લંડન
ગ્રુમિંગ ગેંગના મોટાભાગના સભ્યો બ્રિટિશ પાકિસ્તાની હોય છે તેવા પોતાના આરોપનો બચાવ કરતાં હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને જણાવ્યું હતું કે, હું રેસિસ્ટ નથી. ગ્રુમિંગ ગેંગ અંગે મેં જે કાંઇ કહ્યું છે કે તે વાસ્તવિકતા પર આધારિત અને સંપુર્ણ સત્ય છે. એક કોલમમાં બ્રેવરમેને જણાવ્યું હતું કે, હું એમ નથી કહેતી કે બધા જ બ્રિટિશ પાકિસ્તાની બળાત્કારી હોય છે. અમે જ્યારે વાસ્તવિકતાની વાત કરીએ છીએ ત્યારે તેમને કલ્પનાઓના આધારે ખોટી ગણાવવામાં આવે છે.
તેમણે જણાવ્યું હતું કે, ગ્રુમિંગ ગેંગોમાં બ્રિટિશ પાકિસ્તાનીઓની સંડોવણી સંખ્યાબંધ કેસમાં સામે આવી છે તે વાસ્તવિકતા છે પરંતુ કેટલાક લોકો તેને સ્વીકારતા નથી. આ પહેલાં એક ટીવી પ્રોગ્રામમાં સુએલા બ્રેવરમેને જણાવ્યું હતું કે, શ્વેત અંગ્રેજ યુવતીઓની સાથે સંપર્ક કરી તેમને ડ્રગ્સ આપીને બળાત્કાર કરવામાં આવે છે અને બ્રિટિશ પાકિસ્તાનીઓની ગેંગો દ્વારા તેમને નુકસન પહોંચાડવામાં આવે છે.
અખબારની કોલમમાં બ્રેવરમેને જણાવ્યું હતું કે, આ પ્રકારની ગ્રુમિંગ ગેંગોના મોટાભાગના સભ્યો બ્રિટિશ પાકિસ્તાની હોય છે. લેબર શાસિત વિસ્તારોમાં આ પ્રકારની ગેંગો સામે પગલાં લેવાતાં નથી કારણ કે તેમને રેસિસ્ટ ગણાવાનો ભય છે.


