લંડન
બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાકના સાસુ સુધા મૂર્તિએ તેમના જમાઇ અંગે પૂછાયેલા એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, રિશી સુનાક વડાપ્રધાન બન્યા તે સારી બાબત છે. હું તેનાથી ખુશ છું પરંતુ તેનાથી વધુ મારે તેમના વડાપ્રધાન બનવા સાથે કોઇ નિસ્બત નથી. બ્રિટનમાં તમારા જમાઇએ રાજનીતિમાં મેળવેલી સફળતા તમને પસંદ છે કે કેમ તેવા સવાલના જવાબમાં સુધા મૂર્તિએ જણાવ્યું હતું કે, હું ફક્ત મારા દેશના મામલાઓ અંગે જ વિચારું છું અને રિશી સુનાક તેમના દેશના મામલાઓ અંગે વિચારે છે. શું તમારે જમાઇ સાથે રાજનીતિ પર કોઇ ચર્ચા થાય છે કે કેમ તેવા સવાલના જવાબમાં સુધા મૂર્તિએ જણાવ્યું હતું કે, અમે ક્યારેય રાજનીતિની ચર્ચા કરતા નથી. તેઓ હંમેશા અમારા જમાઇ જ રહેશે. હું તેમને તેમના કાર્ય માટે શુભેચ્છા પાઠવું છું.
એક અખબારી મુલાકાતમાં નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિએ જણાવ્યું હતું કે, અમે અમારી પૌત્રીઓને મળવા આતુર છીએ. આ માટે તમે બ્રિટનની મુલાકાત લેશો કે કેમ તેવા સવાલના જવાબમાં સુધા મૂર્તિએ જણાવ્યું હતું કે, બસ અમારે અમારી પૌત્રીઓને મળવું છે.
સુધા મૂર્તિ આજે વિશ્વની અગ્રણી આઇટી કંપની ઇન્ફોસિસના સૌપ્રથમ રોકાણકાર હતા. તેમણે આ કંપનીના પ્રારંભ માટે પતિ નારાયણ મૂર્તિને રૂપિયા 10,000ની લોન આપી હતી. સુધા પોતાને વિશ્વના શ્રેષ્ઠ રોકાણકાર માને છે. સુધા મૂર્તિએ આપેલા રૂપિયા 10,000ની મદદથી નારાયણ મૂર્તિએ શરૂ કરેલી ઇન્ફોસિસ કંપની 40 વર્ષ બાદ આજે 17.53 બિલિયન ડોલરની કંપની બની ચૂકી છે. સુધા મૂર્તિ કહે છે કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે 10,000 રૂપિયા અબજો ડોલર બની જશે.


