લંડનઃ રિશી સુનાકને સૌપ્રથમ એશિયન બ્રિટિશ વડાપ્રધાન બનવાનું ગૌરવ છે. તાજેતરમાં એક પોડકાસ્ટરે રિશી સુનાક બ્રાઉન હિન્દુ છે. તે કેવી રીતે ઇંગ્લિશ હોઇ શકે તેવો સવાલ કર્યો હતો. સુનાકે બીબીસી સાથેની મુલાકાતમાં તેનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, હું ઇંગ્લિશ છું. મારો જન્મ અને ઉછેર બ્રિટનમાં જ થયો છે. તે પોડકાસ્ટરના કહેવાનો અર્થ તો એ થયો કે જો તમે ઇંગ્લેન્ડની ટીમ માટે રમો છો તો પણ તમે ઇંગ્લિશ બની શક્તા નથી. મને આ વિચાર જ વિચિત્ર લાગે છે.
10 ડાઉનિંગ સ્ટ્રીટ છોડ્યા પછીની એક વ્યાપક મુલાકાતમાં પૂર્વ વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે,લિઝ ટ્રસની વિદાય બાદ હું મિશ્ર લાગણીઓ ધરાવતો હતો. પરંતુ હું હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવું છું જેમાં કર્મ કરતા રહેવાનો ઉપદેશ છે. તમે તમારી શ્રેષ્ઠ કાર્યક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરો, જે કરો છો તે કરતા રહો અને અન્ય કશાની ચિંતા ન કરો. ફળની આશા રાખ્યા વિના કર્મ કરવાનો આ હિન્દુ સિદ્ધાંત મને ઘણો મદદરૂપ થયો. હું તે પ્રમાણે કામ કરતો રહ્યો. મેં મારી જાતને કહ્યું કે આ મારી ફરજ છે અને તેના માટે હું અહીં છું. મારે દેશ સામે રહેલા આર્થિક પડકારોનો સામનો કરવાના પ્રયાસ કરવાના હતા.
સુનાકને એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર પણ કહેવામાં આવે છે. તેઓ કહે છે કે, મને સ્ટોપ ધ બોટ્સ નારો આપવા માટે ખેદ છે. આ નારો ઘણો આકરો અને વિસંગત હતો. સુનાકે સ્વીકાર્યું હતું કે ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા માઇગ્રન્ટ્સને અટકાવવામાં હું નિષ્ફળ રહ્યો હતો.
બે કલાક લાંબી મુલાકાતમાં સુનાકે જણાવ્યું હતું કે, હું 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં ઘણું શીખ્યો છું. તેમાં મેં કરેલી ભૂલો જ નહીં પરંતુ અસહમતિઓ પણ સામેલ છે. મને વસવસો છે કે હું વડાપ્રધાન તરીકેના સમયને યોગ્ય રીતે માણી શક્યો નથી.
તેમણે જણાવ્યું હતું કે, મારી પાસે જનાધાર નહોતો અને મારે પાર્ટીમાં જ બાખડતાં જૂથોને એકજૂથ કરવાના હતા. દેશને ખરેખર તો સ્થિરતાની જરૂર હતી. રવાન્ડા યોજના પર તેમણે જણાવ્યું હતું કે, હું ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને રવાન્ડા મોકલવા માગતો હતો. હવે હું સુધારા ન કરાય તો યુરોપિયન કન્વેન્શન ઓન હ્યુમન રાઇટ્સ સાથે છેડો ફાડવાનો હિમાયતી છું. મેં ઇમિગ્રેશન ઘટાડવા આકરાં પગલાં લીધાં હતા. મારે તે વહેલા લેવાની જરૂર હતી.
યુક્રેનમાં થયેલા નુકસાનની વસૂલાત પુતિન પાસેથી કરોઃ રિશી સુનાક
યુક્રેનમાં વેરેલા વિનાશ માટે પુતિન પાસેથી વસૂલાત કરવા પૂર્વ વડાપ્રધાન રિશી સુનાકે પશ્ચિમના દેશોને અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે પશ્ચિમના દેશો રશિયના ફ્રીઝ કરાયેલા 300 બિલિયન પાઉન્ડમાંથી યુક્રેનના નુકસાનની ભરપાઇ કરવી જોઇએ. રશિયા દ્વારા વેરાયેલા વિનાશ માટે યુક્રેનના પુનઃનિર્માણનો બોજો પશ્ચિમના દેશોના કરદાતાઓ પર નાખવો જોઇએ નહીં. રશિયાના આક્રમણના કારણે યુક્રેનમાં 524 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. જેની ચૂકવણી પુતિન પાસે કરાવવી જોઇએ.