂછવામાં આવે છે કે તે કેમ ભાવુક થયાં? ખરેખર ૨૪ મેના રોજ વડા પ્રધાનપદેથી હટવાની જાહેરાત કરતી વખતે થેરેસા મે ભાવુક થઇ ગયાં હતાં.
વિદાય લઈ રહેલાં વડા પ્રધાન થેરેસા મેએ કહ્યું કે બ્રેક્ઝિટ અંગે નિષ્ફળ રહેવા છતાં તેમને પોતાના કાર્યકાળ પર ગર્વ છે. તેમણે જણાવ્યું કે અનેકવાર હું અડધી રાત્રે ઊઠીને બેસી જતી હતી, જે કંઈક ચાલી રહ્યું છે તેના વિશે વિચારવા લાગતી હતી. થેરેસાને આ દરમિયાન ટાઈપ ૧ ડાયાબિટીસ પણ થઇ ગયો.
થેરેસાએ કહ્યું કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનમાં રોકડ વધારવી, યુવા બેરોજગારી અડધી કરવી, વર્કપ્લેસ પર મહિલાઓની સંખ્યા વધારવી, ભથ્થામાં બેરોજગારી જેવા પ્રભાવશાળી નિર્ણયો માટે દેશ મને દાયકાઓ સુધી યાદ રાખશે. થેરેસા મે ટુંક સમયમાં વડા પ્રધાન નિવાસ છોડી દેવાનાં છે.


