હું હેન્ડનના ભારતીય સમુદાય માટે કામ કરતો રહીશઃ અમિત જોગિયા

હેન્ડન બેઠકના કન્ઝર્વેટિવ ઉમેદવાર અમિત જોગિયા સાથે વિશેષ મુલાકાત, કન્ઝર્વેટિવ પાર્ટી દેશને સ્થિરતા આપશે, રિશી સુનાક દેશના વિકાસ અને પ્રગતિને જારી રાખશેઃ જોગિયા

- અનુષા સિંહ Tuesday 04th June 2024 12:57 EDT
 
 

 16 વર્ષની વયથી જ કન્ઝર્વેટિવ પાર્ટીના સક્રિય સભ્ય રહેલા અને હેરોના વર્તમાન કાઉન્સિલર અમિત જોગિયા હેન્ડન બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર તરીકે મેદાનમાં છે. તેમણે એશિયન વોઇસ અને ગુજરાત સમાચાર સાથેની વાતચીતમાં પોતાના મતવિસ્તાર માટેના વિઝન અને પ્રાથમિકતાઓ અંગે ચર્ચા કરી હતી.

એશિયન વોઇસ - ગુજરાત સમાચારઃ તમે ડાઉનિંગસ્ટ્રીટના સલાહકાર, સ્થાનિક કાઉન્સિલર અને લોર્ડ ડોલર પોપટના સહયોગી તરીકે કામગીરીનો બહોળો અનુભવ ધરાવો છો ત્યારે એક સાંસદ તરીકેની ભુમિકા માટે પોતાને કેવી રીતે તૈયાર કરી રહ્યાં છો....

અમિત જોગિયાઃ હું છેલ્લા 15 વર્ષથી રાજકારણમાં છું. મને વિવિધ વાતાવરણમાં કામ કરવાની તક મળી છે પરંતુ હેન્ડન સાથેનું મારું જોડાણ વિશેષ છે. મારા હોમ ટાઉન પ્રત્યેનો મારો પ્રેમ અને વેસ્ટમિન્સ્ટર ખાતેનો અનુભવ બતાવે છે કે હું સ્થાનિક લોકોનું પ્રતિનિધિત્વ કરવાની કુશળતા ધરાવું છું અને આ વિસ્તારે મને જે વર્ષો સુધી આપ્યું છે તેનું વળતર ચૂકવી શકું.

એશિયન વોઇસ - ગુજરાત સમાચારઃ જો સાંસદ તરીકે ચૂંટાશો તો હેન્ડન મત વિસ્તાર માટેની તમારી ટોચની 3 પ્રાથમિકતા કઇ રહેશે....

અમિત જોગિયાઃ હું પ્રાઇવેટ સ્કૂલો પર 20 ટકા ટેક્સ લાદવાના લેબર પ્લાનનો વિરોધ કરું છું. તેની બ્રિટિશ ભારતીય સમુદાય પર વિપરિત અસર થશે જે અન્યાયી છે. વાલીઓ ખર્ચ વેઠી શકશે નહીં અને સરકારી શાળાઓ પર દબાણ વધશે. હું ક્રાઇમ ઘટાડવા માટે પણ પ્રતિબદ્ધ છું. હું વિસ્તારમાં વિકાસકાર્યોની તરફેણમાં છું તો એજવેરમાં બ્રોડવોક સેન્ટરમાં ટાવર બ્લોકના નિર્માણનો વિરોધી પણ છું.

એશિયન વોઇસ - ગુજરાત સમાચારઃ મેથ્યૂ ઓફફોર્ડની કઇ નીતિઓ તમે જારી રાખવા માગો છો...

અમિત જોગિયાઃ હું મેથ્યૂ ઓફફોર્ડની જેમ અમારા વિસ્તારના યહૂદી સમુદાયને સપોર્ટ કરવાનું ચાલુ રાખીશ. યહૂદી સમુદાય હેન્ડનમાં સુરક્ષિત અનુભવે તે સુનિશ્ચિત કરીશ.

એશિયન વોઇસ - ગુજરાત સમાચારઃ લઘુમતીસમુદાયોનો અવાજ કેવી રીતે ઉઠાવશો... તેમની સમસ્યાઓના ઉકેલ માટે શું કરશો....

અમિત જોગિયાઃ લઘુમતી સમુદાયોનો અવાજ બુલંદ બને તે સુનિશ્ચિત કરવા સામુદાયિક આગેવાનો સાથે મળીને કામ કરીશ. હું લઘુમતી સમુદાયો માટે કામ કરતા સંગઠનોને સપોર્ટ જારી રાખીશ. હું હેન્ડનના ભારતીય અને યહૂદી સમુદાયો માટે કામ કરતો રહીશ.

એશિયન વોઇસ - ગુજરાત સમાચારઃ હાલની ઇમિગ્રેશન નીતિઓ અંગે તમારું શું માનવું છે...

અમિત જોગિયાઃ જો કન્ઝર્વેટિવ પાર્ટી ફરી સરકાર બનાવશે તો સાહસિક પગલાં લેવાનું જારી રાખશે. સુનાક સરકાર બોટ ક્રોસિંગમાં 36 ટકાનો ઘટાડો કરી ચૂકી છે. લેબર પાર્ટી રવાન્ડા યોજના રદ કરવાની વાતો કરી રહી છે પરંતુ તેના કારણે યુકે ગેરકાયદેસર માઇગ્રેશન માટે મેગ્નેટ બની જશે. લેબરની નીતિના કારણે વધારાના 2,50,000 માઇગ્રન્ટ યુકેમાં આવશે અને તેનાથી આપણી જાહેર સેવાઓ પર દબાણ સર્જાશે.

એશિયન વોઇસ - ગુજરાત સમાચારઃ કન્ઝર્વેટિવ પાર્ટીની સૌથી વધુ ક્ષમતા શું છે, હાલની સ્થિતિમાં પાર્ટી પાસે કેવી તકો છે...

અમિત જોગિયાઃ કન્ઝર્વેટિવ સ્થિરતાની પાર્ટી છે. નીતિઓને વળગી રહીને રિશી સુનાક દેશના વિકાસ અને પ્રગતિને જારી રાખશે. ફુગાવો નિયંત્રણમાં છે અને અર્થતંત્ર વૃદ્ધિ કરી રહ્યું છે. દેશ ફરી પાછો પગ પર ઊભો થઇ રહ્યો છે. સાંસદ તરીકે હું સંસદમાં અસરકારક કામગીરી દ્વારા હેન્ડનના લોકોની જરૂરીયાતો સંતોષી શકીશ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter